ગુજરાત
દિવાળીની ખરીદી માટે લોકો ઊમટી પડતા ઠેર ઠેર ટ્રાફિક જામ
તહેવારો ઉપર શહેરના અનેક માર્ગની બન્ને બાજુ વાહનોના આડેધડ ખડકલાથી ચાલવું પણ મુશ્કેલ
સાંજે 7થી રાતે 9 વાગ્યા સુધી નાના-મોટા તમામ માર્ગો વાહનોથી જામ
દિવાળીના તહેવારો હવે નજીક આવી રહ્યા છે. ત્યારે શહેરના મુખ્ય માર્ગો ઉપર લોકોની ભીડ જોવા મળી રહી છે. મુખ્ય માર્ગની બન્ને બાજુ આડેધડ ખડકાતા વાહનોને લઈ ટ્રાફીક સમસ્યા દિન પ્રતિદિન વકરતી જોવા મળી રહી છે. શહેરમાં દિવાળીના દિવસો દરમિયાન લોકો ખરીદી માટે ઉમટી પડતા હોય છે. લોકોની સખત અવર જવર જોવા મળે છે ત્યારે ટ્રાફીકનો પ્રશ્ન સિર દર્દ બનતો જોવા મળી રહ્યો છે. રાજકોટમાં દિવાળીના તહેવાર પૂર્વે ટ્રાફિકની કમઠાણ શરૂૂ થઈ છે.
શહેરના કેટલાક વિસ્તારોમાં ટ્રાફિક પોલીસની નિષ્ક્રીયતાને કારણે હજારો વાહન ચાલકો હેરાન થઈ રહ્યા છે. ખાસ કરીને શહેરના કેટલાક રાજમાર્ગ અને મુખ્ય બજારોમાંથી પસાર થવું વાહનચાલકો માટે મુશ્કેલ બની રહ્યું છે. શહેરના યાજ્ઞનીક રોડ,ધર્મેન્દ્ર રોડ, કાલાવડ રોડ,યુનિવર્સીટી રોડ, એસ્ટ્રોન ચોક, ગુંદાવાડી,સાંગણવા ચોક,એસટી બસ સ્ટેન્ડ,ભુતખાના ચોક, ત્રિકોણબાગ, પરાબજાર, સોની બઝાર,પેલેસ રોડ સહિતના વિસ્તારોમાં વધુ ટ્રાફિકને કારણે વાહન ચાલકો હેરાન થઈ રહ્યા છે. તહેવારો ટાણે ટ્રાફિક પોલીસની અવ્યવસ્થાને કારણે ખાનગી માણસોને ટ્રાફિક સંચાલનમાં જોડાવું પડે તેવી સ્થિતિ જોવા મળી રહી છે. દિવાળીના તહેવારોમાં ખરીદી કરવા માટે નીકળેલા લોકોની ભીડ વચ્ચે શેહરના અનેક રાજમાર્ગો ઉપર થતા આડેધડ પાર્કિંગને કારણે તેહવાર પૂર્વે શેહરમાં ટ્રાફિક જામ થવાના દ્રશ્યો વધી ગયા છે.
ટ્રાફિક જામને કારણે વાહન ચાલકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે.શહેરના અલગ અલગ રાજમાર્ગો ઉપર પર આડેધડ થતા પાર્કિંગ વચ્ચે એક પણ ટ્રાફિક પોલીસ કે ટ્રાફિક બ્રિગેડ હાજર જોવા મળતા નથી જેને કારણે ટ્રાફિક જામ થાય છે. દિવાળીના તહેવારોની શરુઆત થઇ હોય રાજકોટમાં ખરીદી માટે બજારમાં લોકોની જનમેદની જોવા મળી રહી છે.બજારો લોકોથી ઉભરાઈ રહ્યા છે ત્યારે ટ્રાફિકની અવ્યવસ્થાને કારણે સાંજે 7 થી 9 વાગ્યા સુધી ઠેર ઠેર ટ્રાફિક જામ થાય છે. ખાસ કરીને સાંજે 7 થી રાતે 9 વાગ્યા સુધી રાજકોટના અનેક રાજમાર્ગો ઉપર ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળી રહ્યા છે.
રાજકોટની જૂની બઝાર ધર્મેન્દ્ર રોડ અને ગુંદાવાડી સહિતના વિસ્તારના બજારમાં લોકો કપડાની સહીતની ખરીદી કરવા માટે ઉમટી રહ્યા છે. મોડી સાંજ સુધી લોકો ખરીદી કરવા આવતા હોય રાજકોટના જુના વિસ્તારોમાં પગ મુકતા જ રીક્ષા, ટુવ્હીલર અને ફોર વ્હિલરનો ટ્રાફિક જોવા મળી રહ્યો છે.આ રસ્તાઓ પર લારીવાળા તેમજ રસ્તા ઉપર પથરણા પાથરી તોરણ, કોડિયા અને ઘરના સુશોભનની વસ્તુઓ વેચતા લોકોને કારણે રસ્તા ઉપર દબાણથી પણ ટ્રાફિકને અડચણ ઉભી થાય છે. આ ઉપરાંત સાંકળા રોડ ઉપર આડેધડ વાહનો પાર્ક કરવામાં આવી રહ્યા છે.
તેમજ દુકાનદારો પણ મંડપ બનાવી કાઉન્ટરો બહાર લાવી રહ્યા છે. જેને કારણે બજારમાં દિવાળીની રોનક તો દેખાઇ રહી છે પણ બીજીતરફ આવા અનેક વિસ્તારોમાં ટ્રાફિકની સમસ્યા પણ વધી રહી છે. પોલીસને પણ સ્થિતિ સંભાળતાં નાકે દમ આવી રહ્યો છે.ટ્રાફિકથી ધમધમતા શહેરના મુખ્ય માર્ગો જેવાકે યાજ્ઞનીક રોડ તેમજ તેને જોડતા એસ્ટ્રોન ચોક તેમજ દસ્તુર માર્ગ જાગનાથ પ્લોટ સહિતના વિસ્તારોમાં આસપાસના વારંવાર ટ્રાફિક જામ થતો હોવાથી વાહનચાલકો અટવાઇ રહ્યા છે. શહેરના વિવિધ વિસ્તારોમાં વાહનવ્યવહાર રાબેતા મુજબ કરવા માટે પોલીસને ભારે જહેમત ઉઠાવવી પડી રહી છે.
પોલીસ હેલ્મેટના દંડ ઉધરાવવામાં વ્યસ્ત અને ટ્રાફિક રામભેરોસે
તહેવારો ઉપર શહેરના નાના મોટા રાજમાર્ગો ઉપર સાંજે ટ્રાફીક જામ થાય છે. ટ્રાફીકની આ અવ્યવ્સથા વચ્ચે ટ્રાફીક પોલીસ નિયમન માટે કામગીરી કરવાના બદલે આવા ટ્રાફીક જામના સ્થળેથી ગુમ થયેલ જોવા મળેલ છે. બીજી તરફ લોકોમાં ચર્ચા થઇ રહી છે કે, પોલીસ હેલ્મેટના દંડ ઉધરાવવામાં વ્યસ્ત છે જેના કારણે ટ્રાફિક રામભેરોસે હોય તેવી સ્થિતી ઉભી થઈ છે. શહેરમાં ટ્રાફીક પોલીસ અને ટ્રાફીક વોર્ડનને નિયમન માટેની જવાબદરી સોંપવામાં આવી છે. ત્યારે તહેવારોમાં વધતાજતા ટ્રાફીકને કારણે લોકો ભારે હલાકી ભોગવી રહ્યા છે અને ટ્રાફીક પોલીસ ફરજ ઉપર નિયમન કરવાના બદલે અન્ય સ્થળે જોવા મળે છે. ત્યારે જાગૃત નાગરીકોએ ટ્રાફીક નિયમન માટે રસ્તા ઉપર ઉતરવું પડે છે. શહેરના અનેક રાજમાર્ગો ઉપર વન-વે તેમજ નો પર્કિંગના નિયમનો અમલ જો તહેવાર ઉપર થાય તો ટ્રાફીક સમસ્યા હળવી બની શકે છે. ત્યારે આ માટેની જવાબદારી ટ્રાફીક પોલીસના શીરે હોય છે.