બે અલગ-અલગ વાહનોમાં માલ મગાવી શાપરનો વેપારી ફોન બંધ કરીને ભાગી છૂટ્યો
કુવાડવા રોડ પર આવેલી પ્રકાશ પોલીમર્સ કંપની નામની પેઢી સંભાળતા વેપારી હિતેશભાઈ મનહરભાઈ રૂૂપારેલીયા સાથે આશરે રૂૂપિયા 3,57,618/- ની વિશ્વાસઘાત અને છેતરપિંડીની ઘટના સામે આવી છે. અક્ષર પોલીમર્સ શાપર ખાતે પેઢી ચલાવતા આરોપી મેહુલભાઈ મનુભાઈ વિરજા સામે આ અંગે બી-ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા ની કલમ 316(2) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. ફરિયાદી અને આરોપી વચ્ચે છેલ્લા બે-ત્રણ વર્ષથી વ્યાપારી સંબંધો હતા, જેમાં આરોપી અવારનવાર ફરિયાદી પાસેથી પ્લાસ્ટિક સ્ક્રેપનો માલ સામાન ખરીદતો હતો અને તેનું પેમેન્ટ એકાદ અઠવાડિયામાં બેંક ચેક અથવા છઝૠજ દ્વારા નિયમિત ચૂકવી આપતો હતો, જેથી ફરિયાદીનો તેના પર વિશ્વાસ બેસી ગયો હતો.
આ ગુનાની વિગતવાર વિગતો મુજબ, ગઈ તા. 07/08/2025 ના રોજ આરોપી મેહુલભાઈએ ફરિયાદીને ફોન કરીને પ્લાસ્ટિક સ્ક્રેપની જરૂૂરિયાત હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ તેણે પોતાની બોલેરો ગાડી મોકલીને કુલ 1648 કિલોગ્રામ પ્લાસ્ટિક સ્ક્રેપ મેળવ્યો હતો, જેની કિંમત રૂૂ. 93,936/- થતી હતી. આ માલનું જીએસટી બિલ બનાવવા માટે ફરિયાદીએ જ્યારે જીએસટી નંબર માંગ્યો, ત્યારે આરોપીએ તે પછીથી મોકલી આપવાનું કહીને માત્ર ચલણ સાથે માલ મેળવી લીધો હતો. ત્યારબાદ તા. 09/08/2025 ના રોજ આરોપીએ ફરીથી ફોન કરીને વધુ માલની માંગણી કરતા એક આઇસર મોકલી આપી હતી, જેમાં વધુ 4626 કિલોગ્રામ પ્લાસ્ટિક સ્ક્રેપનો માલ સામાન કિંમત રૂૂ. 2,63,682/- મોકલી આપવામાં આવ્યો હતો. આ વખતે પણ આરોપીએ જીએસટી નંબર પછીથી આપવાનો વાયદો કર્યો હતો.
બંને વખત થઈને કુલ 6274 કિલોગ્રામ પ્લાસ્ટિક સ્ક્રેપનો માલ મેળવી લીધા બાદ ફરિયાદીએ જ્યારે પેમેન્ટ અને જીએસટી બિલ માટે આરોપીનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો ત્યારે તેનો ફોન બંધ આવતો હતો. આશરે એક મહિના બાદ આરોપીએ અન્ય એક મોબાઈલ નંબર પરથી ફોન કરીને પેમેન્ટ અને જીએસટી નંબર આપી દેવાની ખાતરી આપી હતી, પરંતુ આજદિન સુધી કોઈ રકમ ચૂકવી ન હતી અને વિશ્વાસઘાત કર્યો હતો. અંતે કંટાળીને વેપારીએ આ બાબતે કમિશનર કચેરી ખાતે અરજી સબમિટ કરી હતી, જેના આધારે બી-ડીવીઝન પોલીસ સ્ટેશનમાં તા. 15/05/2026 ના રોજ ઓફિશિયલ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. હાલમાં પ્રો. પોલીસ સબ ઈન્સ્પેક્ટર એસ.એન.શ્યોરા દ્વારા ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરાઈ છે.
