ક્રાઇમ
પુત્રના ત્રાસથી કંટાળી પિતાનો પોલીસ સ્ટેશનમાં આપઘાત
ફરાર પુત્રની પૂછપરછ માટે માતા-પિતાને પોલીસ મથકે બોલાવ્યા બાદ પિતાએ ઝેર પી લીધું ,સારવાર દરમિયાન દમ તોડ્યો જામનગરનો બનાવ
જામનગરના સીટી સી. ડિવિઝન પોલીસ મથકમાં મારામારીના કેસમાં ફરાર થયેલા પુત્ર વ્યથીત બનેલા પિતાએ ઝેરી દવા પી લીધા પછી તેનું સારવાર દરમિયાન મૃત્યુ નિપજતાં ભારે ગમગીની ફેલાઈ છે. જે સમગ્ર મામલે પોલીસ દ્વારા ઊંડાણ પૂર્વકની તપાસ ચલાવવામાં આવી રહી છે.
આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં રણજીતનગર જુનો હુડકોમાં મકાન નંબર 897 માં રહેતા અરવિંદભાઈ હરીશભાઈ સોલંકી નામના 58 વર્ષના મોચી જ્ઞાતિના આઘેડ કે જેઓએ ગત 16 મી તારીખે સીટી સી. ડિવિઝન પોલીસ મથકમાં પોલીસના બોલાવવાથી પહોંચ્યા હતા, અને ત્યાં પોતાના પુત્રથી વ્યથીત બનીને ઝેર પી લીધું હતું,
જેથી તેઓને સારવાર માટે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેઓનું મૃત્યુ નિપજ્યું હતું. જે બનાવ બાદ સિટી બી. ડિવિઝન પોલીસ દ્વારા મૃતક અરવિંદભાઈ ના પત્ની હંસાબેન કે જેઓનું નિવેદન નોંધવામાં આવ્યું હતું, ત્યારબાદ પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
પોલીસ માંથી પ્રાપ્ત વિગતો અનુસાર મૃતક અરવિંદભાઈ સોલંકી કે જેના પુત્ર જયદીપ સામે તાજેતરમાં સીટી સી. ડિવિઝન પોલીસમાં મારા મારીનો એક કેસ નોંધાયો છે, જેમાં પોતે ફરાર હતો, અને તેની શોધખોળ માટે તેમજ વિશેષ પૂછપરછ માટે જયદીપ ના માતા પિતા હંસાબેન તેમજ અરવિંદભાઈ ને સીટી સી. ડિવિઝન પોલીસ મથકમાં બોલાવવામાં આવ્યા હતા, અને ગત 16 મી તારીખે 11.00 વાગ્યાના અરસામાં અરવિંદભાઈએ પોલીસ મથકમાં ઝેર પી લીધું હતું.
પોતાનો પુત્ર કે જે કહયામાં ન હોવાથી અને પોલીસ સમક્ષ હાજર થતો ન હોવાથી મનમાં લાગી આવતાં ઝેર પી લીધુ હોવાનો જાહેર કરાયું હતું. આ સમગ્ર મામલામાં પોલીસ દ્વારા વધુ તપાસ ચલાવવામાં આવી રહી છે.