જામનગરમાં ફાયર સેફ્ટી વગરની પીઝા પાર્લર સહિત વધુ ત્રણ એકમ કરાયા સીલ

જામનગર મહાનગરપાલિકાના ફાયર વિભાગ દ્વારા શહેરમાં ફાયર સેફ્ટી નિયમોના અમલને સુનિશ્ચિત કરવા માટે હાથ ધરવામાં આવેલા ચેકિંગ અભિયાન અંતર્ગત સોમવારે શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલા 15…

જામનગર મહાનગરપાલિકાના ફાયર વિભાગ દ્વારા શહેરમાં ફાયર સેફ્ટી નિયમોના અમલને સુનિશ્ચિત કરવા માટે હાથ ધરવામાં આવેલા ચેકિંગ અભિયાન અંતર્ગત સોમવારે શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલા 15 જેટલા વ્યાવસાયિક એકમોની તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન ત્રણ સ્થળોએ ફાયર એનઓસીનો અભાવ હોવાનું તેમજ ફાયર સેફ્ટી સંબંધિત જરૂૂરી નિયમોનું પાલન કરવામાં આવ્યું ન હોવાનું સામે આવતા સંબંધિત એકમોને સીલ કરવામાં આવ્યા હતા. મનપાના ફાયર વિભાગ દ્વારા અંબર સિનેમા રોડ વિસ્તાર આવેલા પીઝા પાર્લર સહિત કુલ ત્રણ વ્યાવસાયિક એકમો સામે સીલ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

ફાયર વિભાગના અધિકારીઓના જણાવ્યા મુજબ આગ જેવી આકસ્મિક પરિસ્થિતિમાં લોકોની સુરક્ષા જળવાઈ રહે તે માટે ફાયર એનઓસી અને અન્ય સુરક્ષા ધોરણોનું પાલન કરવું ફરજિયાત છે. નિયમોના ભંગ બદલ કોઈપણ પ્રકારની બેદરકારી ચલાવી લેવામાં આવશે નહીં. મહાનગરપાલિકાએ સ્પષ્ટ કર્યું છે કે શહેરના વિવિધ વિસ્તારોમાં ફાયર સેફ્ટી ચેકિંગ અભિયાન આગામી દિવસોમાં પણ યથાવત રહેશે અને જ્યાં પણ નિયમોના ભંગની વિગતો સામે આવશે ત્યાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

ભારે પવનથી વૃક્ષ ધરાશાયી
જામનગર શહેરના સેતાવાડ વિસ્તારમાં અવેડીયા મામા નજીક આવેલુ પીપળાનું વૃક્ષ ધરાશાયી થયાની જાણ થતાં સ્થાનિક કોર્પોરેટર ધવલભાઈ નાખવા, તેમજ અમરભાઈ કનખરા તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયા હતા. ઘટનાની જાણ થતાં જ તેમણે સંબંધિત તંત્ર સાથે સંકલન સાધી જરૂૂરી કામગીરી હાથ ધરાવી હતી. વૃક્ષ રસ્તા પર પડી જતાં વિસ્તારમાં વાહનવ્યવહાર અને અવરજવરમાં અડચણ સર્જાઈ હતી. ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમ પણ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી, અને કરવત સહિતના સાધનોની મદદથી વૃક્ષની ડાળીઓ કાપી દૂર કરવાની કામગીરી શરૂૂ કરી હતી. લગભગ એક કલાક જેટલી જહેમત બાદ ફાયર બ્રિગેડની ટીમે વૃક્ષના અવરોધને દૂર કરી સમગ્ર રસ્તો અને વિસ્તારને ફરીથી ખુલ્લો કરી આપ્યો હતો.