મોરબીમાં હિટ એન્ડ રન: બાઇક સવાર બે યુવાન મિત્રોના મોત

અકસ્માત સર્જી નાસી છૂટેલા અજાણ્યા વાહનચાલકની શોધખોળ રવિરાજ ચોકડી પાસે હીટ એન્ડ રનની ઘટના પ્રકાશમાં આવી છે જેમાં ડબલ સવારી બાઈકમાં બે મિત્રો જતા હોય…

અકસ્માત સર્જી નાસી છૂટેલા અજાણ્યા વાહનચાલકની શોધખોળ

રવિરાજ ચોકડી પાસે હીટ એન્ડ રનની ઘટના પ્રકાશમાં આવી છે જેમાં ડબલ સવારી બાઈકમાં બે મિત્રો જતા હોય ત્યારે અજાણ્યા વાહનચાલકે બાઈકને ટક્કર મારી ગંભીર ઈજા પહોંચાડી બંને યુવાનના મોત નીપજાવી પોતાનું વાહન લઈને વાહનચાલક ફરાર થયો હતો મોરબી તાલુકા પોલીસે ફરાર વાહનચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી છે.

મોરબીના લક્ષ્મીનગર ગામે રહેતા સાવન ભરતભાઈ ડાભી (ઉ.વ.21) વાળાએ અજાણ્યા વાહનચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ગત તા. 18 ના રોજ રાત્રીના 10 વાગ્યાના અરસામાં ફરિયાદીના નાના ભાઈ કરણભાઈ ભરતભાઈ ડાભી (ઉ.વ.19) અને વિપુલ મહેશભાઈ રાવળદેવ (ઉ.વ.24) બંને બાઈક જીજે 36 બીસી 7566 લઈને લક્ષ્મીનગરથી મોરબી જતા હતા અને બાઈક ફરિયાદીના નાના ભાઈ કરણભાઈ ચલાવતા હતા.
વિપુલ પાછળ બેઠો હતો બંને રવિરાજ ચોકડી પાસે આવેલ પૃથ્વી સ્ટોન કારખાના પાસે પહોંચ્યા ત્યારે કોઈ અજાણ્યા વાહનચાલકે પુરઝડપે પોતાનું વાહન ચલાવી બાઈકને ટક્કર મારી હતી.

જેથી બાઈક સવાર ફરિયાદીના ભાઈ અને પાછળ બેસેલ યુવાન એમ બંનેને ગંભીર ઈજા પહોંચાડી મોત નીપજાવી પોતાનું વાહન લઈને નાસી ગયો હતો. મોરબી તાલુકા પોલીસે અજાણ્યા વાહનચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધી ફરાર વાહનચાલકને ઝડપી લેવા વધુ તપાસ ચલાવી છે.