પંચમહાલ જિલ્લાના મોરવા હડફ તાલુકાના ભંડોઈ ગામમાં 52 વર્ષીય મહિલા પર જાહેરમાં થયેલા અત્યંત ક્રૂર હુમલાના કેસમાં ગોધરાની સેશન્સ કોર્ટે છ શખ્સોને દોષિત ઠેરવીને સાત વર્ષની સખત કેદની સજા ફટકારી છે. 26 ફેબ્રુઆરી, 2024ના રોજ બનેલી આ હૃદયદ્રાવક ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ભારે આક્રોશ ફેલાવ્યો હતો, જેના પર હવે કોર્ટે મોટો અને કડક ચૂકાદો આપ્યો છે.
પ્રોસિક્યુશનના જણાવ્યા અનુસાર, આ સમગ્ર વિવાદની શરૂૂઆત ત્યારે થઈ જ્યારે આરોપીઓ ફરિયાદીના ઘરે ગયા અને તેમના પર આરોપ મૂક્યો કે તેમણે પોતાના યુવાન પુત્રને તેમની પુત્રી સાથે ભગાડવામાં મદદ કરી છે. આ ભાગી જવાના કિસ્સાથી રોષે ભરાયેલા ટોળાએ મહિલા પર અમાનુષી અત્યાચાર ગુજાર્યો હતો. તેમણે મહિલાને ઝાડ સાથે બાંધી દીધી, ત્યારબાદ તેને નિર્વસ્ત્ર કરીને ગામના જાહેર રસ્તા પર ગ્રામજનોની હાજરીમાં તેનું સરઘસ કાઢવામાં આવ્યું હતું. આ જાહેરમાં થયેલી અપમાનજનક ઘટના દરમિયાન એક મહિલા આરોપીએ પીડિતાની પીઠ પર લાકડાના લોગથી હુમલો પણ કર્યો હતો.
આ કેસની ભયાનક વિગતો પર સુનાવણી કરતા ટ્રાયલ કોર્ટે આ ક્રૂરતાની આકરી ટીકા કરી હતી અને નોંધ્યું હતું કે ગુનાની પ્રકૃતિ એટલી હદે અપમાનજનક હતી કે તેના વિશે લખતી વખતે પણ કોર્ટને “શરમ અનુભવાય છે”. ટ્રાયલ પૂરી થયા બાદ ન્યાયાધીશે મહત્તમ સાત વર્ષની સખત કેદની સજા ફટકારી હતી અને સ્પષ્ટ કર્યું હતું કે આ તમામ સજાઓ એકસાથે ભોગવવાની રહેશે.
કોર્ટે મારામારી, ગેરકાયદેસર રોક અને મહિલાની મર્યાદા ભંગ કરવાના ગંભીર આરોપો સાબિત થયા હોવાનું માન્યું હતું, જોકે પુરાવાના અભાવે ભારતીય દંડ સંહિતાની કલમ 364(અ) હેઠળ અપહરણ કરીને ફિલાની માંગણી કરવાના અલગ આરોપમાંથી આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા હતા.
ચૂકાદો બહાર આવતાની સાથે જ કોર્ટે તમામ દોષિતોને તાત્કાલિક કસ્ટડીમાં લેવાનો આદેશ આપ્યો હતો અને તેમના અગાઉના જામીન બોન્ડ રદ કરી દીધા હતા.
