જામનગરમાં હોટેલમાંથી 1.9 લાખના હેરોઇન સાથે બે પંજાબી ઝડપાયા

જામનગરમાં નશીલા પદાર્થોના ગેરકાયદે વેપાર સામે પોલીસ દ્વારા ચલાવવામાં આવી રહેલી ઝુંબેશ અંતર્ગત એસ.ઓ.જી.ની ટીમે સુમેર ક્લબ રોડ પર આવેલી હોટલ સુમુખમાં દરોડો પાડી પંજાબના…

જામનગરમાં નશીલા પદાર્થોના ગેરકાયદે વેપાર સામે પોલીસ દ્વારા ચલાવવામાં આવી રહેલી ઝુંબેશ અંતર્ગત એસ.ઓ.જી.ની ટીમે સુમેર ક્લબ રોડ પર આવેલી હોટલ સુમુખમાં દરોડો પાડી પંજાબના વતની બે ભાઈઓ ને રૂૂ. 1,92,200ની કિંમતના 9.61 ગ્રામ હેરોઈનના જથ્થા સાથે ઝડપી પાડ્યા છે. પોલીસે બંને શખ્સો પાસેથી બે મોબાઈલ ફોન અને રોકડ રકમ સહિત કુલ રૂૂ. 2,15,920નો મુદ્દામાલ કબજે કર્યો છે.

રાજકોટ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય તથા જામનગરના પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈની અને ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક પ્રતિભા રાવના માર્ગદર્શન હેઠળ ’નો ડ્રગ્સ ઇન જામનગર’ અભિયાન અંતર્ગત એસ.ઓ.જી.ની ટીમ દ્વારા નશીલા પદાર્થોના ગેરકાયદે વેપાર સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.આ દરમિયાન એસ.ઓ.જી.ના પોલીસ ઇન્સ્પેક્ટર વી.જે. રાઠોડ અને પોલીસ સબ ઇન્સ્પેક્ટર એલ.એમ. ઝેરના માર્ગદર્શન હેઠળ પોલીસ કોન્સ્ટેબલ બળભદ્રસિંહ જાડેજા, વિરેન્દ્રસિંહ જાડેજા અને મયુરરાજસિંહ જાડેજાને બાતમી મળી હતી કે, સુમેર ક્લબ રોડ પર એસ.ટી. ડેપો નજીક આવેલી હોટલ સુમુખના રૂૂમ નંબર 108માં પંજાબના બે શખ્સો હેરોઈનના જથ્થા સાથે રોકાયેલા છે.

બાતમીના આધારે એસ.ઓ.જી.ની ટીમે હોટલના રૂૂમમાં દરોડો પાડ્યો હતો. જ્યાં પંજાબના અમૃતસર જિલ્લાના રતનગ્રહ (ભીંડર)ના લવપ્રીતસિંઘ ગુલઝારસિંઘ અને હરપ્રીતસિંઘ ગુલઝારસિંઘ નામના બે ભાઈઓ મળી આવ્યા હતા. બંનેની અંગઝડતી અને રૂૂમની તલાશી દરમિયાન 9.61 ગ્રામ વજનનું રૂૂ. 1,92,200ની કિંમતનું હેરોઈન મળી આવ્યું હતું. પોલીસે હેરોઈન ઉપરાંત બે મોબાઈલ ફોન અને રોકડ રકમ મળી કુલ રૂૂ. 2,15,920નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ પ્રકરણમાં બંને આરોપીઓ સામે સિટી ’એ’ ડિવિઝન પોલીસ મથકમાં એન.ડી.પી.એસ. એક્ટની કલમ 8(સી), 21(બી) અને 29 મુજબ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.