રાજકોટ એસીબી એકમના ઇન્ચાર્જ નાયબ નિયામક બલદેવસિંહ વાઘેલાની ટીમને ભ્રષ્ટાચાર વિરુદ્ધની લડતમાં વધુ એક મોટી સફળતા મળી છે. અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના વંડા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા બે પોલીસ હેડ કોન્સ્ટેબલ અને બે ખાનગી વ્યક્તિઓ મળી કુલ ચાર આરોપીઓને એસીબીએ લાંચ લેતા ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ કેસની હકીકત મુજબ, વંડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદીના મિત્ર વિરુદ્ધ એક ગુનો દાખલ થયો હતો, જેની તપાસ હેડ કોન્સ્ટેબલ વિજયભાઈ મનસુખભાઈ મેર કરી રહ્યા હતા. આ ગુનામાં તપાસ દરમિયાન ફરિયાદીના મિત્રનો મોબાઈલ ફોન અને ફોર વ્હીલર ગાડી કબજે ન કરવા, તેમને માર ન મારવા અને ધંધો વ્યવસ્થિત ચલાવવા દેવાના બદલામાં વિજયભાઈ મેરે અતુલભાઈ ચૌહાણ નામના શખ્સ મારફતે પ્રથમ રૂા.1,25,000/- ની લાંચની માંગણી કરી હતી. ત્યારબાદ રકઝકના અંતે રૂૂા.51,000/- આપવાનું નક્કી થયું હતું. લાંચની આ રકમ ફરિયાદી આપવા માંગતા ન હોવાથી તેમણે ભાવનગર એસીબીનો સંપર્ક કરી ફરિયાદ આપી હતી.
આ ફરિયાદના આધારે એસીબીના મદદનીશ નિયામક એસ. એન. બારોટના સુપરવિઝન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર ટી.એસ. રીઝવી અને તેમની ટીમે વંડા ગામમાં જેસર-સાવરકુંડલા જાહેર રોડ પર આવેલ ગોપીનાથ ઓઈલ મીલના ગેટ પાસે છટકું ગોઠવ્યું હતું.
ટ્રેપ દરમિયાન આરોપી મયુરભાઈ બાબુભાઈ ખુમાણે આરોપી વિજયભાઈ મેર વતી ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી લાંચના રૂૂ. 51,000/- સ્વીકાર્યા હતા. નાણાં મળી ગયા હોવાની જાણ વિજયભાઈને કરાતા, બીજા હેડ કોન્સ્ટેબલ છગનભાઈ માવજીભાઈ ડાભી તે રકમ લેવા આવ્યા હતા. જેવી છગનભાઈએ મયુરભાઈ પાસેથી લાંચની રકમ સ્વીકારી કે તુરંત જ એસીબીએ બંનેને સ્થળ પર દબોચી લીધા હતા. ત્યારબાદ મુખ્ય આરોપી વિજયભાઈ મેરને પણ વંડા પોલીસ સ્ટેશન ખાતેથી ઝડપી લેવામાં આવ્યા હતા.
