ન્યાયતંત્રએ ધાર્મિક શ્રધ્ધા અને શ્રમ કાયદા વચ્ચેનો તફાવત સ્પષ્ટ કર્યો: પૂજારીની સેવા એ આદ્યાત્મિક કર્તવ્ય છે, કોઇ ઔદ્યોગિક રોજગાર નહીં
એક અત્યંત મહત્ત્વપૂર્ણ ચુકાદો આપતાં હાઇકોર્ટની ડિવિઝન બેંચે ઇન્ડસ્ટ્રિયલ ડિસ્પ્યૂટ એક્ટની જોગવાઇઓ સ્પષ્ટ કરી આપતાં ઠરાવ્યું છે કે,’મંદિર એ કોઇ ’ઇન્ડસ્ટ્રી’ની વ્યાખ્યામાં આવતું નથી અને મંદિરના ’પૂજારી’ને કાયદાની જોગવાઇઓ મુજબ ’વર્કમેન’ એટલે કે કામદાર ગણી શકાય નહીં.’ આ મામલે પૂજારી તરીકે ટર્મિનેટ કરાયેલા અરજદારની અપીલને હાઇકોર્ટ જસ્ટિસ ભાર્ગવ ડી. કારિયા અને જસ્ટિસ એલ.એસ. પીરઝાદાની ખંડપીઠે રદબાતલ કરી છે.
નવસારીના એક સાંઇબાબાના મંદિરમાં પૂજારી તરીકે સેવા આપ્યા બાદ મંદિર ટ્રસ્ટ દ્વારા પૂજારીની સેવાઓ ટર્મિનેટ કરી દેતાં ઊભા થયેલા એક કાનૂની વિવાદનો આ મામલો છે. જેમાં અરજદાર ઉમેશ્વર દૂબેએ હાઇકોર્ટના સિંગલ જજના ચુકાદાની સામે ડિવિઝન બેંચમાં અપીલ કરી હતી. ડિવિઝન બેંચે એક લંબાણપૂર્વકનો ચુકાદો આપતાં નોંધ્યું હતું કે,’સંબંધિત કાયદાની જોગવાઈઓ અને વિશ્ર્લેષણને ધ્યાનમાં રાખીને એ સ્પષ્ટ છે કે અપીલકર્તા મંદિરની સંભાળ રાખતો પૂજારી હોવાથી કલમ 2(ત) મુજબ ’કામદાર’ એટલે કે વર્કમેનના કાર્યક્ષેત્રમાં આવતો નથી કારણ કે, મંદિરમાં પૂજારી કોઈ મેન્યુઅલ, અકુશળ, કુશળ, ટેકનિકલ, ઓપરેશનલ, કારકૂની અથવા સુપરવાઇઝરી કાર્ય કરતો નથી. પરંતુ તે ફક્ત ધાર્મિક સ્તોત્રો, ભજન અને આરતીનું કામ કરી તેના જ્ઞાનનો ઉપયોગ કરે છે અને મંદિરમાં તેનું પઠન કરે છે. આ રીતે એ મંદિરની અન્ય પ્રવૃત્તિઓમાં મદદ કરે છે.’
વર્ષ 2017માં હાઇકોર્ટની સિંગલ બેંચના ચુકાદાને અપીલકર્તાએ પડકાર ફેંક્યો હતો. આ મામલે સિંગલ જજે નવસારીની લેબર કોર્ટના આદેશને બહાલી આપતાં અરજદારની અરજીને રદબાતલ કરી હતી અને ઠરાવ્યું હતું કે અરજદારને ઇન્ડસ્ટ્રિયલ ડિસ્પ્યૂટ એક્ટની જોગવાઇઓ હેઠળ વર્કમેન એટલે કે કામદાર ન ગણી શકાય એવો લેબર કોર્ટનો ચુકાદો કાયદેસર અને યોગ્ય છે.
આ કેસમાં એવી હકીકતો સામે આવી હતી કે, અરજદાર પૂજારી સાંઇનાથ સાર્વજનિક સેવા મંડળ ટ્રસ્ટ દ્વારા સંચાલિત મંદિરમાં પૂજારી તરીકે વર્ષ 1999થી કામ કરતો હતો. તે મંદિરમાં નિયમિત રીતે પૂજા અને આરતી કરતો અને તેને મહેનતાણા તરીકે શરૂૂઆતમાં 1200 રૂૂપિયા આપવામાં આવતાં હતા. આ ટ્રસ્ટ સાંઇબાબાનું મંદિર ચલાવતું હતું અને અહીં ’બુંદીના લાડુ’ અને ’નાળીયેર’ની પ્રસાદી પણ વેચાતી હતી. આ ટ્રસ્ટમાં ત્રણ પૂજારી, એક મેનેજર, ડોનેશન લેનારા બે કર્મચારી, છ સ્ટાફ મેમ્બર્સ, બે રસોઇયા અને 20 અન્ય કર્મચારીઓ કે જે બુંદીના લાડુ બનાવવાનું અને સાફસફાઇનું કામ કરતાં હતા. આ ટ્રસ્ટ ધાર્મિક ઉપરાંત વાણિજ્યિક(કોમર્શિયલ) પ્રવૃત્તિ કરતી હતી અને 35થી 40 કર્મચારીઓને રોજગારી આપે છે.
અપીલ કર્તા પૂજારીએ એવો દાવો કર્યો હતો કે વર્ષ 2012માં અરજદારની પૂજારી તરીકેની સેવાઓ ટર્મિનેટ કરી દેવાઇ હતી. જોકે તેને કોઇ પણ પ્રકારની નોટિસ, નોટિસ પે, વળતર અથવા તો કોઇ પણ પ્રકારની કાનૂની પ્રક્રિયાનો અમલ કર્યા વિના ટર્મિનેટ કરવામાં આવ્યો હતો. જે કુદરતી ન્યાયના સિદ્ધાંતનો સીધેસીધો ભંગ છે. પરિણામે પૂજારી દ્વારા મામલો ઇન્ડસ્ટ્રિયલ ડિસ્પ્યૂટમાં લઇ જવાયો હતો અને તે મામલો નવસારીની લેબર કોર્ટમાં પહોંચ્યો હતો.
જેમાં તેણે એવો દાવો કર્યો હતો કે જે ટ્રસ્ટ સંચાલિત મંદિરનું સંચાલન કરે છે, એને ઇન્ડસ્ટ્રિયલ ડિસ્પ્યૂટ એક્ટ હેઠળ ’ઇન્ડસ્ટ્રી’ ગણવી જોઇએ. કેમ કે તેઓ ટ્રસ્ટ મારફતે કોમર્શિયલ અને બિઝનેસ (વેપાર-વાણિજ્ય)ની પ્રવૃત્તિઓ કરે છે. કેમ કે તેઓ બુંદીના લાડુ અને નાળીયેર સહિત પૂજા માટેની સામગ્રીનું વેચાણ પણ કરે છે. આ દલીલોનો ટ્રસ્ટ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો અને પૂજારીના તમામ દાવાને નકારી દેવામાં આવ્યો હતો.

