ગુજરાતમાં ધીરે ધીરે ચોમાસુ સક્રિય થઇ રહ્યુ હોય તેમ આજે સવારે 6 વાગ્યે પુરા થતા 24 કલાકમાં રાજ્યના 52 તાલુકામાં ઝાપટાથી માંડી બે ઇંચ જેવો વરસાદ નોંધાયેલો છે. સૌથી વધુ ભાવનગરમાં ગઇકાલે બપોરબાદ તોફાની પવન સાથે બે ઇંચ વરસાદ ખાબકયો હતો.
આ સિવાય ઉમરપાડામાં 1.77 ઇંચ, સાગબારા તેમજ જલાલપોરમાં દોઢ ઇંચ, ઉકાઇમાં સવા ઇંચ, વલસાડમાં 1.18 ઇંચ, આરેઠમાં 1 ઇંચ તથા અંબિકામાં 1 ઇંચ વરસાદ નોંધાયો છે. કુલ 20 તાલુકામાં અડધો ઇંચથી વધુ વરસાદ પડ્યો છે.
ભાવનગર શહેરમાં ગઈકાલે બપોર બાદ શહેરમાં બે ઇંચથી વધુ (55 મી.મી.) વરસાદ ખાબકી જતાં અનેક વિસ્તારમાં પાણી ભરાઈ ગયા હતા. ચોમાસાના આ પ્રથમ ધમાકેદાર વરસાદને પગલે લાંબા સમયથી અસહ્ય ગરમી અને બફારાથી તોબા પોકારી ઉઠેલા શહેરજનોને મોટી રાહત મળી હતી અને વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. જો કે, પ્રથમ વરસાદે જ મહાનગરપાલિકાની પ્રી-મોન્સૂન કામગીરીની પોલ ખોલી નાખી હતી.
ભારે વરસાદના કારણે શહેરના નીચાણવાળા વિસ્તારો જેવા કે ભરતનગર, કાળીયાબીડ, ગાયત્રી નગર અને કુંભારવાડામાં ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા હતા. ખાસ કરીને ભરતનગરના વાળંદવાડી વિસ્તારમાં એક ફૂટ જેટલા પાણી ભરાઈ જતાં વાહનચાલકો અને સ્થાનિક રહીશોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
વરસાદની સાથે ફૂંકાયેલા જોરદાર પવનના કારણે શહેરમાં અનેક જગ્યાએ વૃક્ષો ધરાશાયી થવાના બનાવો બન્યા હતા, જેમાં ભરતનગર વિસ્તારમાં 3 અને કાળીયાબીડમાં 2 વૃક્ષો જમીન દોસ્ત થયા હતા. ભરત નગરની અભિષેક સોસાયટીમાં લીમડાના બે વિશાળ વૃક્ષો તૂટી પડતાં તેની નીચે પાર્ક કરેલા ચાર વાહનો અને એક લારી દટાઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં જ સામાજિક કાર્યકર ભરતભાઈ મોણપરા સહિતના લોકો દોડી ગયા હતા. આ ઉપરાંત, ચિત્રા વિસ્તારમાં આકાશી વીજળી ત્રાટકતાં બે ભેંસના કમકમાટીભર્યા મોત નીપજ્યા હોવાના અહેવાલ સાંપડ્યા છે.
ભાવનગર શહેરના રૂૂપાણી સર્કલ વિસ્તારમાં અને દેવરાજ નગર વિસ્તારમાં વીજળી પડી હતી જો કે કોઈ જાનહાનિ થઈ ન હતી. શહેર જિલ્લામાં વરસાદથી વીજળીને લગતી 236 ફરિયાદો ભાવનગર શહેર અને જિલ્લામાં ગાજવીજ સાથે વરસેલા ભારે વરસાદને કારણે ભાવનગર શહેરમાં અનેક વિસ્તારોમાં વીજળી કુલ થતા પીજીવીસીએલને શહેર અને જિલ્લાની કુલ 236 ફરિયાદો મળી હતી. વીજ સમસ્યાની ફરિયાદોથી ફોલ્ડ સેન્ટરમાં ટેલીફોનની રીંગો સતત રણકતી રહી હતી.
