વ્યાજખોરોનો આતંક: 1.50 લાખની સામે 20.73 લાખ ચૂકવ્યા છતાં રૂપિયા 16.50 લાખની ઉઘરાણી

  રાજકોટ શહેરના ભાવનગર હાઇવે પર આવેલા લીલી સાજડીયાળી ગામના વતની અને હાલ કોઠારીયા રોડ પર ઓટો પાર્ટસનું કારખાનું ચલાવતા એક યુવકને વ્યાજખોરોના ત્રાસનો ભોગ…

 

રાજકોટ શહેરના ભાવનગર હાઇવે પર આવેલા લીલી સાજડીયાળી ગામના વતની અને હાલ કોઠારીયા રોડ પર ઓટો પાર્ટસનું કારખાનું ચલાવતા એક યુવકને વ્યાજખોરોના ત્રાસનો ભોગ બનવું પડ્યું છે. રાજકોટ શહેરના આજીડેમ પોલીસ સ્ટેશનમાં કલ્પેશભાઈ સુરેશભાઈ હીરપરા નામના 32 વર્ષીય યુવકે વ્યાજખોરી અને જાનથી મારી નાખવાની ધમકી અંગેની ફરિયાદ નોંધાવી છે. પોલીસે આ મામલે ગુનો દાખલ કર્યો છે. આ ગુનામાં મુખ્ય આરોપી રાજેશભાઈ મનસુખ કોટડીયા, મનોજસિંહ ગોહીલ અને દર્પણ હરસુખભાઈ પાનસુરીયા સામે કાયદેસરની તપાસ શરૂૂ કરવામાં આવી છે.

ફરિયાદની વિગતો મુજબ, વર્ષ 2025માં ફરિયાદી કલ્પેશભાઈના વતનમાં માતાજીનો માંડવો હોવાથી આશરે 4.50 લાખ રૂૂપિયાનો ખર્ચ થયો હતો. તે સમયે તેમની પાસે 1.50 લાખ રૂૂપિયા ખૂટતા હોવાથી તેમના મિત્ર રાજેશભાઈ મનસુખભાઈ કોટડીયાએ તેમને આ રકમ હાથ ઉછીની આપી હતી. જો કે, તેના બીજા જ દિવસે રાજેશભાઈએ આ નાણાં પરત મેળવવા માટે દબાણ શરૂૂ કર્યું હતું અને કલ્પેશભાઈ પાસે તાત્કાલિક સગવડ ન હોવાથી અન્ય જગ્યાએથી વ્યાજે નાણાં અપાવવાનું બહાનું કરી દર અઠવાડિયે 10,000 રૂૂપિયા વ્યાજ ચૂકવવાનું નક્કી કરાવ્યું હતું. આ રીતે કોઈ નવી રકમ આપ્યા વિના માત્ર જૂની ઉછીની રકમ પર જ પઠાણી ઉઘરાણીનું ચક્ર શરૂૂ કરવામાં આવ્યું હતું.

આ વ્યાજખોરના ચુંગાલમાં ફસાયેલા ફરિયાદીએ તા. 22/04/2025 થી તા. 17/04/2026 દરમિયાન ઓનલાઈન ગૂગલ પે મારફતે રાજેશભાઈ અને તેમના પરિવારના ખાતામાં 12,73,600 રૂૂપિયા ચૂકવ્યા હતા. આ ઉપરાંત 8/00,000 રૂૂપિયા રોકડા મળીને કુલ 20,73,600 રૂૂપિયા જેટલી માતબર રકમ વ્યાજ પેટે ચૂકવી દીધી હોવા છતાં વ્યાજખોરોની ભૂખ સંતોષાઈ નહોતી. આરોપી રાજેશભાઈએ કલ્પેશભાઈ પાસેથી સિક્યુરિટી પેટે સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંક અને કો-ઓપરેટિવ બેંકના કોરા ચેકો પણ પડાવી લીધા હતા. ફરિયાદી જ્યારે વધુ નાણાં ચૂકવવામાં અસમર્થ બન્યા ત્યારે આરોપીઓએ ફોન પર ગાળાગાળી કરી, મકાન વેચાવીને પણ બાકીના 16,50,000 રૂૂપિયા ચૂકવવા પડશે તેવી ગંભીર ધમકીઓ આપવાનું શરૂૂ કર્યું હતું.

આ સમગ્ર રેકેટમાં અન્ય આરોપી મનોજસિંહ ગોહીલે ફરિયાદી પાસે બળજબરીપૂર્વક 5,00,000 રૂૂપિયાનું નોટરી લખાણ કરાવવામાં સાથ આપ્યો હતો. જ્યારે ત્રીજા આરોપી દર્પણ પાનસુરીયાએ ફરિયાદી સાથે કોઈ આર્થિક વ્યવહાર ન હોવા છતાં મુખ્ય આરોપી રાજેશ વતી નાણાં કઢાવવાના ઈરાદાથી કલ્પેશભાઈનો 8,00,000 રૂૂપિયાનો ચેક બેંકમાં રજૂ કરી રીટર્ન કરાવ્યો હતો. આજીડેમ પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ સિધ્ધાર્થસિંહ પરમાર દ્વારા આ ફરિયાદ નોંધીને આગળની તપાસ આસીસ્ટન્ટ સબ ઇન્સપેક્ટર જયેશકુમાર કુરિયાને સોંપવામાં આવી છે.