ગોંડલના ગુંદાળા ગામે રહેતાં યુવકનું બેભાન હાલતમાં મોત નિપજ્યું હતું. યુવકના મૃતદેહને દરવાજા તોડી બહાર કાઢવામાં આવ્યો હતો. પાંચ માસ પૂર્વે જ લગ્નગ્રંથીથી જોડાયેલા યુવકના મોતથી પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે. આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, ગોંડલ તાલુકાના ગુંદાળા ગામે રહેતાં રામભાઈ બાબુભાઈ બાંભવા નામનો 22 વર્ષનો યુવાન પોતાના ઘરે હતો ત્યારે પલંગ ઉપર બેભાન હાલતમાં ઢળી પડયા બાદ મોત નિપજ્યું હતું.
યુવકના મોતથી પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી છે. પ્રાથમિક પુછપરછમાં મૃતક રામભાઈ બાંભવા બે ભાઈ બે બહેનમાં મોટો હતો અને પાંચ માસ પહેલા જ લગ્ન થયા હતાં. પત્ની બંસીબેન ઘોઘાવદર ગામે માવતરે આંટો મારવા ગયા બાદ ઘરે એકલા રહેલા રામભાઈ બાંભવાનું બેભાન હાલતમાં મોત નિપજ્યું હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે યુવકના મોતનું કારણ જાણવા મૃતદેહને ફોરેન્સીક પોસ્ટ મોર્ટમ અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.
