Site icon Gujarat Mirror

રૈયા ચોકડી પાસેથી બે બાંગ્લાદેશી મહિલા પકડાઇ, ડિપોર્ટ કરવા કાર્યવાહી

રાજકોટ શહેરમાં ગેરકાયદેસર વસવાટ કરતા બાંગ્લાદેશના નાગરિકો સામે એસઓજી દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. રાજકોટ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમે શહેરના રૈયા ચોકડી વિસ્તારમાંથી બે બાંગ્લાદેશી મહિલાઓની ધરપકડ કરી છે, જે છેલ્લા ચાર વર્ષથી કોઈ પણ કાયદેસરના દસ્તાવેજો વગર ભારતમાં રહી રહી હતી.પકડાયેલ બન્ને મહિલાને ડિપોર્ટ કરવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

એસઓજીના પી.એસ.આઈ મહેન્દ્રસિંહ જાડેજા અને તેમની ટીમે રૈયા રોડ અને તેની આસપાસના વિસ્તારોમાં સર્ચ ઓપરેશન હાથ ધરતા બાતમીના આધારે રૈયા ચોકડી નજીક આવેલા એક મકાનમાં દરોડો પાડતા બે મહિલાઓ શંકાસ્પદ હાલતમાં મળી આવી હતી. પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું હતું કે આ બંને મહિલાઓ મૂળ બાંગ્લાદેશની વતની છે અને તેમની પાસે ભારતમાં રહેવા માટેના કોઈ માન્ય વિઝા કે પાસપોર્ટ નથી.

તપાસમાં બહાર આવ્યું છે કે પકડાયેલી બંને બાંગ્લાદેશી મહિલાઓ છેલ્લા ચાર વર્ષથી રાજકોટમાં સ્થાયી થઈ હતી. તેઓ રૈયા રોડ પર આવેલા વિવિધ મકાનોમાં ઘરકામ કરીને પોતાનું ગુજરાન ચલાવતી હતી. સ્થાનિક રહેવાસીઓને પણ તેમના બાંગ્લાદેશી હોવા અંગે કોઈ શંકા ન જાય તે રીતે તેઓ હળીમળીને રહેતી હતી.
એસઓજીની તપાસમાં એવું પણ સામે આવ્યું છે કે જે મકાનમાં આ મહિલાઓ ભાડે રહેતી હતી, તે મકાનમાલિકે ભાડૂઆતની ઓળખ અંગે પોલીસ સ્ટેશનમાં કોઈ જાણકારી આપી ન હતી.

નિયમ મુજબ, કોઈપણ વિદેશી કે પરપ્રાંતીય વ્યક્તિને મકાન ભાડે આપતા પહેલા પોલીસ વેરીફિકેશન કરાવવું ફરજિયાત છે. આ નિયમનો ભંગ કરવા બદલ પોલીસે મકાનમાલિક મહિલા વિરુદ્ધ પણ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પકડાયેલી બંને મહિલાઓ વિરુદ્ધ ફોરેનર્સ એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

Exit mobile version