ભાવનગરમાં ચાની લારી શરૂૂ કરતાં યુવાન અને તેના દાદા પર ત્રણ શખ્સોનો હુમલો

  ભાવનગના શિશુવિહાર વિસ્તારમાં નવી શરૂૂ કરાયેલી ચાની લારીની અદાવત રાખીને પિતા અને તેના બે પુત્રોએ થઈને લારી સંચાલક યુવક અને તેના વૃદ્ધ દાદા પર…

 

ભાવનગના શિશુવિહાર વિસ્તારમાં નવી શરૂૂ કરાયેલી ચાની લારીની અદાવત રાખીને પિતા અને તેના બે પુત્રોએ થઈને લારી સંચાલક યુવક અને તેના વૃદ્ધ દાદા પર જીવલેણ હુમલો કર્યો હોવાનો બનાવ બનવા પામ્યો છે.

ભાવનગર શહેરનાના બોરડીગેટ, નવી જોગીવાડ શિવાલયપાર્ક પાસે રહેતા અને શિશુવિહાર સર્કલ પાસે ’ભગવતી ચા’ નામની લારી ચલાવતા જયદીપ મુકેશભાઈ ધોપાળ ઉં.વ. 25 એ ઘોઘારોડ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે કે જયદીપભાઈ અને તેમના બનેવીએ 10 દિવસ પહેલાં જ ગીતાચોક રોડ પર આ નવી લારી શરૂૂ કરી હતી. આ જ વિસ્તારમાં સામે ચાની લારી ચલાવતા રફીક અને તેના બે પુત્રો અબુદ અને અલ્ફાઝને નવો ધંધો શરૂૂ થતાં અદાવત જાગી હતી. બપોરના 12:00 વાગ્યાના અરસામાં ત્રણેય ઝઘડવા આવ્યા હતા અને ’અમારી સામે લારી કેમ કરી?’ તેમ કહી ગાળો ભાંડવા લાગ્યા હતા.

જયદીપભાઈએ અપશબ્દો બોલવાની ના પાડતા પિતા રફીક ઉશ્કેરાઈ ગયો હતો અને પિતા-પુત્રોએ થઈને ખુરશી તેમજ મુક્કા વડે જયદીપ અને તેના દાદાને માર મારવાનું શરૂૂ કર્યું હતું. આ દરમિયાન પુત્ર અબુદ પાસે રહેલા લાકડાના કડક ધોકા વડે જયદીપના માથા તેમજ ડાબા હાથ પર ફટકા માર્યા હતા. બીજા પુત્ર અલ્ફાઝે પોતાની પાસે રહેલી છરી વડે હુમલો કરીને યુવકને લોહીલુહાણ કરી નાખ્યો હતો. ધોકા અને દંડાની ખેંચતાણમાં બચાવવા વચ્ચે પડેલા દાદા પણ સંતુલન ગુમાવીને નીચે જોરદાર પટકાયા હતા. એક હુમલાખોરે દાદાને ખુરશી પણ મારી હતી.

ધોળા દિવસે જાહેર રોડ પર થયેલી મારામારીને પગલે આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા. ભીડ જામતી જોઈને ત્રણેય હુમલાખોરો ’જો ફરીથી લારી ચાલુ રાખી છે તો જાનથી મારી નાખીશું’ તેવી ધમકી આપીને નાસી છૂટ્યા હતા. ઈજાગ્રસ્ત જયદીપને તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયો હતો. ફરિયાદના આધારે ઘોઘારોડ પોલીસે આરોપીઓ સામે ગુનો નોંધી તેમની ધરપકડ કરવા ચક્રો ગતિમાન કર્યા છે.