સ્ટેશનરીના વેપારી, કલર કામના કોન્ટ્રાકટર અને ફેરો કરવા આવેલા મોરબીના યુવાન સહિત ચારના મોત
રાજકોટ સહિત રાજયભરમાં કાળઝાળ ગરમી વચ્ચે હૃદયરોગના હુમલાએ ઉપાડો લીધો હોય તેમ રાજકોટમાં વધુ ચાર લોકોના શ્ર્વાસ થંભી ગયા છે. જેમાં સ્ટેશનરીના વેપારી, કલર કામના કોન્ટ્રાકટર, ફેરો કરવા આવેલા મોરબીના યુવાન સહિત ચાર લોકોના મોત નિપજતાં ચારેય પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, રાજકોટમાં જીવરાજ પાર્ક વિસ્તારમાં આવેલી અંબિકા ટાઉનશીપમાં રહેતાં ભાર્ગવભાઈ મહેશભાઈ શુકલ (ઉ.48) સાંજના સાતેક વાગ્યાના અરસામાં ભક્તિનગર સોસાયટીમાં આવેલી પોતાની સ્ટેશનરીની દુકાને હતાં ત્યારે હૃદયરોગનો હુમલો આવતાં ઢળી પડયા હતાં. વેપારીને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયા હતાં. જ્યાં તેનું મોત નિપજ્યું હતું. મૃતક આધેડ બે ભાઈમાં નાના હતાં અને તેમને સંતાનમાં બે પુત્ર છે.
બીજા બનાવમાં રાજકોટમાં લીમડા ચોક પાસે રહેતાં ભગવાનજીભાઈ નથુભાઈ મકવાણા (ઉ.51) જુના એરપોર્ટ રોડ પર આવેલી હોટલ ખાતે પોતાના કલર કામના કોન્ટ્રાકટની સાઈટ પર ગયા હતાં ત્યારે બેભાન હાલતમાં ઢળી પડતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં તેમની સારવાર કારગત નિવડે તે પૂર્વે જ ફરજ પરના તબીબે જોઈ તપાસી આધેડનું હૃદયરોગના હુમલાથી મોત નિપજ્યું હોવાનું જાહેર કર્યુ હતું. મૃતક આધેડ ત્રણ ભાઈ ચાર બહેનમાં વચેટ હતાં અને તેમને સંતાનમાં એક પુત્ર અને ત્રણ પુત્રી છે.
ત્રીજા બનાવમાં ટંકારાના ગજડી ગામે રહેતા હિરાભાઈ લાખાભાઈ જારીયા (ઉ.48) રાજકોટમાં બોમ્બે પેટ્રોલ પંપ પાસે આવેલા ગેરેજમાં હતાં ત્યારે હાર્ટએટેક આવતાં તાત્કાલીક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયા હતાં. જ્યાં આધેડે હોસ્પિટલનાં બીછાને દમ તોડી દેતાં પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો. પ્રાથમિક પુછપરછમાં મૃતક પ્રૌઢ પાંચ ભાઈ એક બહેનમાં મોટા અને અપરિણીત હતાં. રાજકોટ ખાતે ગાડીના ફેરા કરવા આવ્યા હતાં ત્યારે હૃદયરોગના હુમલાથી મોત નિપજ્યું હોવાનું જાણવા મળ્યું છે.
આ ઉપરાંત ચોથા બનાવમાં રાજકોટના માલીયાસણ ગામે રહેતાં છગનભાઈ રામજીભાઈ ગોવાણી (ઉ.56) મધરાત્રે પોતાના ઘરે હતાં ત્યારે બેભાન હાલતમાં ઢળી પડતાં સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં ફરજ પરના તબીબે છગનભાઈ ગોવાણીનું હૃદયરોગના હુમલાથી મોત નિપજ્યું હોવાનું જાહેર કરતાં પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી હતી. મૃતક આધેડ છ ભાઈ ત્રણ બહેનમાં નાના હતાં અને તેમને સંતાનમાં એક પુત્ર અને બે પુત્રી હોવાનું જાણવા મળ્યું છે. ઉપરોકત બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

