જામગઢમાં જમીન વિવાદ મામલે બે ભાઈઓના પરિવાર વચ્ચે ઝઘડો, મારામારીમાં બે ઘવાયા

રાજકોટ શહેરના કુવાડવા રોડ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલા જામગઢ ગામમાં જમીન વિવાદના કારણે બે પરિવાર વચ્ચે લોહિયાળ સંઘર્ષ થયો હોવાની ઘટના સામે આવી છે.…

રાજકોટ શહેરના કુવાડવા રોડ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલા જામગઢ ગામમાં જમીન વિવાદના કારણે બે પરિવાર વચ્ચે લોહિયાળ સંઘર્ષ થયો હોવાની ઘટના સામે આવી છે. આ બનાવમાં ફરિયાદી મહિલા અને તેમના જેઠના દીકરાને ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. કુવાડવા રોડ પોલીસે આ મામલે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, ફરિયાદી શોભનાબેન ગેલાભાઈ સોલંકી પોતાના ઘરના ફળિયામાં કામ કરી રહ્યા હતા. તે સમયે પાડોશમાં રહેતા ભનુભાઈ સોલંકીના દીકરાઓ વિશાલ અને મનોજ તેમના મકાનની બારીએથી મોબાઈલમાં ફરિયાદીના ઘરનો વિડીયો ઉતારી રહ્યા હતા. ફરિયાદીના જેઠના દીકરા વિપુલે આ બાબતે વિરોધ કરતા અને વિડીયો ઉતારવાની ના પાડતા મામલો ગરમાયો હતો.

તકરાર વધતા વિશાલ અને મનોજ ફળિયામાં આવી પહોંચ્યા હતા અને વિપુલ સાથે ઝઘડો કરવા લાગ્યા હતા. આ સમયે તેમના પિતા ભનુભાઈ સોલંકી પણ ત્યાં આવી પહોંચ્યા હતા. દરમિયાન, મનોજે પોતાની પાસે રહેલી લાકડી વડે વિપુલના માથાના કપાળના ભાગે જોરદાર પ્રહાર કર્યો હતો, જેને કારણે વિપુલને ચાર ટાંકા આવ્યા હતા. શોભનાબેન તેમને સમજાવવા જતા મનોજે તેમને પણ લાકડી વડે પેટના અને સાથળના ભાગે માર મારી ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. બનાવમાં હાજર હેતલબેનને પણ ઈજાઓ થતા પ્રાથમિક સારવાર લેવી પડી હતી.

ઘટના બાદ 108 એમ્બ્યુલન્સ મારફતે ઈજાગ્રસ્તોને કુવાડવા સરકારી દવાખાને ખસેડાયા હતા, જ્યાંથી વધુ સારવાર માટે શોભનાબેનને રાજકોટ સિવિલ હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યા હતા. ફરિયાદીના જણાવ્યા અનુસાર, આરોપીઓ વિશાલ, મનોજ અને ભનુભાઈ સોલંકી સાથે જમીન ભાગલાના મુદ્દે જૂની અદાવત ચાલી રહી હતી, જેના કારણે આ હુમલો કરવામાં આવ્યો છે.કુવાડવા રોડ પોલીસે આ મામલે બી.એન.એસ.ની વિવિધ કલમો તેમજ જી.પી. એક્ટ હેઠળ ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.