મોબાઈલ વાનના ટાયર અંતે બદલાયા, એમ્બ્યુલન્સનું મુહૂર્ત ન આવ્યું

‘ગુજરાત મિરર’ના અહેવાલ બાદ સિવિલ હોસ્પિટલના ભૂવા ધુણ્યા, બે વર્ષથી ધૂળ ખાતી એમ્બ્યુલન્સ માટે હજુ ‘દાણા’ નાખવાના બાકી રાજકોટની સિવિલ હોસ્પિટલમાં લોહીની કાયમી તંગી વચ્ચે…

‘ગુજરાત મિરર’ના અહેવાલ બાદ સિવિલ હોસ્પિટલના ભૂવા ધુણ્યા, બે વર્ષથી ધૂળ ખાતી એમ્બ્યુલન્સ માટે હજુ ‘દાણા’ નાખવાના બાકી


રાજકોટની સિવિલ હોસ્પિટલમાં લોહીની કાયમી તંગી વચ્ચે બ્લડ ડોનેશન કેમ્પો માટે અતિ મહત્વની એવી મોબાઈલ બ્લડ ડોનેશન વાનના ચાર ટાયર પતિ ગયા હોવાથી બે માસથી મોબાઈલ વાન ધુળ ખાઈ રહી હોવાનો અહેવાલ ‘ગુજરાત મિરરે’ પ્રસિદ્ધ કરતા સિવિલ હોસ્પિટલના ભુવાઓ અંતે ધુણ્યા હતાં અને તાબડતોબ ચારેય ટાયર નવા નાખી મોબાઈલવાન દોડતી કરી દીધી છે.


જો કે, ટાયરના વાંકે બે વર્ષથી બંધ એમ્બ્યુલન્સનું મુહુર્ત હજુ આવ્યુ નથી અને સિવિલ હોસ્પિટલના ભુવાઓ ‘દાણા’ નાખવાના હજુ બાકી છે. એમ્બ્યુલન્સ નં. જીજે 03 જી 1988માં 4 ટાયર પતી ગયા હોવાથી છેલ્લા બે વર્ષથી ટાયર બદલવાની હોસ્પિટલના સત્તાવાળાઓએ તસ્દી લીધી નથી. તેના કારણે હોસ્પિટલના કમ્પાઉન્ડમા બે વર્ષથી એમ્બ્યુલન્સ ધુળ ખાઇ રહી છે અને ક્ધડમ હાલતમા ફેરવાઇ ગઇ છે. આ એમ્બ્યુલન્સના એન્જીન સહિત તમામ પાર્ટસ કામ કરી રહયા છે. પરંતુ હોસ્પિટલ સત્તાવાળાઓ માત્ર 4 ટાયર બદલી શકતા નથી. તેના કારણે લોકોની સુવિધા છીનવાઇ રહી છે.

આ ઉપરાંત કોરોનાકાળમા સરકાર દ્વારા આપવામા આવેલી બે 108 એમ્બ્યુલન્સ પણ સિવિલ હોસ્પિટલના કમ્પાઉન્ડમા લાંબા સમયથી બિનઉપયોગી હાલતમા પડી છે અને તેના કારણે બંને 108 એમ્બ્યુલન્સ ભંગારમા ફેરવાઇ ગઇ છે. આ બંને 108ની હાલત એટલી ખરાબ થઇ ગઇ છે કે હવે ભંગારમા વેંચવા સિવાઇ તંત્ર પાસે કોઇ રસ્તો રહયો નથી. 108ની અંદર પ્રવેશતા જ બંને એમ્બ્યુલન્સના પતરા સડી ગયા હોવાથી અંદર પ્રવેશનારના પગ પણ પતરા ચીરીને સોસરવા નિકળી જાય છે. આ સિવાય હોસ્પિટલના કમ્પાઉન્ડમા પડેલી જીજે 18 જીએ 3190 નંબરની એમ્બ્યુલન્સ પણ ક્ધડમ થઇ ગઇ છે અને તેને પણ ચાલુ કરવાના બદલે ભંગારમા વેંચવી પડે તેવી સ્થિતિમા જોવા મળે છે.