રાજકોટના પરંપરાગત જન્માષ્ટમી લોકમેળાની તડામાર તૈયારીઓ વહીવટી તંત્ર દ્વારા શરૂૂ કરી દેવામાં આવી છે. દર વર્ષે શ્રાવણ માસમાં રેસકોર્સના મેદાનમાં યોજાતા આ મેળામાં વેપાર કરવા માટે અનેક લોકો ઉત્સુક હોય છે. મેળામાં સ્ટોલ, ચકરડી અને ખાણી-પીણીના પ્લોટ રાખીને વ્યવસાય કે મનોરંજન પૂરું પાડવા ઈચ્છુક અરજદારો માટે ફોર્મ ભરવાનો આવતીકાલે અંતિમ દિવસ છે. જોકે, આશ્ચર્યજનક રીતે અત્યાર સુધીમાં ફોર્મ ભરવાનો પ્રતિસાદ ખૂબ જ નબળો જોવા મળ્યો છે, જેના કારણે તંત્ર દ્વારા મુદત લંબાવવામાં આવે તેવી અટકળો શરૂૂ થઈ ગઈ છે. પોતાના વ્યવસાય કે મનોરંજનના સાધનો ગોઠવવા ઈચ્છુક અરજદારો માટે બાકી રહેલી પ્રક્રિયા પૂર્ણ કરવા માટેનો આ છેલ્લો મોકો છે.
દર વર્ષે રાજકોટના લોકમેળામાં વેપારીઓ સ્ટોલ મેળવવા માટે પડાપડી કરતા હોય છે અને મોટા પ્લોટ માટે લાખો રૂૂપિયાની બોલીઓ લાગતી હોય છે. પરંતુ આ વર્ષે શરૂૂઆતના તબક્કે ચિત્ર થોડું અલગ ઉપસી રહ્યું છે. સત્તાવાર આંકડાઓ અનુસાર, મેળામાં કુલ 228 જેટલા વિવિધ સ્ટોલ અને પ્લોટની ફાળવણી કરવાની થાય છે. અત્યાર સુધીમાં કલેક્ટર કચેરી અને સંબંધિત વિભાગોમાંથી કુલ 306 ફોર્મ વેપારીઓ અને અરજદારો દ્વારા ઉપાડવામાં આવ્યા છે. પરંતુ નવાઈની વાત એ છે કે તેની સામે અત્યાર સુધીમાં માત્ર 23 ફોર્મ જ ભરાઈને પરત જમા થયા છે. રમકડાંના સ્ટોલ 05 ફોર્મ,ખાણી-પીણીના નાના-મોટા સ્ટોલ 11 ફોર્મ, આઈસ્ક્રીમના સ્ટોલ,07 ફોર્મ જમા થયા છે.
મુદત લંબાવવાની પ્રબળ શક્યતા
હાલની પરિસ્થિતિ જોતા અને વેપારીઓના ધીમા પ્રતિસાદને ધ્યાનમાં રાખતા, સ્ટોલ અને પ્લોટ માટે ફોર્મ ભરવાની અંતિમ મુદત લંબાવવામાં આવે તેવી પ્રબળ શક્યતાઓ સેવાઈ રહી છે. રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર અને મેળાસમિતિ દ્વારા આ અંગે ટૂંક સમયમાં જ સમીક્ષા કરીને સત્તાવાર નિર્ણય જાહેર કરવામાં આવી શકે છે. જો ફોર્મ સ્વીકારવાની પ્રક્રિયાની તારીખ લંબાવવામાં આવશે, તો તેની સીધી અસર ડ્રો અને હરાજીના અગાઉથી નક્કી કરાયેલા શિડ્યુલ પર પડશે અને તેમાં પણ આંશિક ફેરફાર થવાની સંભાવના છે. હાલ પૂરતું, જે વેપારીઓ કે અરજદારોએ હજુ સુધી ફોર્મ જમા નથી કરાવ્યા, તેઓને કાલે સમયસર પ્રક્રિયા પૂર્ણ કરી લેવા અથવા તંત્ર દ્વારા આવનારી નવી સૂચના પર નજર રાખવા જણાવવામાં આવ્યું છે.
