ક્રિપ્ટોનું માર્કેટકેપ જે 4.3 ટ્રિલિયન ડોલર હતું, તે ઘટીને બે ટ્રિલિયન ડોલર પર આવી ગયું
માત્ર 8 મહિનામાં બિટકોઇનનો ભાવ 1,26,198થી ઘટીને 59,140, છેલ્લા ચાર સપ્તાહમાં જ 23%નું ધોવાણ
ક્રિપ્ટોકરન્સી માર્કેટ ઐતિહાસિક ધોવાણનો સામનો કરી રહ્યું છે. મેક્રોઈકોનોમિક એનાલિસિસ પ્લેટફોર્મ ધ કોબેઈસી લેટરના જણાવ્યા મુજબ, ઓકટોબરથી ક્રિપ્ટો માર્કેટે તેના અડધાથી વધુ મૂલ્યનું ધોવાણ નોતર્યું છે. ઓકટોબર 2025માં કુલ ક્રિપ્ટો માર્કેટ કેપ જે 4.3 ટ્રિલિયન ડોલર જેટલું હતું, તે હવે ઘટીને બે ટ્રિલિયન ડોલર થઈ ગયું છે.
જેનો અર્થ એ થયો કે ડિજિટલ એસેટ માર્કેટે આઠ મહિનામાં જ 2.3 ટ્રિલિયન ડોલર ગુમાવ્યા છે. બીજી રીતે જોઈએ તો ક્રિપ્ટો માર્કેટે આ જ સમયગાળા દરમિયાન ભારતના ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (જીડીપી)ના લગભગ અડધાથી વધુ વેલ્યુએશન ગુમાવ્યું છે. જીડીપી 4.15 ટ્રિલિયન ડોલર છે. આ આંકડાના અડધાથી વધુ ગુમાવવાનો અર્થ એ છે કે, ક્રિપ્ટો માર્કેટમાં એક વર્ષમાં 2.3 ટ્રિલિયન ડોલરથી વધુ સંપત્તિ સ્વાહા થઈ ગઈ છે. જ્યારે ડિજિટલ એસેટ્સ ડામાડોળ બની છે, ત્યારે ટ્રિલિયન ડોલરના ઘટાડાના તીવ્ર વેગથી રિટેલ અને સંસ્થાકીય રોકાણકારો આશ્ચર્યચકિત થઈ ગયા છે.
ક્રિપ્ટો હવે ફક્ત આઠ મહિનામાં તેના મૂલ્યના અડધાથી વધુ ઘટાડાનો સામનો કર્યો છે. 6, ઓકટોબર 2025ના રોજ ક્રિપ્ટોનું કુલ માર્કેટ કેપ રેકોર્ડ 4.3 ટ્રિલિયન ડોલરને આંબી ગયું હતું. આજે, 261 દિવસ બાદ, ક્રિપ્ટોનું મૂલ્ય ફક્ત 2.0 ટ્રિલિયન ડોલર છે, જે મૂલ્યમાં 54 ટકાનો ઘટાડો દર્શાવે છે. આનો અર્થ એ થયો કે ક્રિપ્ટો માર્કેટમાં સતત 261 દિવસ માટે દરરોજ સરેરાશ 8.8 અબજ ડોલરનો ઘટાડો થયો છે. બિટકોઇન ની વાત કરીએ તો બિટકોઇન છેલ્લા ઘણા દિવસથી ઘટતો આવ્યો છે. બલ્કે એક વર્ષની વાત કરીએ તો બિટકોઇન 50% તૂટી ગયો છે. તેની અસર અન્ય ક્રિપ્ટો કરન્સી પર પડી છે.
ઓક્ટોબર 2025માં બિટકોઇનનો ભાવ 1,26,198 પર પહોંચ્યો હતો જે ઓલ ટાઈમ હાઈ પણ હતો. પરંતુ ત્યારબાદ માત્ર 8 મહિનામાં બિટકોઇન ઘટીને આજે 59140 પર આવી ગયો છે એટલે કે લગભગ 54% ઘટી ગયો છે. છેલ્લા ચાર મહિના ની વાત કરીએ તો બીટકોઇનમાં 23.38% નો ઘટાડો નોંધાયો છે. આજનો ભાવ એ 2024 માં નોંધાયેલો સૌથી નીચા ભાવની સમકક્ષ આવી ગયો છે. જોકે એનાલિસ્ટ માને છે અહીંથી બિટકોઇન 65,000 ઉપર જઈ શકે છે.
