બેંગલુરુની ફાઇવ સ્ટાર હોટેલના સ્વિમિંગ પૂલમાં વીજ કરંટથી બે વિદેશી નાગરિકના મોત

બેંગલુરુની એક ફાઇવ સ્ટાર હોટલમાં શુક્રવારે સાંજે ચોંકાવનારી ઘટના બની હતી. હોટલના સ્વિમિંગ પૂલમાં કથિત રીતે વીજ કરંટ લાગતાં બે વિદેશી નાગરિકોનાં મોત નીપજ્યાં હતાં.…

બેંગલુરુની એક ફાઇવ સ્ટાર હોટલમાં શુક્રવારે સાંજે ચોંકાવનારી ઘટના બની હતી. હોટલના સ્વિમિંગ પૂલમાં કથિત રીતે વીજ કરંટ લાગતાં બે વિદેશી નાગરિકોનાં મોત નીપજ્યાં હતાં. મૃતકોમાં એક જર્મન અને એક સ્લોવાકિયન નાગરિકનો સમાવેશ થાય છે. બંનેને બચાવવાનો પ્રયાસ કરતી વખતે અન્ય બે લોકો પણ વીજ કરંટની ઝપેટમાં આવતાં ઘાયલ થયા હતા. આ ઘટનાને પગલે હોટલની સુરક્ષા વ્યવસ્થા અને સંભવિત બેદરકારી અંગે સવાલો ઊભા થયા છે.આ ઘટના બેંગલુરુની 24 માળની લક્ઝરી ફાઇવ સ્ટાર કોનરાડ હોટલના ત્રીજા માળે આવેલા સ્વિમિંગ પૂલમાં બની હતી. બંને વિદેશી નાગરિકો સાંજે સ્વિમિંગ કરવા ગયા હતા. આ દરમિયાન તેમને વીજ કરંટ લાગ્યો હતો.

મૃતકોની ઓળખ 57 વર્ષીય એલેક્ઝાન્ડર મેક્સિમિલિયન થેઇસ અને 45 વર્ષીય જુરાજ હોર્વાટ તરીકે થઈ છે. એલેક્ઝાન્ડર જર્મનીના નાગરિક હતા અને લુફ્થાન્સા એરલાઇન્સમાં ક્રૂ મેમ્બર તરીકે કામ કરતા હતા. જ્યારે જુરાજ હોર્વાટ સ્લોવાકિયાના નાગરિક હતા અને ટેકનોલોજી કંપની ઈંઇખમાં પ્રોજેક્ટ મેનેજર તરીકે કાર્યરત હતા. બંને હોટલમાં રોકાયા હતા.

સ્વિમિંગ પૂલમાં બંનેને મુશ્કેલીમાં જોઈને તેમને બચાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ દરમિયાન હોટલમાં મહેમાન તરીકે રોકાયેલા 41 વર્ષીય અમેરિકન નાગરિક મેથ્યુ ડેસાન્ટિસ અને 28 વર્ષીય ભારતીય પૂલ એટેન્ડન્ટ રાહુલ તિવારીને પણ વીજ કરંટ લાગ્યો હતો. બંને ઘાયલોને તાત્કાલિક મણિપાલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. હાલ બંનેની સારવાર ચાલી રહી છે અને તેમની સ્થિતિ જોખમ બહાર હોવાનું જાણવા મળ્યું છે.

ઘટના અંગે પોલીસમાં કેસ નોંધવામાં આવ્યો છે અને તપાસ શરૂૂ કરવામાં આવી છે. જોકે, હોટલ મેનેજમેન્ટ તરફથી હજુ સુધી આ ઘટના અંગે કોઈ સત્તાવાર પ્રતિક્રિયા આપવામાં આવી નથી. સ્વિમિંગ પૂલને 30 નવેમ્બર સુધી મેન્ટેનન્સના કામ માટે બંધ રાખવામાં આવ્યો છે.