શહેરમાં આપઘાત અને આત્મહત્યાના પ્રયાસોની ઘટના વધી રહી છે ત્યારે જુદા જુદા બે સ્થળે ન્યુ નટરાજનગર અને ધરમનગરમાં બે યુવાને ગળેફાંસો ખાઇ આપઘાત કરી લેતા બંને પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ સાધુ વાસવાની રોડ પર ગોપાલ ચોક પાસે આવેલ ન્યુ નટરાજનગર ટાઉનશીપમાં રહેતા ક્રિપાલ કિશોરભાઈ ખુમાણ નામનો 24 વર્ષનો યુવાન ગઈકાલે પોતાના ઘરે હતો ત્યારે કોઈ અગમ્ય કારણસર ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. યુવકના મોતથી પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી હતી. પ્રાથમિક પૂછપરછમાં મૃતક યુવાન માતા-પિતાનો આધાર સ્થંભ પુત્ર અને બે બહેનોનો એકનો એક ભાઈ હતો અને ખાનગી હોસ્પિટલમાં નોકરી કરતો હતો ક્રિપાલ ખુમાણને ગઈકાલે રજા હોવાથી ઘરે એકલો હતો ત્યારે કોઈ અગમ્ય કારણસર આત્મઘાતી પગલું ભરી લીધું હોવાનું જાણવા મળ્યું છે.
આ ઉપરાંત અન્ય બીજા બનાવમાં ભગવતીપરામાં આવેલા ધરમનગરમાં રહેતા ભરતભાઈ કાનજીભાઈ પરમાર (ઉ.વ.37)એ પોતાની ઓરડીમાં લોખંડના પાઇપ સાથે પ્લાસ્ટિકની પાઈપની મદદથી ગળાફાંસો ખાઈ લીધો હતો. સવારે મોટાભાઈ તેને ઉઠાડવા જતા ઓરડીનો દરવાજો બંધ હતો. કોઇ વસ્તુથી દરવાજાની સ્ટોપર ખોલી અંદર જતા લટકતી હાલતમાં જોવા મળ્યો હતો. 108ની ટીમે સ્થળ પર પહોંચી મૃત જાહેર કરતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો. ઉપરોક્ત બંને બનાવ અંગે પોલીસે મૃતકના આપઘાતનું કારણ જાણવા તપાસ હાથ ધરી છે.
