જામનગરમાં ભયગ્રસ્ત 6 ઇમારતોનું ડિમોલિશન

જામનગરમાં ચોમાસાની ઋતુ દરમિયાન કોઈ અનિચ્છનીય દુર્ઘટના સર્જાય નહીં, અને નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરી શકાય તે હેતુથી જામનગર મહાનગરપાલિકા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલી જર્જરિત…

જામનગરમાં ચોમાસાની ઋતુ દરમિયાન કોઈ અનિચ્છનીય દુર્ઘટના સર્જાય નહીં, અને નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરી શકાય તે હેતુથી જામનગર મહાનગરપાલિકા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલી જર્જરિત અને જોખમી ઇમારતોનું સર્વેક્ષણ હાથ ધરવામાં આવ્યું હતું. સર્વેક્ષણ દરમિયાન કુલ 6 ઇમારતો અત્યંત જર્જરિત અને માનવજીવન માટે જોખમરૂૂપ હોવાનું સામે આવતા સંબંધિત મિલકતધારકોને આખરી નોટિસો પાઠવવામાં આવી હતી.

આ કાર્યવાહીના ભાગરૂૂપે આજે મંગળવારથી મહાનગરપાલિકાની ટાઉન પ્લાનિંગ શાખા, એસ્ટેટ શાખા તથા અન્ય સંબંધિત વિભાગોની ટીમો દ્વારા ડિમોલેશનની પ્રક્રિયા શરૂૂ કરવામાં આવી છે. જરૂૂરિયાત મુજબ પોલીસ બંદોબસ્ત અને તકનિકી સ્ટાફની મદદ પણ લેવામાં આવી રહી છે. મહાનગરપાલિકાના સર્વે મુજબ ત્રણબત્તી વિસ્તારમાં આવેલી ગીતા લોજની જૂની ઇમારત અત્યંત જર્જરિત હાલતમાં હોવાનું સામે આવ્યું છે.

ઇમારતને અગાઉથી ખાલી કરાવી દેવામાં આવી છે અને તેના ડિમોલેશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
તે ઉપરાંત પટેલ કોલોની શેરી નં. 11માં આવેલ મીરા એપાર્ટમેન્ટ, નવાગામ વિસ્તારમાં આવેલ લક્ષ્મી એપાર્ટમેન્ટ, સરુ સેક્શન રોડ પર આવેલ ઓધવરામ એપાર્ટમેન્ટ, ગ્રેઇન માર્કેટ વિસ્તારમાં આવેલ કસ્ટમ હાઉસનું જૂનું મકાન તેમજ જામના ડેરા પાસે આવેલી મહાનગરપાલિકાની બે જૂની કચેરીઓને પણ અતિ જર્જરિત જાહેર કરવામાં આવી છે. ઓધવરામ એપાર્ટમેન્ટ સહિત કેટલાક બાંધકામોને તાત્કાલિક અસરથી ખાલી કરાવી દેવામાં આવ્યા છે તથા સુરક્ષાના ભાગરૂૂપે પાણીના જોડાણો પણ કાપી નાખવામાં આવ્યા છે. હાલ તમામ ઇમારતો વપરાશમુક્ત કરવામાં આવી છે.

મહાનગરપાલિકાના અધિકારીઓના જણાવ્યા મુજબ ચોમાસા દરમિયાન જર્જરિત ઇમારતો ધરાશાયી થવાની શક્યતા રહેતી હોવાથી જાહેર સલામતીને પ્રાથમિકતા આપી આ કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.