લોકમેળાના છેલ્લા દિવસે રેસકોર્ષ આસપાસના વિસ્તારોમાં ટ્રાફિક જામ

રાજકોટનાં રેસકોર્ષ મેદાન ખાતે યોજાયેલા લોકમેળામા પાંચ દીવસ દરમ્યાન 14 લાખથી વધુ લોકો મેળો માણવા ઉમટી પડયા હતા તેમા પણ છેલ્લા દીવસે લોકમેળામાં માનવ મહેરામણ…

રાજકોટનાં રેસકોર્ષ મેદાન ખાતે યોજાયેલા લોકમેળામા પાંચ દીવસ દરમ્યાન 14 લાખથી વધુ લોકો મેળો માણવા ઉમટી પડયા હતા તેમા પણ છેલ્લા દીવસે લોકમેળામાં માનવ મહેરામણ ઉમટી પડતા રેસકોર્ષ આસપાસનાં વિસ્તારોમા ચિકકાર ટ્રાફી થતા ઠેર ઠેર ટ્રાફીક જામનાં દ્રશ્યો સર્જાયા હતા. એક તરફ પગપાળા જતા લોકો અને સાથે વાહનોની અવર જવરનાં કારણે ભારે અવ્યવસ્થા ઉભી થઇ હતી. ગઇકાલે ટ્રાફીક નિયમન કરાવવા માટે એસીપી લેવલનાં અધિકારીઓને ફિલ્ડમાં ઉતરવુ પડયુ હતુ. મોડી રાત સુધી ટ્રાફિક નિયમન કરાવવા પોલીસનાં પગે પાણી ઉતરી ગયા હતા. રેસકોર્ષ આસપાસનાં વિસ્તારોમા માનવ મહેરામણ સાથે વાહનોનાં હોર્નની ચીચીયારીઓથી સમગ્ર વિસ્તારમા મોડી રાત સુધી દેકારો જોવા મળ્યો હતો. રેસકોર્સ ખાતે યોજાયેલા લોકમેળામાં વાહનોને પ્રવેશબંધી ફરમાવવામાં આવી હોય અને પાર્કિંગ માટે અલગ અલગ 1પ જગ્યા ઉભી કરવામાં આવી હતી.

છતા પણ ગઇકાલે સાંજથી લોકમેળામાં ભારે ભીડનાં કારણે પાર્કિંગ માટેની જગ્યાઓ પણ ખુટી પડી હતી. રેસકોર્સ રીંગ રોડને જોડતા આસપાસનાં રાજમાર્ગો પર ભારે ટ્રાફિક જોવા મળ્યો હતો. જેમા શ્રોફ રોડ, હોસ્પીટલ ચોક, કિશાનપરા ચોક, યાજ્ઞિક રોડ, એરપોર્ટ રોડ, આમ્રપાલી અંડર બ્રિજ સહીતનાં રસ્તાઓ પર વાહનોનાં થપ્પા લાગી ગયા હતા. રેસકોર્સથી લઇ જયુબેલી તેમજ લીમડા ચોક તો બીજી તરફ એરપોર્ટ રોડથી હનુમાન મઢી ચોક તેમજ આમ્રપાલી અંડર બ્રિજથી લઇ મહીલા કોલેજ અંડર બ્રિજ સુધી તેમજ ભોમેશ્ર્વરથી હોસ્પીટલ ચોક સુધીનાં રસ્તાઓ પર વાહનોની લાંબી કતારો લાગી ગઇ હતી. એક તરફ પગપાળા જતા લોકો અને બીજી તરફ રીક્ષા ચાલકોની અવરચંડાયનાં કારણે ટ્રાફિકની અંધાધુંધી જોવા મળી હતી જેનાં કારણે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડયો હતો મેળામાં રાત્રે 11.30 થી જ પ્રવેશબંધી ફરમાવવામા આવી હોવા છતા ભારે ઘસારો જોવા મળ્યો હતો.