મેટોડા જીઆઇડીસીમાં રહેતો અને કારખાનામાં મજૂરીકામ કરનાર બિહારી યુવાન રાજકોટ રેલવે સ્ટેશનમાં હતો. ત્યારે અજાણ્યા શખસે છરી બતાવી રૂૂપિયા બે હજાર રોકડ અને ગુગલ પે મારફત પાંચ હજાર અન્ય ખાતામાં ટ્રાન્સફર કરાવી રૂૂપિયા સાત હજારની લુંટ ચલાવી હતી.
જે અંગે રેલવે પોલીસે તપાસ હાથ ધરી ગણતરીની કલાકોમાં બંને શખસોને ઝડપી લઇ રોકડ કબજે કરવા તજવીજ હાથ ધરી છે. વધુ વિગતો મુજબ, મેટોડા જીઆઇડીસી ગેટ નંબર ત્રણમાં ભાડાના મકાનમાં રહેતા અને કારખાનામાં કામ કરનાર મૂળ બિહારના વતની મનીષ સુબોધકુમાર મંડલ (ઉ.વ. 21) દ્વારા રેલવે પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, તે કારખાનામાં મજૂરીકામ કરી મહિને 15000 કમાઈ છે. મંગળવારે સવારે તે રાજકોટ રેલવે સ્ટેશન આવ્યો હતો તેને હાપા કટારા વૈષ્ણવદેવી એક્સપ્રેસમાં રાજકોટથી દિલ્હી જવાનું હતું. પરંતુ ટ્રેન જતી રહી હતી તપાસ કરતા રાત્રે 11:57 વાગ્યે પોરબંદર દિલ્હી સરાઈ રોહીલા એક્સપ્રેસ ટ્રેન કે જે પ્લેટફોર્મ નંબર ચાર પર આવવાની હતી તેની ટીટી પાસેથી પેનલ્ટી ટિકિટ લઈ તે પ્લેટફોર્મ ઉપર લિફ્ટ નજીક બેઠો હતો.
દરમિયાન એક પચીસ વર્ષનો શખસ જેણે સફેટ શર્ટ અને જીન્સ પેન્ટ પહેર્યું હતું તેણે ઉભો થા મારે થોડું કામ છે મને મદદ કર કહેતા યુવાન આરોપી સાથે થોડે દૂર જાડી જાખરામાં ગયો હતો. જ્યાં તે શખસે છરી બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
બાદમાં જે વસ્તુ હોય તે આપી દે કહી તેના ખિસ્સામાંથી પાકીટમાં રહેલા રોકડ રૂૂપિયા 2300 માંથી રૂૂપિયા 2000 લઈ લીધા હતા તેમજ મોબાઈલનો પેટર્ન લોક ખોલાવી ગુગલ પે મારફત રૂૂ. 5000 હિતેશ કનકભાઈ જાંબુકિયા નામના શખસના આઈડીમાં આ રકમ ટ્રાન્સફર કરાવી હતી બાદમાં તેને ફોન દઈ આ શખસ અહીંથી નાસી ગયો હતો આમ રૂૂપિયા 7000ની લૂંટ અંગે શ્રમિક યુવાને રેલવે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. લૂંટના આ બનાવને લઈ રેલવે પોલીસ સ્ટેશન પીઆઇ એચ.એમ. રાણાની રાહબરી હેઠળ ટીમે તપાસ હાથ ધરી પરપ્રાંતીય યુવાનને લૂંટી લેનાર બંને શખસોને સકંજામાં લઇ રોકડ કબજે કરવા તજવીજ હાથ ધરી છે.

