રાજકોટ શહેરમાં ધરમ સિનેમા નજીક દારૂૂની મહેફિલ માણતા ત્રણ શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા છે.પ્ર. નગરના એએસઆઈ રવિભાઈ વાઘેલા,પોલીસ કોન્સ્ટેબલ તૌફીકભાઈ મંધરા,તૌફિકભાઈ જુનાચ, ચાંપરાજભાઈ અને તેમનો સ્ટાફ સાંજે ખાનગી વાહનમાં પેટ્રોલીંગમાં હતો. આ દરમિયાન રાત્રે આશરે 7:45 વાગ્યે ધરમ સિનેમા સામે, મહમદી મસ્જીદ પાસે જાહેરમાં ત્રણ ઈસમો ગોળ કુંડાળું વળીને બેઠેલા જોવા મળ્યા હતા. પોલીસની પ્રાથમિક તપાસમાં ત્રણેય શખ્સો કેફી પ્રવાહી પીધેલી હાલતમાં અને પોતાના શરીરનું સંતુલન ગુમાવેલી અવસ્થામાં મળી આવ્યા હતા. તેમની આંખો નશાના કારણે લાલ થયેલી હતી અને મોઢામાંથી દારૂૂની તીવ્ર વાસ આવી રહી હતી. પાસ કે પરમિટ વગર ગેરકાયદેસર રીતે દારૂૂ પીવા બદલ પોલીસે ત્રણેયની સ્થળ પરથી અટકાયત કરી હતી.
પોલીસના પંચનામા અને તપાસ મુજબ પકડાયેલા શખ્સોમાં પ્રતિકભાઈ શૈલેન્દ્રભાઈ પોપટ (ઉંમર 33, રહે, રાજકોટ), સાગરભાઈ મનસુખભાઈ સંતોકી (ઉંમર 38, રહે. જીવરાજપાર્ક, રાજકોટ), અને જયભાઈ હરસુખલાલ જોશી (ઉંમર 36, રહે. ગીતાનગર, રાજકોટ) નો સમાવેશ થાય છે. આ શખ્સો પાસેથી ’મેજિક મોમેન્ટ્સ ઓરેન્જ ફ્લેવર્ડ રેડિયન્ટ વોડકા’ (જેના પર ’ફોર સેલ ઇન રાજસ્થાન ઓન્લી’ લખેલું હતું) ની 180 એમ.એલ.ની ત્રણ પ્લાસ્ટિકની બોટલો મળી આવી હતી, જેમાં આશરે 100-100 એમ.એલ. દારૂૂ ભરેલો હતો. આ ઉપરાંત પ્લાસ્ટિકના ગ્લાસ તેમજ વેફર, વટાણા અને મગદાળ જેવા ખાદ્ય પદાર્થો પણ મળી આવ્યા હતા. પોલીસે કુલ ₹300ની કિંમતનો દારૂૂનો મુદ્દામાલ જપ્ત કર્યો છે, જ્યારે ખાણી-પીણીની સામગ્રીનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો.
આ સમગ્ર મામલે પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટની કલમ 66(1)(બી), 65(એ)(એ), 83(બી), અને 81 મુજબ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. અગાઉથી આયોજનપૂર્વક જાહેરમાં દારૂૂની મહેફિલ જમાવીને કાયદાનો ભંગ કરવા બદલ આરોપીઓ સામે ગુનો દાખલ કરાયો છે. આ કેસની આગળની તપાસ પોલીસ સબ ઇન્સ્પેક્ટર રાણીંગા ચલાવી રહ્યા છે.
