જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના પડાણા ગામે કરુણાજનક અકસ્માતમાં બે પરપ્રાંતીય શ્રમિકોના વીજ કરંટ લાગતાં મોત નિપજ્યા છે. બનાવને લઈને સમગ્ર વિસ્તારમાં અરેરાટી ફેલાઈ ગઈ છે. પ્રાપ્ત વિગતો મુજબ પડાણા ગામે સુંબુલ સાહીના રૂૂમમાં રહેતા બિહાર રાજ્યના બે શ્રમિકો સુનિલ મહતો ઉર્ફે ચૂની મહતો (ઉ.વ.37) તથા જય પ્રકાશ કુમાર ચંદેશ્વર રાય (ઉ.વ.35) ગત તા.10 મે 2026 ના રોજ સવારે આશરે આઠથી સાડા આઠ વાગ્યાના સમયે રૂૂમમાં પાણીથી સફાઈ કામગીરી કરી રહ્યા હતા. ત્યારબાદ બંને કપડા સુકવવા માટે તાર બાંધતા હતા. દરમિયાન કપડા સુકવવાના તારનો જોડાણ પાસે ટેપ મારવામાં આવેલ ઇલેક્ટ્રિક વાયર સાથે સંપર્ક થતાં બંનેને જોરદાર વીજ કરંટ લાગ્યો હતો.
ગંભીર કરંટ લાગતાં બંને શ્રમિકોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા. આ બનાવ અંગે વેપારી રાજેન્દ્રકુમાર ગેયા સાહ દ્વારા જાણ કરવામાં આવતા મેધપર (પડાણા) પોલીસ સ્ટેશનની ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. પોલીસે મૃતદેહોનો કબ્જો સંભાળી પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી હતી. આ બનાવ અંગે મેધપર (પડાણા) પોલીસ સ્ટેશનમાં એ.ડી. નંબર 21/2026 ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (બી.એન.એસ.એસ.) કલમ 194 મુજબ નોંધ કરવામાં આવી છે. સમગ્ર બનાવની વધુ તપાસ એ.એસ.આઈ. વી.સી. જાડેજા ચલાવી રહ્યા છે.
ધ્રોલમાં ખારવા ચોકડી પાસે એસટી કંડક્ટર ઉપર ચાર શખ્સોનો હુમલો
મોટા વાગુદડ ગામે રહેતા અને ધ્રોલ એસટી ડેપોમાં કંડક્ટર તરીકે ફરજ બજાવતા ઋત્વિકસિંહ બકુલસિંહ જાડેજા ગઇ કાલે પીઠડીયા-ધ્રોલ રૂૂટની એસટી બસમાં ફરજ પર હતા. વહેલી સવારે ધ્રોલ ખારવા ચોકડી પાસે બસ રોડ ક્રોસ કરતી વખતે એક બોલેરો ગાડી સાથે હળવો અકસ્માત સર્જાયો હતો. ઘટનામાં કોઈ મુસાફરને ઈજા પહોંચી ન હોવાથી બંને પક્ષ વચ્ચે સમાધાન થઈ ગયું હતું. આ દરમિયાન ધ્રોલના ગાયત્રીનગર વિસ્તારમાં રહેતો મનીષ રાઠોડ ત્યાં આવી પહોંચ્યો હતો, અને એસટી કર્મચારીઓ સામે આક્રોશ વ્યક્ત કરી ગાળો બોલવા લાગ્યો હતો. ફરિયાદ મુજબ ઋત્વિકસિંહ બસમાં ચઢવા જતા હતા ત્યારે મનીષ રાઠોડે પાછળથી કોલર પકડી તેમને નીચે ઉતાર્યા હતા. ત્યારબાદ તેની સાથે આવેલા ત્રણ અજાણ્યા શખ્સોએ પણ ગાળો બોલી હુમલો શરૂૂ કર્યો હતો. ફરિયાદમાં જણાવાયું છે કે મનીષ રાઠોડે નજીકની હોટલમાંથી સ્ટીલનો ગ્લાસ લાવી ઋત્વિકસિંહના માથાના જમણા ભાગે ફટકાર્યો હતો, જેના કારણે તેઓ લોહીલુહાણ થઈ જમીન પર પડી ગયા હતા. ત્યારબાદ ચારેય શખ્સોએ ઢીકાપાટુનો માર મારી જાનથી મારી નાખવાની તેમજ ટાંટિયા ભાંગી નાખવાની ધમકી આપી ત્યાંથી નાસી ગયા હતા. બાદમાં ગામના બ્રિજરાજસિંહ ગણપતસિંહ જાડેજા તેમને રિક્ષામાં ધ્રોલ સરકારી હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ ગયા હતા.
