બે વ્યાજખોરોને રકમ કરતા વધુ નાણા ચૂકવ્યા છતાં ચેક રિટર્ન કરાવી ફરિયાદ કરવાની ધમકી આપી
મોરબી જિલ્લામાં વ્યાજખોરોનો ત્રાસ દિનપ્રતિદિન વધતો જઈ રહ્યો છે, ત્યારે વધુ એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. મોરબીના ખાનપર ગામના એક બોરવેલના વ્યવસાય સાથે સંકળાયેલા યુવાને પોતાની આર્થિક મજબૂરીના સમયે લીધેલા નાણાં સામે વ્યાજખોરોએ 30 ટકા જેટલા ઊંચા માસિક વ્યાજની ઉઘરાણી કરીને માનસિક ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું. આ મામલે ભોગ બનનાર યુવાને અંતે મોરબી તાલુકા પોલીસ મથકમાં બે વ્યાજખોરો વિરુદ્ધ વિધિવત ફરિયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના ખાનપર ગામે રહેતા અને બોરવેલનો ધંધો કરતા પારસભાઈ રમેશભાઈ રૈયાણી (ઉ.વ.32) એ આરોપી પરબતભાઇ સવજીભાઈ રબારી રહે. કોયલી તા. મોરબી તથા નિકુંજ ઉર્ફે નિતીનભાઇ વાસીયાંભાઈ જારીયા રહે. ગજડી ગામ તા્ ટંકારાવાળા વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે આરોપીઓએ ફરીયાદીને રૂપીયાની જરૂરત પડતા અલગ અલગ તારીખે 30 ટકાના માસીક ઉંચા વ્યાજે રૂપીયાનુ ધીરાણ કરી તેની સામે ગેરંટી તરીકે ફરીયાદિની સહી વાળા કોરા બેંક ચેક લખાવી લઈ તેમજ હાથ ઉછીના રૂપીયાનુ લખાણ કરાવી લીધેલ હોય અને આરોપી પરબતભાઇ પાસેથી રૂપીયા 4, 00000/- તથા આરોપી નિકુંજ ઉર્ફે નિતીનભાઇ પાસેથી રૂપીયા 1,50,000/- લીધેલ હોય અને આરોપી પરબતભાઇને રૂપીયા 8,40,00 0/- તથા આરોપી નિકુંજ ઉર્ફે નિતીનભાઇને રૂપીયા 1,35,000/- વ્યાજના રૂપીયા ચુકવવા છતાં વ્યાજ તથા મુળ રકમની ફરીયાદી પાસેથી અવારનવાર બળજબરીથી વધુ રકમ મેળવવા સારુ જાનથી મારી નાખવાની ધમકી આપી કડક ઉઘરાણી કરી તેમજ આરોપીઓને આપેલ કોરા ચેક બાબતે ચેક રીટર્ન કરીને કોર્ટમા કેશ કરવાની ધમકી આપી નોટીસ મોકલી માનસીક ત્રાસ આપતા હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
