Site icon Gujarat Mirror

જામનગરમાં આઈપીએલની મેચ પર ક્રિકેટ સટ્ટો રમતા બે વેપારી ઝડપાયા

જામનગર શહેરમાં આઈપીએલ 20-20 ક્રિકેટ મેચો પર સટ્ટો રમતા બે અલગ-અલગ બનાવોમાં સોની તથા લોહાણા સમાજના વેપારીઓને પોલીસે ઝડપી પાડ્યા છે. પોલીસ દ્વારા બંને બનાવોમાં દરોડા પાડી રોકડ રકમ તથા મોબાઈલ ફોન સહિતનો મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

પ્રથમ બનાવમાં, સીટી સી ડિવિઝન પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ક્વોડ દ્વારા તા. 22/04/2026ના રોજ રાત્રે નિલકમલ સોસાયટી નજીક ઓમ જવેલર્સ પાસે જાહેર રોડ પરથી જયંતકુમાર મહેશચંદ્ર ગુસાણી (ઉ.વ. 58, જાતે સોની, રહે સ્ટાર વ્યૂ એપાર્ટમેન્ટ, જામનગર) ને ઝડપી પાડવામાં આવ્યા હતા. તપાસ દરમિયાન તેઓ પોતાના મોબાઇલમાં એપ્લિકેશન મારફતે આઈપીએલની આર.આર. અને લખનઉ સુપર જાયન્ટસ વચ્ચેની મેચ પર જુગાર રમતા હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે તેમની પાસેથી રૂૂ. 42,750 રોકડ તથા રૂૂ. 5,000 કિમતનો મોબાઇલ મળી કુલ રૂા. 47,750 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. બીજા બનાવમાં, ગોકુલનગર જકાતનાકા પાસે આશાપુરા હોટલ નજીક જાહેર રોડ પરથી એલ.સી.બી. ટીમે નિલેશભાઇ ધીરજભાઇ વડેરા (ઉ.વ. 45, જાતે લોહાણા, રહે પ્રકાશ વિહાર એપાર્ટમેન્ટ, જામનગર) ને ઝડપી પાડ્યા હતા. તેઓ મોબાઇલ ફોન દ્વારા આઈપીએલ મેચો લાઇવ જોઈને હારજીતના સોદા કરી સટ્ટાબાજી કરતા ઝડપાયા હતા.

પોલીસે તેમની પાસેથી રૂા.1,800 રોકડ તથા રૂા. 5,000 કિમતનો મોબાઇલ મળી કુલ રૂૂ. 6,800 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.તપાસ દરમિયાન સોદા લેતા અન્ય વ્યક્તિ મનુભાઇ સીંધીનું નામ પણ ખુલ્યું છે, જે હાલ ફરાર હોવાનું જણાયું છે. બંને બનાવોમાં આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ 12 મુજબ ગુનાઓ નોંધવામાં આવ્યા છે. પોલીસ દ્વારા સટ્ટાબાજી નેટવર્ક અને સંડોવાયેલા અન્ય બુકીઓ સુધી પહોંચવા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

Exit mobile version