જૂનાગઢના વંથલી શહેરમાં એક બેફામ બનેલા કારચાલકે માર્ગ પર ભારે હોબાળો મચાવ્યો હતો. વંથલીના વ્યસ્ત એવા આંબેડકર ચોક પાસે એક કારચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા અનેક વાહનો અને દુકાનોને અડફેટે લીધા હતા.
જૂનાગઢના વંથલી શહેરમાં એક બેફામ બનેલા કારચાલકે માર્ગ પર ભારે હોબાળો મચાવ્યો હતો. વંથલીના વ્યસ્ત એવા આંબેડકર ચોક પાસે એક કારચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા અનેક વાહનો અને દુકાનોને અડફેટે લીધા હતા. આ ભયાનક અકસ્માતમાં 5 જેટલા લોકોને ગંભીર ઈજાઓ પહોંચી છે, જ્યારે દુકાનોના સામાનને પણ ભારે નુકસાન થયું છે. કારચાલક રસ્તા પર બેફામ ગતિએ ગાડી હંકારી રહ્યો હતો.
આંબેડકર ચોક પાસે પહોંચતા જ ચાલકે નિયંત્રણ ગુમાવ્યું હતું, જેના કારણે માર્ગ પરથી પસાર થઈ રહેલા અનેક બાઈકચાલકો કારની અડફેટે આવ્યા હતા. આટલેથી ન અટકતા, કાર ધડાકાભેર રસ્તાની બાજુમાં આવેલી દુકાનોમાં ઘૂસી ગઈ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે દુકાનોના સાઈનબોર્ડ અને બહાર રાખેલો સામાન કચ્ચરઘાણ વળી ગયો હતો. અકસ્માત સર્જાતા જ આસપાસના લોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા. સ્થાનિકોએ કાચ તોડીને અને કાટમાળ નીચે દબાયેલા ઈજાગ્રસ્તોને બહાર કાઢ્યા હતા.
આ દુર્ઘટનામાં ઘવાયેલા 5 લોકોને તાત્કાલિક 108 મારફતે નજીકની હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતા જ વંથલી પોલીસનો કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો. પોલીસે અકસ્માત સર્જનાર કારચાલકની અટકાયત કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પ્રાથમિક દ્રષ્ટિએ આ અકસ્માત કારચાલકની બેદરકારી અથવા તે નશાની હાલતમાં હતો કે કેમ તે દિશામાં પણ તપાસ શરૂૂ કરવામાં આવી છે. આ ઘટનાને પગલે વંથલીના મુખ્ય બજારમાં થોડો સમય ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

