Site icon Gujarat Mirror

એએસઆઇના પત્ની પાસેથી 189 ગ્રામ સોનું લઇ બે ‘લાઇનબોયે’ લોન લઇ લીધી હતી!

બન્ને આરોપીની ધરપકડ, પોલીસે મુદ્દામાલ રીકવર કરવા તજવીજ આદરી

રાજકોટ શહેરના પ્રદ્યુમનનગર પોલીસ મથકમાં બે મહિના પૂર્વે નોંધાયેલા છેતરપિંડી અને વિશ્વાસઘાતના ગુનામાં પોલીસે મોટી સફળતા મેળવી છે. શહેર પોલીસ હેડ ક્વાર્ટરમાં રહેતા અને એએસઆઇ તરીકે ફરજ બજાવતા કર્મચારીના પત્ની છાયાબા ઈન્દ્રજીતસિંહ ઝાલા સાથે થયેલી 189 ગ્રામ સોનાની છેતરપિંડીના મામલે પોલીસે બે ’લાઈન બોય’ની ધરપકડ કરી છે.

આ કેસની વિગત મુજબ, વર્ષ 2022માં છાયાબાના પતિ ગંભીર કેન્સરની બીમારીથી પીડાતા હતા અને તેમનું ઓપરેશન કરવાનું હતું. આ કપરા સમયમાં પરિવાર આર્થિક અને માનસિક દબાણ હેઠળ હતો, જેનો લાભ પડોશમાં રહેતા સવજીભાઈના પુત્ર સાગર અને તેની પત્ની બીનાબેને ઉઠાવ્યો હતો. આ પડોશી પરિવારે છાયાબા સાથે કૌટુંબિક સંબંધો કેળવી તેમનો વિશ્વાસ જીતી લીધો હતો.

વર્ષ 2023માં લગ્નપ્રસંગમાં પહેરવાના બહાને બીનાબેને છાયાબા પાસેથી સોનાના ઘરેણાં માંગ્યા હતા. છાયાબાએ પડોશી ધર્મ નિભાવી અને વિશ્વાસ રાખીને આશરે 3.81 લાખની કિંમતના 189 ગ્રામ સોનાના દાગીના આપ્યા હતા. જેમાં સોનાનો પંજો, હાર, મંગળસૂત્ર, ટીકો, બંગડી અને વીંટીઓનો સમાવેશ થતો હતો. જોકે, લગ્નપ્રસંગ પૂરો થયા બાદ જ્યારે છાયાબાએ પોતાના ઘરેણાં પરત માંગ્યા, ત્યારે સાગર અને તેની પત્નીએ બહાનાબાજી શરૂૂ કરી દીધી હતી.

તપાસ દરમિયાન બહાર આવ્યું કે સાગરે તેના મિત્ર રાહુલગીરી હસમુખગીરી ગોસ્વામી સાથે મળીને આ દાગીના છૂપી રીતે આઈઆઈએફએલ બેંકમાં ગીરો મૂકી દીધા હતા અને તેના પર ગોલ્ડ લોન મેળવી લીધી હતી.જ્યારે પીડિત મહિલાએ કડકાઈથી પોતાના દાગીના પરત માંગ્યા, ત્યારે આરોપીઓએ પોતાનો અસલી ચહેરો બતાવ્યો હતો. આરોપીઓએ છાયાબાને ધમકાવતા કહ્યું હતું કે, “તમારી પાસે શું પુરાવો છે કે અમે દાગીના લીધા છે?” લેખિત પુરાવા કે બિલ ન હોવાનો ફાયદો ઉઠાવી આરોપીઓએ ઘરેણાં આપવાનો સાફ ઇનકાર કરી દીધો હતો.

આખરે કંટાળીને છાયાબાએ ગત તા. 19/1/26ના રોજ પ્રદ્યુમનનગર પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ મામલે ગુનો નોંધી ઉંડાણપૂર્વક તપાસ હાથ ધરી હતી અને ટેકનિકલ સોર્સ તથા હકીકતોના આધારે આરોપી સાગર જીવરાજ મકવાણા અને રાહુલગીરી હસમુખગીરી ગોસ્વામીની ધરપકડ કરી છે. પોલીસે જણાવ્યું કે આરોપીઓએ પૂર્વ આયોજિત કાવતરું રચીને એક લાચાર પરિવારની મજબૂરીનો ગેરલાભ ઉઠાવ્યો હતો. જે આરોપીઓ અગાઉ પુરાવા માંગીને પડકાર ફેંકતા હતા.તેમની શાન પોલીસે ઠેકાણે લાવી દીધી છે.હાલમાં પીએસઆઇ રાણીંગા સહિતના સ્ટાફે બંને લાઈન બોયની અટકાયત કરી છે અને બેંકમાં ગીરો મૂકેલા દાગીના રિકવર કરવાની પ્રક્રિયા હાથ ધરી છે.

Exit mobile version