જામકંડોરણાના આંચવડમાં સગીરા ઉપર બે શખ્સોનું દુષ્કર્મ, એકની ધરપકડ

સગીરાને પ્રેમજાળમાં ફસાવી પૂર્વ પ્રેમી સહિત બે શખ્સોએ હવસનો શિકાર બનાવી જામકંડોરણા તાલુકાના આંચવડ ગામેથી સામાજિક માનસિકતા પર સવાલ ઉઠાવતી એક અત્યંત શર્મજનક અને ચોંકાવનારી…

સગીરાને પ્રેમજાળમાં ફસાવી પૂર્વ પ્રેમી સહિત બે શખ્સોએ હવસનો શિકાર બનાવી

જામકંડોરણા તાલુકાના આંચવડ ગામેથી સામાજિક માનસિકતા પર સવાલ ઉઠાવતી એક અત્યંત શર્મજનક અને ચોંકાવનારી ઘટના સામે આવી છે. આંચવડ ગામની એક સગીરાને પ્રેમજાળમાં ફસાવીને બે શખ્સોએ પોતાની હવસનો શિકાર બનાવી હોવાનો સનસનાટીભર્યો મામલો પ્રકાશમાં આવ્યો છે. ભોગ બનનાર સગીરાએ આખરે હિંમત ભેગી કરી ન્યાય મેળવવા માટે પોલીસના દ્વાર ખખડાવતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે. જામકંડોરણા પોલીસે સગીરાની ફરિયાદના આધારે બંને નરાધમો સામે કાયદેસરનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે, જેમાં એક આરોપીને દબોચી લેવામાં પોલીસને સફળતા મળી છે.

ઘટનાની પ્રાપ્ત વિગતો અનુસાર, આંચવડ ગામમાં રહેતી એક સગીરાને તે જ ગામના અને અન્ય એક ચોરવાડ ગામના શખ્સે પ્રેમની ખોટી જાળમાં ફસાવી હતી. માસૂમ સગીરા આ નરાધમોના બદઇરાદા સમજી શકી ન હતી. આ કેસમાં કમકમાટીભરી બાબત એ છે કે સગીરા એક નહીં પરંતુ બે-બે નરાધમોની હવસનો શિકાર બની હતી. સગીરાના પૂર્વ પ્રેમીએ સૌપ્રથમ તેની સાથે પ્રેમનો ઢોંગ રચી, શારીરિક સંબંધો બાંધ્યા હતા અને ત્યારબાદ તેને અધવચ્ચે જ બેસહારા છોડીને તરછોડી દીધી હતી.

પૂર્વ પ્રેમી દ્વારા તરછોડાયા બાદ સગીરા અત્યંત લાચાર અને માનસિક રીતે ભાંગી પડી હતી. આ દરમિયાન તેનો સંપર્ક ચોરવાડ ગામના અન્ય એક શખ્સ સાથે થયો હતો. આ બીજા નરાધમે પણ સગીરાની મજબૂરી અને એકલતાનો ગેરફાયદો ઉઠાવ્યો હતો. તેણે પણ સગીરાને પોતાની જાળમાં ફસાવીને તેની પર દુષ્કર્મ ગુજાર્યું હતું. પોતાની વાસના સંતોષાઈ ગયા બાદ આ ચોરવાડના શખ્સે પણ સગીરાને તરછોડી દીધી હતી. આમ, આ માસૂમ સગીરા વારાફરતી બે નરાધમોના શારીરિક અને માનસિક શોષણનો ભોગ બની હતી.

બંને નરાધમો દ્વારા આચરવામાં આવેલા આ કૃત્ય અને દગાના કારણે સગીરા સંપૂર્ણપણે હબક ખાઈ ગઈ હતી. અંતે, આ ન્યાયવિહોણી પરિસ્થિતિ સામે ઝૂકવાને બદલે પીડિત સગીરાએ હિંમતપૂર્વક કાયદાનો આશરો લેવાનું નક્કી કર્યું હતું. તેણીએ જામકંડોરણા પોલીસ સ્ટેશને પહોંચીને પોતાની આપવીતી વર્ણવી બંને શખ્સો સામે ન્યાયની ગુહાર લગાવી હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈને જામકંડોરણા પોલીસે તાત્કાલિક ધોરણે ગુનો નોંધીને તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. પોલીસે સઘન કાર્યવાહી કરીને બે પૈકીના એક આરોપીને ગણતરીના કલાકોમાં જ ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે, જ્યારે અન્ય એક ફરાર આરોપીને પકડવા માટે અલગ-અલગ દિશામાં ચક્રો ગતિમાન કર્યા છે. આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં નરાધમો પ્રત્યે ભારે રોષ જોવા મળી રહ્યો છે