ઉનાના નવાબંદરમાં ભગવાનના ઘરે જ હાથફેરો! લહરેશ્વર મહાદેવ મંદિરની દાનપેટી ચોરાઈ

ગામનો જ ‘મનો ડાકુ’ CCTVમાં કેદ,પૂજારીની ફરિયાદ બાદ પોલીસ સક્રિય, ભક્તોમાં રોષ આસ્થાના કેન્દ્ર સમાન ઉના ના નવાબંદર ગામના લહરેશ્વર મહાદેવ મંદિરમાંથીજ દાનપેટીનીચોરી થતાં ગ્રામજનોની…

ગામનો જ ‘મનો ડાકુ’ CCTVમાં કેદ,પૂજારીની ફરિયાદ બાદ પોલીસ સક્રિય, ભક્તોમાં રોષ

આસ્થાના કેન્દ્ર સમાન ઉના ના નવાબંદર ગામના લહરેશ્વર મહાદેવ મંદિરમાંથીજ દાનપેટીનીચોરી થતાં ગ્રામજનોની ધાર્મિક ભાવનાને ઠેસ પહોંચી છે.ચોરી કરનાર અન્ય કોઈ નહીં પણ ગામનો જ શખ્સ મનુ ડાયા બાંભણીયા ઉર્ફે ’મનો ડાકુ’ હોવાનું CCTV ફૂટેજમાં સ્પષ્ટ દેખાતા ભક્તોમાં ભારે રોષ વ્યાપ્યો છે.

તા. 17મી જૂનની રાત્રે આરોપી મનુડાયા બાંભણીયા મંદિરનો મુખ્ય દરવાજો ખોલી અંદર પ્રવેશ્યો હતો. મંદિરમાં રાખેલી દાનપેટીને કપડાં વડે ઢાંકીને તે ચોરી કરી ફરાર થઈ ગયો.આ હલકી હરકત સમગ્ર મંદિર પરિસરમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ ગઈ. સવારે મંદિરના પૂજારી પ્રવીણગિરિ રતનગીરી મંદિરે આવતાં દાનપેટી ગાયબ જોઈ ચોંકી ઉઠ્યા.તાત્કાલિક ગામના આગેવાનોને જાણ કરતાં CCTV ફૂટેજ તપાસવામાં આવ્યા.ફૂટેજમાં ચોરી કરનાર ગામનો જ મનુ ડાયા હોવાનું સ્પષ્ટ થતાં ગામલોકોમાં અરેરાટી ફેલાઈ ગઈ.

જે મંદિરમાં ગામના લોકો શ્રદ્ધાથી શીશ નમાવે, દુ:ખમાં આશરો લે,તે જ દેવસ્થાનને લૂંટનારની માનસિકતા કેટલી હલકી હશે તે સમજી શકાય છે. ભગવાનના નામે ભક્તોએ આપેલા દાનના રૂૂપિયાથી પોતાનું ઘર ભરવાનું વિચારનાર મનુ ડાયાએ માત્ર ચોરી જ નથી કરી, પણ આખા ગામની શ્રદ્ધાને લાંછન લગાડ્યું છે.પાપ અને પુણ્યનો ભેદ ભૂલી ગયેલા આવા તસ્કરો સમાજ માટે કલંક સમાન છે.મંદિર એ પાપ ધોવાનું સ્થળ છે, પાપ કરવાનું નહીં. દાનપેટીના રૂૂપિયા સેવાપૂજામાંવાપરવાના હોય,એના પર હાથ મારનારને મહાદેવ કદી માફ નહીં કરે એવી ગ્રામજનોની લાગણી છે.

ચોરી કર્યા બાદ આરોપી મનુ ડાયા ગામમાં ક્યાંયજોવા મળ્યો ન હતો.આથી પૂજારી પ્રવીણગિરિએ ગઈકાલે નવાબંદર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.પોલીસે CCTV ફૂટેજના આધારે આરોપીને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.