Site icon Gujarat Mirror

ઝુલેલાલનગરમાં વેપારીના મકાન અને વાહનોમાં તોડફોડ કરી આતંક મચાવનાર બે લુખ્ખા ઝડપાયા

મધરાત્રે સોડા-બોટલના ઘા કરી પાંચ સ્કૂટર અને કારમાં ધોકા ફટકારી નુકસાન કર્યુ’તુ

શહેરના જુલેલાલનગરમાં કુખ્યાત શખ્સોએ મધરાત્રે આતંક મચાવી વેપારીના ઘર પર સોડા બોટલોના ઘા કરી મકાન અને વાહનોમાં તોડફોડ કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જે બનાવમાં પોલીસે બે શખ્સોની ધરપકડ કરી ફરાર આરોપીઓને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે.

જાણવા મળતી વિગત મુજબ, જુલેલાલનગરમા રહેતાં આશિષભાઈ ચેતનભાઈ નેભાણી (ઉ.34)એ પ્ર.નગર પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે સ્લમ કવાર્ટરમાં રહેતાં ફૈઝલ ઉર્ફે કાલી રહીમભાઈ ભાણુ, ઈરફાન રહીમભાઈ ભાણુ, અબ્દુલ દાઉદભાઈ લંજા, હશન અને અજાણ્યા ચાર શખ્સોના નામ આપ્યા છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ, ગત તા.9નાં સાંજે ફરિયાદી એકટીવા લઈ જતાં હતાં ત્યારે ઘર નજીક આરોપી ફૈઝલ તેનું સ્કુટર લઈ સામેથી આવતો હોય તેણે મારી સાથે તારી એકટીવા કેમ આડી નાખે છે તેમ કહી ઝઘડો કરી ગાડીની ચાવી કાઢી લીધી હતી અને છરીના ઘા ઝીંકી મારી નાખીશ તેવી ધમકી આપી હતી. આ સમયે પરિવારજનો એકઠા થઈ જતાં ઘર મેળે સમાધાન કરવાની વાત કરી હતી.

બાદમાં મોડી રાત્રે તમામ આરોપીઓએ ચાર બાઈકમાં ઘસી આવી ઘર ઉપર સોડા બોટલના છુટા ઘા કરવા લાગ્યા હતાં અને ઘર પાસે પાર્ક કરેલા પાંચ બાઈકમાં ધોકા પાઈપ ફટકારી નુકસાન કર્યું હતું. આ ઉપરાંત તેમની કારમાં પણ તોડફોડ કરી હતી. જે અંગે ફરિયાદ નોંધાતા પ્રનગર પાોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. દરમિયાન પ્રનગર પોલીસે આરોપી ફેઝલ ઉર્ફે કાલી રહીમભાઇ ભાણુ અને અબ્દુલ દાઉદભાઇ લંજાને ઝડપી લઇ અન્ય આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.

Exit mobile version