લલુડી વોંકળી, રામનાથપરા, આજી કાંઠાના વિસ્તારમાં બોટ સાથે જવાનો તૈનાત

રાજકોટ શહેર અને આસપાસના વિસ્તારોમાં હવામાન વિભાગ દ્વારા આગામી 24 કલાક દરમિયાન અત્યંત ભારે વરસાદની ગંભીર આગાહી કરવામાં આવી છે. સતત વરસી રહેલા વરસાદ અને…

રાજકોટ શહેર અને આસપાસના વિસ્તારોમાં હવામાન વિભાગ દ્વારા આગામી 24 કલાક દરમિયાન અત્યંત ભારે વરસાદની ગંભીર આગાહી કરવામાં આવી છે. સતત વરસી રહેલા વરસાદ અને સંભવિત આકાશી આફતને પગલે સમગ્ર તંત્ર સતર્ક બન્યું છે. જ્યારે પણ આવો ભારે વરસાદ પડે છે ત્યારે શહેરમાંથી પસાર થતી મુખ્ય આજી નદી બંને કાંઠે છલકાઈ જતી હોય છે અને પૂરની સ્થિતિનું નિર્માણ થાય છે.

સુરત અને અમદાવાદમાં સર્જાયેલી તારાજી જેવી હાલત રાજકોટમાં ન થાય એ માટે સંભવિત ખતરાને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર તેમજ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તમામ આગોતરી તૈયારીઓ રાખી છે. જ્યા પૂરની સ્થિતિ સર્જાઇ શકે છે તેવા લલુડી વોંકળી, રામનાથપરા, આજી નદીના કાંઠે, ભગવતીપરા સહિતના વિસ્તારોમાં ફાયર બ્રિગેડના જવાનોને અલગ અલગ સ્પોટ પર ગોઠવી રાખવામા આવ્યા છે. નજીકના ફાયર સ્ટેશને ફોટ સહિતના રેસ્ક્યુ સાધનો સ્ટેન્ડ ટુ રખાયા છે.

આજી નદીમાં પૂર આવે ત્યારે નદી કાંઠે આવેલા નીચાણવાળા વિસ્તારો સૌથી વધુ અસરગ્રસ્ત બને છે. ખાસ કરીને રામનાથપરા, આજી વસાહત, બેઠો પુલ અને ભગવતીપરા જેવા વિસ્તારોમાં નદીના પાણી ઝડપથી ફરી વળે છે. આ ઉપરાંત ’લાલુડી વોકળી’ તરીકે ઓળખાતા વિસ્તારમાં પણ ભારે વરસાદ દરમિયાન સ્થાનિક રહીશોના ઘરોમાં પાણી ઘૂસી જવાની વિકટ સમસ્યા દર વર્ષે સર્જાય છે. ઘરોમાં પાણી ભરાઈ જવાથી લોકોની ઘરવખરી પલળી જાય છે અને જનજીવન અસ્તવ્યસ્ત થઈ જાય છે. આગામી 24 કલાકની ભારે વરસાદની આગાહીને પગલે આ તમામ વિસ્તારોમાં પૂરની સ્થિતિ સર્જાય તેવી પૂરતી શક્યતાઓ જોવા મળી રહી છે.

પૂરના પાણી ઘરોમાં કે માર્ગો પર ફરી વળે તેવા સંજોગોમાં નાગરિકોને સુરક્ષિત સ્થળે ખસેડવા માટે તમામ જરૂૂરી સાધન-સામગ્રી તૈયાર રાખવામાં આવી છે. ફાયર વિભાગ દ્વારા બોટ, લાઈફ જેકેટ, રેસ્ક્યુ રોપ અને અન્ય જરૂૂરી બચાવ સાધનો સાથે ટીમોને તમામ ક્રિટિકલ પોઈન્ટ્સ પર ખડેપગે રાખવામાં આવી છે. જો નદીમાં પાણીનું સ્તર અચાનક વધે તો તુરંત જ રેસ્ક્યુ ઓપરેશન શરૂૂ કરીને લોકોને સલામત સ્થળે સ્થળાંતરિત કરી શકાય તે પ્રકારનું સુઆયોજિત પ્લાનિંગ કરવામાં આવ્યું છે.

આજી નદી કાંઠે ન જવા લોકોને સૂચના
નદી કાંઠાના વિસ્તારોમાં રહેતા લોકોને નદી કિનારે કે જોખમી સ્થળોએ ન જવાની સલાહ આપવામાં આવી છે. ચોવી કલાકની આગાહીમાં રાતના સમયે ધોધમાર વરસાદ આવે એવી સંભાવનાના પગલે નદીકાંઠાના વિસ્તારોમાં ઘરોમાં પાણી ઘૂસવાની સંભાવના વધુ છે તેવા રહીશોને તંત્રની સૂચનાઓનું પાલન કરવા અને જરૂૂર પડે તો તાત્કાલિક સુરક્ષિત સ્થળે ખસેડાવવા માટે સહયોગ આપવા વિનંતી કરવામાં આવી છે. વહીવટી તંત્ર દ્વારા સ્થિતિ પર ચોવીસે કલાક બારીક નજર રાખવામાં આવી રહી છે જેથી કોઈપણ અણબનાવ અટકાવી શકાય.