ઘંટેશ્વર SRP કેમ્પમાં બે બાળાને અશ્ર્લીલ વીડિયો બતાવી અડપલાં કર્યા, આરોપીની ધરપકડ

રાજકોટના ઘંટેશ્વર સ્થિત SRP ગ્રુપ 13 કેમ્પમાં ફરજ બજાવતા એક 55 વર્ષીય ઢગા દ્વારા પોલીસ પરિવારની જ બે માસૂમ બાળકીઓ સાથે અડપલાં કરવામાં આવ્યા હોવાની…

રાજકોટના ઘંટેશ્વર સ્થિત SRP ગ્રુપ 13 કેમ્પમાં ફરજ બજાવતા એક 55 વર્ષીય ઢગા દ્વારા પોલીસ પરિવારની જ બે માસૂમ બાળકીઓ સાથે અડપલાં કરવામાં આવ્યા હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. આ મામલે યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને આરોપી અર્દલી નરેન્દ્રસિંહ જાડેજાની ધરપકડ કરી છે.

ઘટનાની વિગતો મુજબ, ઘંટેશ્વર SRP કેમ્પમાં અર્દલી તરીકે ફરજ બજાવતા નરેન્દ્રસિંહ જાડેજાએ કેમ્પમાં જ રહેતા પોલીસ પરિવારોની 7 અને 8 વર્ષની બે માસૂમ બાળકીઓને રમાડવાના બહાને પોતાની પાસે બોલાવી હતી. ત્યારબાદ નરાધમે બંને બાળકીઓને પોતાના મોબાઈલમાં અશ્ર્લીલ વીડિયો બતાવીને તેમની સાથે શારીરિક અડપલાં કર્યા હતા.

ગત 17 નવેમ્બરના રોજ 7 વર્ષીય બાળકી ઘર પાસે રમી રહી હતી, ત્યારે તેના પાલક દાદા ઘરે આવ્યા હતા. ઘર પાસે રસ્તામાં આરોપી નરેન્દ્રસિંહ જાડેજાને જોઈને બાળકી અચાનક ડરી ગઈ હતી. બાળકીના વર્તનમાં ફેરફાર જણાતા દાદાએ પ્રેમપૂર્વક પૂછપરછ કરી હતી. ત્યારે બાળકીએ એક વર્ષ પહેલાં આરોપીએ અશ્ર્લીલ વીડિયો બતાવી અડપલાં કર્યા હોવાની વાત જણાવી હતી. દાદાએ તાત્કાલિક બાળકીની પોલીસકર્મી માતાને જાણ કરતા મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો.

આ ઘટના સામે આવ્યા બાદ કેમ્પમાં રહેતા અન્ય એક પરિવારની 8 વર્ષીય બાળકી સાથે પણ આરોપીએ આવું જ કૃત્ય કર્યું હોવાનું બહાર આવ્યું હતું. આરોપી નરેન્દ્રસિંહ જાડેજાની દીકરી પોતાના ઘરે જ ટ્યુશન કરાવતી હોવાથી, ત્યાં ભણવા આવતી એક વિદ્યાર્થિની સાથે પણ આરોપીએ અડપલાં કર્યા હતા.બંને પીડિત બાળકીઓના પરિવારજનોએ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં આરોપી નરેન્દ્રસિંહ જાડેજા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આરોપી વિરુદ્ધ પોક્સો એક્ટ અને એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો દાખલ કરી, કેમ્પના કમાન્ડન્ટને જાણ કરીને આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.