ત્રણ દિવસની ચીન યાત્રાએથી પરત ફરેલા અમેરિકન પ્રમુખના સૂર અચાનક બદલાયા, તાઈવાનને શસ્ત્રો વેચવાની મંજૂરીને બ્રેક
દુનિયાની રાજનીતિમાં વાદા અને વફાદારીની ઉંમર કેટલી ટૂંકી હોય છે, તેનો તાજો પુરાવો અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના તાજેતરના નિવેદનથી મળ્યો છે. ચીનની ત્રણ દિવસની હાઈ-પ્રોફાઈલ મુલાકાત પૂરી કરીને એરફોર્સ વન વિમાનમાં પરત ફરી રહેલા ટ્રમ્પે પત્રકારો સમક્ષ જે વાતો કહી, તેનાથી આંતરરાષ્ટ્રીય સ્તરે ખળભળાટ મચી ગયો છે. ગઈકાલ સુધી તાઈવાનની સુરક્ષાના સોગંદ ખાતા ટ્રમ્પ હવે આ મુદ્દે આંખ આડા કાન કરતા જોવા મળી રહ્યા છે.
ટ્રમ્પ પ્રશાસને અગાઉ તાઈવાનને હથિયારો વેચવાની મંજૂરી આપી હતી, પરંતુ ચીનથી પરત ફરતા જ ટ્રમ્પે તેના પર બ્રેક લગાવી દીધી છે. પત્રકારોના સવાલ પર તેમણે કહ્યું કે, “મેં હજુ હથિયારોના વેચાણ પર કોઈ અંતિમ નિર્ણય લીધો નથી, હું આ બાબતે થોડું વિચારીશ.” એટલું જ નહીં, તેમણે સ્પષ્ટ સંકેત આપતા કહ્યું કે અમેરિકાને પોતાના ઘરથી 9,500 માઇલ દૂર કોઈ નવા યુદ્ધમાં કૂદવાની જરૂૂર નથી. ચીન આ સોદાનો શરૂૂઆતથી જ વિરોધ કરી રહ્યું હતું અને જિનપિંગે ટ્રમ્પને ચેતવણી આપી હતી કે તાઈવાન મામલે કોઈપણ ખોટું પગલું બંને દેશોના સંબંધો હંમેશા માટે બગાડી શકે છે.
બેઠક દરમિયાન ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે તાઈવાન પર પોતાનું આક્રમક વલણ સ્પષ્ટ કર્યું હતું.
તેમણે કહ્યું કે ચીન તાઈવાનની આઝાદીનો વિરોધી છે અને તેને મેનલેન્ડ ચાઇના (ચીન સત્તાવાર નકશા) સાથે જોડવા માટે સૈન્ય તાકાતનો ઉપયોગ કરતા પણ અચકાશે નહીં. નવાઈની વાત એ છે કે જ્યારે જિનપિંગ તાઈવાનને પોતાની ’રેડ લાઇન’ ગણાવી રહ્યા હતા, ત્યારે ટ્રમ્પે તેનો કોઈ વિરોધ ન કર્યો. ટ્રમ્પે પોતે સ્વીકાર્યું કે, “મેં જિનપિંગની વાત સાંભળી, પરંતુ કોઈ ટિપ્પણી ન કરી.” જાણકારોના મતે, ટ્રમ્પ હાલમાં ટ્રેડ (વેપાર) અને ઈરાન જેવા મુદ્દાઓ પર ચીનનો સહયોગ ઈચ્છે છે, તેથી તેઓ તાઈવાન મુદ્દે ચીનને નારાજ કરવા નથી માંગતા.
આ બદલાયેલા સમીકરણો વચ્ચે તાઈવાનના અધિકારીઓએ ખૂબ જ સધાયેલી પ્રતિક્રિયા આપી છે કે આ સમિટના પરિણામોમાં ’કંઈ આશ્ચર્યજનક નથી’. જો કે, તેમણે ચીનને અપીલ કરી છે કે તે તાઈવાન આઇલેન્ડની આસપાસ સૈન્ય દબાણ બનાવવાનું બંધ કરે, કારણ કે ચીનની આ હિલચાલ આખા ક્ષેત્રની શાંતિ માટે મોટો ખતરો છે.
ચીન તરફથી મળેલી તમામ ભેટો કચરામાં ફેંકી દીધી
યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ત્રણ દિવસની ચીન મુલાકાત પૂર્ણ થઈ ગઈ છે, તેમના પ્રસ્થાન અંગે એક ચોંકાવનારો અહેવાલ બહાર આવ્યો છે. જાસૂસી અને ડેટા ચોરીના ડરથી, ટ્રમ્પના પ્રતિનિધિમંડળે એર ફોર્સ વન વિમાનમાં ચઢતા પહેલા ચીની અધિકારીઓ દ્વારા રજૂ કરાયેલી બધી ભેટો અને વસ્તુઓનો નાશ કર્યો અથવા છોડી દીધા હતાં. અહેવાલો અનુસાર, યુએસ પ્રતિનિધિમંડળે તેમના પ્રસ્થાન પહેલાં તેમના ચીની યજમાનો પાસેથી મળેલી બધી વસ્તુઓ એકઠી કરી. આ વસ્તુઓમાં વ્હાઇટ હાઉસના સ્ટાફને આપવામાં આવેલા બર્નર ફોન, ડેલિગેશન પિન, ઓળખપત્રો (ઓળખ બેજ) અને અન્ય વિવિધ વસ્તુઓનો સમાવેશ થાય છે. એરફોર્સ વનમાં ચઢતા પહેલા, આ બધી વસ્તુઓ કાં તો નજીકના કચરાપેટીમાં ફેંકી દેવામાં આવી હતી અથવા સ્થળ પર જ નાશ કરવામાં આવી હતી. એવું માનવામાં આવે છે કે આ પગલું યુ.એસ.ના ઉચ્ચ-સ્તરીય કાઉન્ટર-ઇન્ટેલિજન્સ અને સુરક્ષા પ્રોટોકોલનો એક માનક ઘટક છે. હકીકતમાં, જ્યારે પણ કોઈ યુ.એસ. પ્રતિનિધિમંડળ કોઈ વિરોધી રાષ્ટ્રની મુલાકાત લે છે, ત્યારે અધિકારીઓ – માનક પ્રોટોકોલનું પાલન કરીને – સંભવિત જાસૂસી અથવા ડેટા ચોરીના જોખમને ઘટાડવા માટે ઇલેક્ટ્રોનિક ઉપકરણો અને સંવેદનશીલ સામગ્રીનો નાશ કરે છે.
