Site icon Gujarat Mirror

અમદાવાદ સિવિલમાં ડોકટરના બદલે ભૂવા દ્વારા સારવાર, ફૂલોની સેજ પર સ્વાગત

ICUમાં દાખલ દર્દી ઉપર મંત્ર જાપ કર્યા અને દર્દી સાજો થઇ ગયાની રીલ્સ પણ બનાવી, હોસ્પિટલ સ્ટાફ હાથ જોડી ઊભો રહયો?

સિવિલ હોસ્પિટલમાંથી એક ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યાં છે. એશિયાની સૌથી મોટી ગણાતી હોસ્પિટલમાં ડોક્ટર નહીં પરંતુ ભુવાઓ સારવાર કરવા સાથે રિલ્સ બનાવતો નજરે પડતા ભારે ચકચાર જાગી છે.
ICU માં ગંભીર સ્થિતિમાં રહેલા દર્દીઓની ભુવા દ્વારા સારવાર કરવામાં આવે છે. દર્દી બેઠા પણ થઇ જાય છે અને તેઓ ડોક્ટરના બદલે ભુવાને સાજા થવા માટે ક્રેડિટ આપતા હોય તેવા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યા છે.


સૌથી મોટુ આશ્ર્ચર્ય તો એ છે કે, ભુવાજીના સ્વાગત માટે હોસ્પિટલમાં આઇસીયુ સુધી ફુલો પણ બીછાવવામાં આવ્યા છે. ઘટના અંગે વિગતે મળતી માહિતી અનુસાર મુકેશ ભુવાજી નામનો વ્યક્તિ ઇન્સ્ટાગ્રામ પર એકાઉન્ટ ધરાવે છે. પોતે ખોડિયાર માતાના ભુવા હોવાની ઓળખ આપે છે. ઇન્સ્ટાગ્રામ પર ડોક્ટર ખોડીયાર હોવાનો દાવો કરે છે. હોસ્પિટલોમાં ગંભીર હાલતમાં હોય તેવા દર્દીઓને તંત્ર મંત્ર દ્વારા બેઠા કરી દેતા હોવાનો પણ તે દાવો કરે છે. આવા કેટલાક વીડિયો પણ હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યા છે.


કડક સુરક્ષા હોવા છતા તે સિવિલ હોસ્પિટલમાં જાય છે. જ્યાં સામાન્ય માણસને પણ પ્રવેશ નથી તેવાICU વિભાગમાં જાય છે. દર્દીઓ પર તંત્ર મંત્ર કરે છે. થોડા સમય બાદ તે દર્દી સાજો થઇ જાય છે અને ભુવાજીની કૃપાથી જ સાજો થયો છે તેવા પ્રકારના વીડિયો તે પોતાના એકાઉન્ટ પર અપલોડ કરે છે. જો કે આ ભુવાના એકાઉન્ટમાં સિવિલમાં સારવાર કરતો હોવાના અસંખ્ય વીડિયો પડ્યાં છે. તો શું સિવિલ હોસ્પિટલે આવા ભુવાઓને નોકરીએ રાખ્યા છે અથવા તો છુટ આપી છે? તે સવાલ થાય છે.


જો કે આ સમગ્ર મામલે સિવિલ હોસ્પિટલ તંત્ર બધુ જાણતું હોવા છતા પણ ભેદી મૌન સેવીને બેઠું છે. મામલો અમારા ધ્યાને આવ્યો છે. આ અંગે તપાસ સોંપી દેવામાં આવી છે. તપાસના અંતે યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે જેવા સરકારી જવાબ આપીને સિવિલ સુપ્રીટેન્ડન્ટ રાકેશ જોશી ખુશ થઇ રહ્યા છે.

Exit mobile version