દુબઈથી મુંબઈ આવતી ઈન્ડિગો ફલાઈટનું રાજકોટ એરપોર્ટ ઈમર્જન્સી લેન્ડિંગ

રાજકોટનાં હિરાસર ખાતે આવેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર આજે દુબઈથી મુંબઈ જતી ફલાઈટનું ઈમરજન્સી લેન્ડીંગ કરાયું હતું. આ ઈમરજન્સી લેન્ડીંગના પગલે ફાયર બ્રિગેડ અને પોલીસ સહિતનો…

રાજકોટનાં હિરાસર ખાતે આવેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર આજે દુબઈથી મુંબઈ જતી ફલાઈટનું ઈમરજન્સી લેન્ડીંગ કરાયું હતું. આ ઈમરજન્સી લેન્ડીંગના પગલે ફાયર બ્રિગેડ અને પોલીસ સહિતનો કાફલો હિરાસર એરપોર્ટ પર દોડી ગયો હતો.આજે સવારે દુબઈથી 11.19 કલાકે ઉપડીને મુંબઈ આવતી ઈન્ડીંગ એરલાઈન્સની ફલાઈટ નં. આઈ. જી.ઓ.1452 ઈન્ટરનેશનલ ફલાઈટમાં ટેકનીકલ ખામી સર્જાઈ હતી જેના પગલે તાત્કાલીક પાયલોટ દ્વારા એર ટ્રાફીક કંટ્રોલને જાણ કરવામાં આવી હતી.

એર ટ્રાફીક કંટ્રોલે એરપોર્ટ ઓથોરિટીને જાણ કરતાં જ સમગ્ર તંત્ર હાઈ એલર્ટ પર આવી ગયું હતું. જેના પગલે એરપોર્ટ પર ફાયરબ્રિગેડ અને પોલીસ સહિતનો કાફલો ખડકી દેવાયો હતો. ઈમરજન્સી લેન્ડીંગના પગલે ત્રણ ફાયર ફાઈટરોને એરપોર્ટ પર સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યા હતાં. સદનશીબે પાયલોટ દ્વારા આ ફલાઈટનું ઈમરજન્સી લેન્ડીંગ સફળતાપૂર્વક કર્યુ હતું અને સમગ્ર તંત્રએ રાહતનો શ્ર્વાસ લીધો હતો.