ગત જૂન માસમાં 10 ઇંચ પડી ગયો હતો, આ વર્ષે અત્યાર સુધીમાં માત્ર દોઢથી પોણા બે ઇંચ
સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઇ ચુકી છે તો બીજીબાજુ રાજકોટમાં ગઇકાલે સાંજથી ગોરંભાયેલા વાદળોની આવનજાવન વચ્ચે માત્ર મળવાથી ભારે ઝાપટા જ વરસી રહ્યા છે. ગઇકાલે સાંજે શહેરના કેટલાક વિસ્તારોમાં ભારે ઝાપટુ પડી ગયા બાદ આજે સવારથી સતત હળવાથી ભારે ઝાપટાં વરસવાનું ચાલુ રહ્યુ હતુ. બપોરે 1 વાગ્યા પછી અચાનક જ મેઘરાજાએ ગિયર બદલ્યુ હોય તેમ વીજળીના કડાકાભડાકા સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. બપોર સુધી તો મેઘરાજાએ વ્હાલા દવલાની નીતિ દાખવી હોય સામાકાંઠાના વિસ્તારોમાં માત્ર છાંટા જ પડ્યા હતા તો સેન્ટ્રલ અને વેસ્ટ ઝોનમાં અડધાથી પોણો ઇંચ પાણી પડી ગયુ હતુ.
રાજકોટમાં ગઇકાલે સાંજથી મેઘસવારીએ શહેરમાં પડાવ નાખતા લોકોના જીવમાં જીવ આવ્યો છે. શહેરીજનો મેઘરાજાનું ધોધમાર હેત વરસવાની ચાતક નજરે રાહ જોઇ રહ્યા છે. એ દરમિયાન સતત હળવાથી ભારે ઝાપટાં વરસી રહ્યા હોય વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ છે. આ વખતે ઉનાળાએ બોકાસો બોલાવી નાંખ્યો હતો. આકરા બફારાથી લોકો તોબા તોકારી ગયા હતા. શહેરની તરસ છીપાવતા જળાશયો પણ ખાલી ખમ થવા આવ્યા છે. સમયસર નર્મદા મૈયાની પધરામણી થતા પીવાના પાણીની ચિંતામાં રાહત જરૂૂર છે પણ શહેરીજનો મેઘરાજાના અપાર હેતથી ભીંજાવા આતુર છે. વર્ષારાણી સોળે કળાએ ખીલી ઉઠી મનમુકીને વરસી પડે તેવી ઇંતેજારી વચ્ચે આજે બપોર પછી કડકાભડાકા સાથે મેઘસવારી આવી પહોંચી હતી.
જો કે અમુક વિસ્તારોમાં જ ભારે ઝાપટા પડ્યા હોવાના અહેવાલ છે. શહેરના સામકાંઠે મધ્ય રાજકોટના કેટલાક ભાગમાં માત્ર હળવા ઝાપટા જ પડ્યા છે. જ્યારે શાસ્ત્રીમેદાન, સદર, મોટી ટાંકી ચોક, યાજ્ઞિક રોડ, જાગનાથ, કાલવડ રોડ, રૈયા રોડ, જામનગર રોડ, સાધુ વાસવાણી રોડ, યુનિવર્સિટી રોડ, મવડી સહિતના વિસ્તારોમાં આજે સવારથી બપોરે ત્રણ વાગ્યા સુધીમાં પોણો ઇંચથી વધુ પાણી પડી ગયુ હોવાના અહેવાલ મળી રહ્યા છે.
ઝરમરિયા ઝાપટામાં પ્રિ-મોન્સૂનના ‘નાટકની ગંદકી’ રોડ પર તણાઇ આવી
આમતો સૌ શહેરીજનો જાણે જ છે કે, કોર્પોરેશનની પ્રિ-મોન્સુન કામગીરી કાગળ પર જ દેખાડવામા માહિત તંત્રના આ નાટકને મેઘરાજા પ્રથમ વરસાદમાં જ ખુલ્લુ પાડી દે છે. હજુ તો ધોધમાર વરસાદ પડ્યો પણ નથી ત્યાં તો પ્રિ-મોન્સુન કામગીરીના નાટકના પડદા ઉંચકાવા લાગ્યા છે. ગઇકાલથી પડતા સતત હળવાથી ભારે ઝાપટામાં ખુલ્લા પ્લોટ અને રોડની સાઇડમાં જમા થઇ ગયેલી ગંદકી, કચરો રસ્તા પર તણાઇ આવ્યો છે.
દ્વારકાના દરિયા કાંઠે હાઇવેવ એલર્ટ જાહેર
ઇન્ડિયન નેશનલ ફોર ઓશન ઇન્ફોર્મેશન સર્વિસિસ દ્વારા દેવભુમિ દ્વારકાના દરિયાકાંઠે હાઇવેવ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને દરિયામાં 3.4 મીટરથી 3.6 મીટર ઉંચા મોજા ઉછળવાની ચેતવણી આપવા સાથે દરિયાકાંઠાના વિસ્તારમાં નહીં જવા લોકોને સુચના અપાઇ છે.
એક સાથે ચાર સિસ્ટમ સક્રિય, છ દિવસ મેઘરાજા ટાઢક કરાવશે
હવામાન વિભાગ દ્વારા સમગ્ર ગુજરાતમાં આગામી 6 દિવસ માટે અતિભારે વરસાદની આગાહી જાહેર કરવામાં આવી છે. બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાં સર્જાયેલા વિવિધ દબાણોને કારણે રાજ્યના હવામાનમાં એક સાથે ચાર શક્તિશાળી વરસાદી સિસ્ટમ સક્રિય થઈ ગઈ છે. આ ભૌગોલિક સાયક્લોનિક સરક્યુલેશનના લીધે ખાસ કરીને સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં આગામી છ દિવસ સુધી આકાશી આફત વરસી શકે છે.
હવામાન વિભાગના નકશા મુજબ, આજે જ રાજ્યના ચાર સંવેદનશીલ જિલ્લાઓમાં અત્યંત ભારે વરસાદના પગલે ’રેડ એલર્ટ’ અને અન્ય પાંચ જિલ્લાઓમાં ભારે વરસાદની સંભાવનાને જોતાં ’ઓરેન્જ એલર્ટ’ જાહેર કરીને સ્થાનિક વહીવટી તંત્રને સજ્જ રહેવા સુચના અપાઈ છે.
આ આકાશી પરિવર્તનની સૌથી ગંભીર અસર દક્ષિણ ગુજરાતના ભાગોમાં જોવા મળશે, જ્યાં આગામી ચાર દિવસ સુધી અતિભારે વરસાદ ખાબકવાની પૂર્વાનુમાન હોવાથી નીચાણવાળા વિસ્તારો અને નદી કિનારાના ગામોને એલર્ટ કરી દેવાયા છે. સિસ્ટમની તીવ્રતાના કારણે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના જિલ્લાઓ અને મધ્ય ગુજરાતના પંથકોમાં પણ વ્યાપક નુકસાની અને જળબંબાકાર થવાનો ભય સેવાઈ રહ્યો છે. આ તરફ ઉત્તર અને પ્રદેશના અન્ય વિસ્તારોની વાત કરીએ તો, અમદાવાદ અને પાટનગર ગાંધીનગરમાં પણ આજથી જ વાદળછાયા વાતાવરણ વચ્ચે હળવાથી મધ્યમ વરસાદી ઝાપટાં પડવાની શરૂૂઆત થવાની મજબૂત સંભાવના છે.
આ કુદરતી સ્થિતિને પહોંચી વળવા સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમોને એલર્ટ પર મૂકવામાં આવી છે. દરિયામાં કરંટ વધવાની શક્યતા હોવાથી માછીમારોને આગામી આદેશ સુધી દરિયો ન ખેડવાની કડક સૂચના આપવામાં આવી છે. સામાન્ય જનજીવન પ્રભાવિત ન થાય તે માટે લોકોને પણ બિનજરૂૂરી બહાર ન નીકળવા અપીલ કરાઈ છે.
