Site icon Gujarat Mirror

કુવાડવામાં આર્થિક ભીંસથી કંટાળી યુવાનનો ઝેર પી આપઘાતનો પ્રયાસ

જુદા જુદા ચાર સ્થળે ચાર લોકોએ જવલનશીલ પ્રવાહી ગટગટાવ્યું

શહેરની ભાગોળે કૂવાડવામાં રહેતાં યુવાને આર્થિક ભીંસથી કંટાળી ઝેરી દવા પી લીધી હતી. આપઘાતનો પ્રયાસ કરનાર યુવકને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, રાજકોટના કુવાડવા ગામે રહેતાં ક્રિસ ભરતભાઈ નામનો 22 વર્ષનો યુવાન પોતાના ઘરે હતો ત્યારે સવારના અગિયારેક વાગ્યાના અરસામાં પોતાના ઘરે હતો ત્યારે ઝેરી દવા પી લીધી હતી. યુવકને ઝેરી અસર થતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. પ્રાથમિક પુછપરછમાં ક્રિસ એક ભાઈ એક બહેનમાં વચેટ છે અને પ્રાઈવેટ નોકરી કરે છે. જ્યારે તેના પિતા સિકયોરિટીમાં નોકરી કરે છે અને માતા કેન્સરની બિમારીમાં સપડાયા છે. ક્રિસે આર્થિક ભીંસથી કંટાળી ઝેરી દવા પી લીધી હોવાનું જાણવા મળ્યું છે.

આ ઉપરાંત જુદા જુદા ચાર સ્થળે ચાર લોકોએ જવલનશીલ પ્રવાહી પી લીધું હોવાની ઘટના સામે આવી છે. જેમાં માધવ પાર્કમાં રહેતાં મિત કિરીટભાઈ (ઉ.23)એ આકાશવાણી ચોકમાં ફિનાઈલ, ભગીરથ સોસાયટીમાં વિનીત હિતેશભાઈ બોસમીયા (ઉ.26)એ લિકવીડ અને બિમારીની વધુ પડતી ગોળીઓ, કીટીપરા ગાયકવાડીમાં દિપક ચમનભાઈ વઢવાણીયા (ઉ.40)એ ઝેરી દવા અને રઘુવીર સોસાયટીમાં અભિષેક કિરીટભાઈ પિત્રોડા (ઉ.27)એ ફિનાઈલ પી લીધું હતું. જવલનશીલ પ્રવાહી પી લેનાર ચારેય લોકોને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરાયા હતાં. ઉપરોકત બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Exit mobile version