અયોધ્યા ચોક પાસે સાઈડ આપવા મામલે ટિફિન સર્વિસ સંચાલક પર પાઈપથી હુમલો

શહેરમાં સામાન્ય બાબતોમાં હિંસક હુમલાની ઘટનાઓ વધી રહી છે.150 ફૂટ રીંગ રોડ પર આવેલા અયોધ્યા ચોક પાસે સામે આવી છે, જ્યાં ટિફિન સર્વિસ અને ક્ધસલ્ટન્સીનું…

શહેરમાં સામાન્ય બાબતોમાં હિંસક હુમલાની ઘટનાઓ વધી રહી છે.150 ફૂટ રીંગ રોડ પર આવેલા અયોધ્યા ચોક પાસે સામે આવી છે, જ્યાં ટિફિન સર્વિસ અને ક્ધસલ્ટન્સીનું કામ કરતા 36 વર્ષીય યુવક નિરવભાઈ ભગવતીપ્રસાદ પંડ્યા પર કાળા કલરની સ્કોર્પીઓ કારના ચાલકોએ સામાન્ય સાઈડ આપવા બાબતે હિચકારો હુમલો કર્યો હતો.

મળતી વિગતો મુજબ, ગત મંગળવારે બપોરના આશરે પોણા બે વાગ્યાની આસપાસ નિરવભાઈ પંડ્યા પોતાની ટિફિન સર્વિસની કામગીરી પૂરી કરીને પોતાના ઇલેક્ટ્રિક મોટરસાઇકલ પર માધાપર સ્થિત પોતાના ઘરે પરત ફરી રહ્યા હતા. તે દરમિયાન અયોધ્યા ચોક પાસે પાછળથી પૂરઝડપે આવી રહેલી એક કાળા કલરની સ્કોર્પીઓ કાર (નંબર જીજે 03 એમ. એચ. 0111) ના ચાલકે સાઈડ મેળવવા માટે સતત હોર્ન વગાડવાનું શરૂ કર્યું હતું. નિરવભાઈની બાજુમાં એક મોટી ટ્રક પસાર થઈ રહી હોવાથી, અકસ્માત ટાળવા માટે તેઓ તુરંત સાઈડ આપી શક્યા ન હતા.આ બાબતથી ઉશ્કેરાઈને સ્કોર્પીઓ કારના ચાલકે નિરવભાઈના મોટરસાઇકલને ઓવરટેક કરતી વખતે હળવી ટક્કર મારી હતી. જ્યારે નિરવભાઈએ આ અંગે અવાજ કર્યો ત્યારે કારમાં સવાર બે અજાણ્યા ઈસમો નીચે ઉતર્યા હતા અને તેમની સાથે તોછડાઈભર્યું વર્તન કરીને ધમકીઓ આપવા લાગ્યા હતા.

આ સામાન્ય બોલાચાલી બાદ નિરવભાઈ કોઈ પણ પ્રતિક્રિયા આપ્યા વિના આગળ વધ્યા હતા, પરંતુ સ્કોર્પીઓ સવારોએ તેમનો પીછો ચાલુ રાખ્યો હતો. આગળ જઈને આ ઈસમોએ નિરવભાઈના મોટરસાઇકલને આંતરીને ઊભું રખાવ્યું હતું. કારની ડ્રાઈવર સીટની બાજુમાં બેઠેલા અજાણ્યા વ્યક્તિએ નીચે ઉતરીને નિરવભાઈને મોઢા પર ચાર-પાંચ લાફા મારી દીધા હતા અને પાછળથી તેમના હાથ પકડી લીધા હતા. તે જ સમયે કારના ચાલકે નીચે ઉતરીને પ્લાસ્ટિકના પાઇપ વડે નિરવભાઈ પર હુમલો કર્યો હતો. તેણે નિરવભાઈને પગના ભાગે ત્રણ ઘા, હાથ પર બે ઘા અને પીઠના ભાગે ત્રણ ઘા મારી બેહરહેમીથી માર માર્યો હતો. ગભરાઈ ગયેલા નિરવભાઈએ માફી માંગતા હુમલાખોરો ત્યાંથી નજીકમાં આવેલી ઇન્ફીનીટી બિલ્ડિંગના પાર્કિંગમાં ગાડી પાર્ક કરવા ચાલ્યા ગયા હતા.

જ્યારે ભોગ બનનાર નિરવભાઈ હુમલાખોરોના નામ અને સરનામું જાણવા માટે ઇન્ફીનીટી બિલ્ડિંગના પાર્કિંગમાં ગયા,ત્યારે ફરી એકવાર ડ્રાઈવરની બાજુમાં બેઠેલા વ્યક્તિએ તેમને જોરથી ધક્કો મારીને બહાર કાઢી મૂક્યા હતા.હુમલાખોરે તેમને ગંભીર ધમકી આપતા જણાવ્યું હતું કે, “અહીંથી ચાલ્યો જા, હવે જો અહીં દેખાયો છે તો તને જાનથી મારી નાખીશ.” આ ભયાનક ઘટના બાદ ભોગ બનનારે તાત્કાલિક 100 નંબર પર ફોન કરીને પોલીસને જાણ કરી હતી અને ત્યારબાદ સરકારી હોસ્પિટલ ખાતે ઓ.પી.ડી.માં પ્રાથમિક સારવાર મેળવી હતી.