ગીર સોમનાથ જિલ્લા પોલીસ વિભાગમાં હોટલ રેડ દરમિયાન સામે આવેલા એક સનસનાટીભર્યા તોડકાંડને પગલે ભારે ખળભળાટ મચી ગયો છે. હોટલ રોયલ મેન્સનમાં પાડવામાં આવેલી જુગાર રેડ દરમિયાન ગેરરીતિ અને તોડબાજીના ગંભીર આક્ષેપો ઉઠતાં જૂનાગઢ રેન્જ આઈ.જી. ચુડાસમા આકરા પાણીએ થયા છે.
પોલીસની પ્રાથમિક તપાસમાં ગેરરીતિ સામે આવ્યા બાદ રેન્જ આઈ.જી. દ્વારા મોટી સજાત્મક કાર્યવાહી કરતા એસઓજી PSI ડી.એમ. કાગડા અને PSI એચ.એલ. જેબલિયાને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.
ઘટનાની વિગતો અનુસાર, હોટલ રોયલ મેન્સનમાં જુગાર રમાતો હોવાની માહિતી આધારે દરોડો પાડવામાં આવ્યો હતો. આ રેડ દરમિયાન સ્થળ પરથી એક મહિલા PSI પાસેથી કેસ રફાદફા કરવાના અવેજમાં રૂૂપિયા 5 લાખનો તોડ કરવામાં આવ્યો હોવાના ગંભીર આક્ષેપો થયા હતા.
તોડકાંડનો ભોગ બનેલા મહિલા PSI એ પોતે જ જૂનાગઢ રેન્જ IG સમક્ષ પહોંચી આ સમગ્ર કાળો કારોબાર અને તોડકાંડનો ભાંડો ફોડ્યો હતો. પોલીસ અધિકારી સામે જ પોતાના જ વિભાગના સાથી અધિકારી દ્વારા કરાયેલા તોડકાંડની આ રજૂઆતને રેન્જ IG એ અત્યંત ગંભીરતાથી લીધી હતી. પ્રાથમિક તપાસમાં જ ગેરરીતિના પુરાવા મળતા બંને PSI સામે સસ્પેન્શનની કાર્યવાહી કરાઇ છે જેના પગલે સમગ્ર જિલ્લા પોલીસ તંત્રમાં ખળભળાટ મચી ગયો છે.
