રામા મંડળ જોવા ગયેલા બન્ને ભાઈઓને યુવતીના પિતા સહિતના પરિવારના સભ્યોએ માર માર્યો
રાજકોટનાં અંબીકા ટાઉનશીપમાં રહેતાં અને કિચનવેરનો વ્યવસાય કરતાં વેપારી અને તેના ભાઈ નગરપીપળીયા ગામે રામા મંડળ જોવા ગયા ત્યારે પ્રેમ લગ્નનો ખાર રાખી યુવતીના પિતા સહિતના પરિવારે બન્ને ભાઈઓ ઉપર હુમલો કર્યો હતો. આ મામલે મેટોડા પોલીસ મથકમાં યુવતીના પિતા સહિત પાંચ વિરૂધ્ધ ફરિયાદ નોંધાઈ છે.
મુળ લોધિકાના નગરપીપળીયાના વતની અને હાલ રાજકોટના અંબીકા ટાઉનશીપ સહજાનંદ પાર્ક શેરી નં.2માં રહેતાં અને કિચનવેરનો વ્યવસાય કરતાં મોહિત વિઠ્ઠલભાઈ ઘાડીયા (ઉ.30)ની ફરિયાદને આધારે લોધિકાના નગરપીપળીયા ગામના દિનેશ નાથાભાઈ ખુંટ, નિરવ માવજીભાઈ ખુંટ, પરેશ વલ્લભ ખુંટ, અક્ષય મુકેશ ખુંટ અને ગૌતમ ખુંટનું નામ આપ્યું છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ, મોહિતના મિત્ર નગરપીપળીયાના રાહુલ ખુંટે રામા મંડળનું આયોજન કર્યુ હોય આ પ્રસંગે મોહિત ત્યાં ગયો હતો ત્યારે ગામના દિનેશ નાથા ખુંટ ત્યાં દારૂ પીને આવ્યો હતો અને ધોકો લઈ મોહિતને ધમકી આપી તારા નાના ભાઈ વિકીને બોલાવ નહીં તો તને મારી નાંખીશ જેથી ફોન કરી વિકીને બોલાવ્યો હતો ત્યારે દિનેશ તથા તેની સાથેના નિરવ, પરેશ, અક્ષય અને ગૌતમે બન્ને ભાઈઓ ઉપર હુમલો કરી દીધો હતો.
આ હુમલા પાછળનું કારણ એવું છે કે મોહિતના નાના ભાઈ વિકીએ દિનેશભાઈની પુત્રી સાથે પ્રેમ લગ્ન કર્યા હોય ત્યારથી બન્ને વચ્ચે મનદુ:ખ ચાલતું હતું આજે જ્યારે મોહિત પોતાના ગામ નગરપીપળીયા ગયો ત્યારે યુવતીના પિતા દિનેશ ખુંટે ધમકી આપી મોહિતના નાના ભાઈ વિકીને ત્યાં બોલાવી તેના પરિવારે બન્ને ભાઈઓ ઉપર હુમલો કર્યો હતો. આ મામલે પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

