આજે રાત્રે અદભૂત અવકાશી ઘટના, સૌથી બે તેજસ્વી ગ્રહ અત્યંત નજીક દેખાશે

ખગોળ પ્રેમીઓ અને સામાન્ય નાગરિકો માટે આજે એક અદ્ભુત આકાશી નજારો જોવા મળવાનો છે. આજે પશ્ચિમ દિશાના આકાશમાં સૌરમંડળના બે સૌથી તેજસ્વી ગ્રહો – શુક્ર…

ખગોળ પ્રેમીઓ અને સામાન્ય નાગરિકો માટે આજે એક અદ્ભુત આકાશી નજારો જોવા મળવાનો છે. આજે પશ્ચિમ દિશાના આકાશમાં સૌરમંડળના બે સૌથી તેજસ્વી ગ્રહો – શુક્ર (Venus) અને ગુરુ (Jupiter) એકબીજાની અત્યંત નજીક જોવા મળશે. આ ખગોળીય ઘટનાને વિજ્ઞાનની ભાષામાં ’ક્ધજક્શન’ એટલે કે યુતિ કહેવામાં આવે છે. સમગ્ર ગુજરાતના લોકો આ સુંદર દ્રશ્યને કોઈ પણ ખાસ ઉપકરણ વગર, સીધા નરી આંખે જોઈ શકશે.

ખગોળશાસ્ત્રીઓના જણાવ્યા મુજબ, અંતરિક્ષમાં આ બંને ગ્રહો વાસ્તવમાં એકબીજાથી કરોડો કિલોમીટર દૂર છે, પરંતુ પૃથ્વી પરથી જોતાં તેઓ એક જ સીધી રેખામાં અને એકબીજાની ખૂબ નજીક હોવાનો ભાસ થશે. આ અનોખો નજારો સૂર્યાસ્ત પછી તરત જ આકાશમાં આકર્ષણનું કેન્દ્ર બનશે. આ અદ્ભુત નજારાને જોવા માટે સાંજના સમયથી જ આકાશ તરફ નજર રાખવી પડશે. પશ્ચિમ દિશા: સૂર્યાસ્ત થયા પછી પશ્ચિમ દિશામાં ક્ષિતિજ (Horizon) ની થોડે ઉપર આ બંને ગ્રહો ચમકતા દેખાશે.

સાંજે 7.30 થી 8.30 વચ્ચે આ નજાવરો માણી શકાશે. આ બંનેમાં શુક્ર ગ્રહ વધુ તેજસ્વી અને સફેદ રંગનો દેખાશે, જ્યારે તેની બિલકુલ નજીક ગુરુ ગ્રહ થોડો આછો પીળાશ પડતો ચમકતો જોવા મળશે. આ ખગોળીય ઘટના એટલી સ્પષ્ટ હશે કે તેને જોવા માટે કોઈ ટેલિસ્કોપ કે બાયનોક્યુલરની જરૂૂર નહીં પડે. જો કે, જો સાદું બાયનોક્યુલર હશે, તો ગુરુના કેટલાક ચંદ્રો પણ કદાચ જોઈ શકાશે.

અમદાવાદની સાયન્સ સિટી અને વિવિધ ખગોળ મંડળો દ્વારા આ ઘટનાને લઈને વિશેષ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. નિષ્ણાતોના મતે, આ નજારાને સ્પષ્ટ રીતે જોવા માટે ઊંચી ઇમારતો, અગાસી અથવા ખુલ્લા મેદાન જેવા સ્થળો સૌથી ઉત્તમ રહેશે, જ્યાં પશ્ચિમ દિશાનો આકાશનો ભાગ બિલકુલ સાફ દેખાતો હોય. જો આકાશમાં વાદળો નહીં હોય, તો શહેરીજનો સાંજના 7:30 થી 8:30 દરમિયાન આ અદભુત નજારાનો મનભરીને આનંદ માણી શકશે. વૈજ્ઞાનિક દ્રષ્ટિએ આ પ્રકારની ઘટનાઓ વર્ષમાં મર્યાદિત વખત જ બનતી હોવાથી વિદ્યાર્થીઓ અને વિજ્ઞાનમાં રસ ધરાવતા લોકો માટે આ એક સુવર્ણ તક છે.