શાપરના દરબારગઢમાં રહેતા 70 વર્ષીય રાજવીને બંધક બનાવી અઢી કરોડની ધાડના બનાવનો ભેદ ઉકેલવામાં પોલીસને અંતે સફળતા મળી છે. ગત તારીખ 20 જૂન 2026ના રોજ બનેલી રૂપિયા અઢી કરોડની સનસનાટીભરી અને ગંભીર ધાડનો ભેદ ઉકેલાયો છે સાથે આઠ આરોપીઓ પૈકીના ત્રણ રીઢા આરોપીઓને કુલ રૂપિયા 76,86,270 ના મુદ્દામાલ સાથે દબોચી લીધા છે. આ સાથે જ આરોપીઓએ ગુનો આચરીને ભાગવા માટે ચોરેલી મોટરસાયકલો તેમજ અન્ય વાહન ચોરીના ગુનાઓ પણ શોધી કાઢવામાં આવ્યા છે.
આ ચકચારી ગુનાની વિગત એવી છે કે, ગત તા. 19-20 જૂન 2026ની મધ્યરાત્રિએ અંદાજે દોઢ વાગ્યાના અરસામાં શાપર મેઇન રોડ પર દરબારગઢમાં રહેતા 77 વર્ષીય રાજવી જીતેન્દ્રસિંહ અજીતસિંહ જાડેજાના ઘરનો દરવાજો તોડી પાંચ અજાણ્યા બુકાનીધારી શખ્સો લોખંડના પાઇપો સાથે ત્રાટક્યા હતા. લૂંટારુઓએ ફરિયાદીને માર મારી ઇજા પહોંચાડી, કબાટમાં રાખેલી રોકડ રકમ રૂ. 2,47,00,000 આશરે સાતથી આઠ તોલા સોનાના દાગીના (કિંમત રૂ. બે લાખ), એક લાયસન્સવાળી બંદૂક અને મોબાઇલ ફોન મળી કુલ રૂ. 2,49,11,000 ની મતાની ધાડ પાડી ગુનો આચર્યો હતો. ઉપરાંત, ધાડ પાડ્યા બાદ નાસી છૂટવા માટે આરોપીઓએ શાપર ગામમાંથી ત્રણ મોટરસાયકલની ચોરી કરી હતી, જેનો અલગથી ગુનો દાખલ કરાયો હતો.
ગુનાની ગંભીરતાને ધ્યાને લઇને રાજકોટ રેન્જ આઈજી નિર્લિપ્ત રાય તથા ગ્રામ્ય પોલીસ અધિક્ષક વિજય સિંહ ગુર્જર દ્વારા તાકીદે ઘટનાસ્થળની મુલાકાત લેવામાં આવી હતી. ગોંડલ ડિવિઝનના ડીવાયએસપી કે.જી. ઝાલાના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી., એસ.ઓ.જી. અને સ્થાનિક પોલીસની અલગ-અલગ 20 જેટલી ટીમો બનાવીને 50થી વધુ પોલીસ જવાનો દ્વારા સઘન સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું.
તપાસ દરમિયાન પોલીસે એફ.એસ.એલ. , ફિંગરપ્રિન્ટ વિભાગ અને ડોગ સ્ક્વોડની મદદ લીધી હતી. શાપર-વેરાવળથી શરૂ કરીને ઢોલરા, રાજકોટ શહેર, કુવાડવા, વાંકાનેર અને સુરજબારી ચેકપોસ્ટ સુધીના હાઇવે પર આવેલી હોટલો, ધાબા અને સરકારી કેમેરાના અસંખ્ય સીસીટીવી ફૂટેજ તેમજ ટેકનિકલ ડેટાની બારીકાઇથી ચકાસણી કરવામાં આવી હતી. આ દરમિયાન હિરાસર એરપોર્ટ નજીક અવાવરૂ વીડી વિસ્તારમાંથી ડ્રોન કેમેરાની મદદ વડે ચોરાઉ મોટરસાયકલો તેમજ જામનગરથી ચોરાયેલી સ્વીફ્ટ કારની નંબર પ્લેટ પણ શોધી કાઢવામાં આવી હતી.
ટેકનિકલ લોકેશનના આધારે પોલીસને મળેલી બાતમીને આધારે ધાડ આચરનાર ગેંગના સભ્યો બોલેરો ગાડી સાથે મધ્યપ્રદેશ બોર્ડર પરથી ગુજરાત સરહદમાં પ્રવેશવાના હોય ગ્રામ્ય એલ.સી.બી.ના પીએસઆઈ કે.એમ. ચાવડા, એચ.સી. ગોહીલ, પી.એન. ભરવાડ અને એ.બી. જાડેજાની ટીમે દાહોદ જિલ્લાના કતવારા પોલીસ સ્ટેશન વિસ્તારની ખંગેલા ચેકપોસ્ટ પર વ્યૂહાત્મક નાકાબંધી ગોઠવી હતી. પોલીસે ત્યાંથી પસાર થતી બોલેરો કારને આંતરીને મુખ્ય ત્રણ આરોપીઓને હથિયારો સાથે દબોચી લીધા હતા. પકડાયેલા આરોપીઓની આકરી પૂછપરછ દરમિયાન તેઓએ લૂંટેલી લાયસન્સવાળી બંદૂક ઢોલરા ગામ નજીક અવાવરૂ રસ્તે છુપાવી હોવાની કબૂલાત કરતા પોલીસે તે પણ રિકવર કરી લીધી છે.
પોલીસના હાથે ઝડપાયેલા આરોપીઓમાં બનસીંગ ઉર્ફે બન્ના હેમરાજ સીંગાડ (રહે. જાંબુઆ, મધ્યપ્રદેશ), સેતાન દિવાનભાઇ અમલીયાર (રહે. ગરબાડા, જી. દાહોદ) અને દિનેશ સેતાનભાઇ પરમાર (રહે. ગરબાડા, જી. દાહોદ) નો સમાવેશ થાય છે. આ આરોપીઓ અગાઉ પણ મધ્યપ્રદેશ અને દાહોદના પ્રોહિબિશન તેમજ લૂંટ અને આર્મ્સ એક્ટ જેવા ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા રીઢા ગુનેગારો છે. પોલીસે આરોપીઓ પાસેથી ધાડમાં ગયેલી રોકડ રકમ રૂ. 43,18,500, રૂ. 21,22,380 ની કિંમતના સોનાના ઘરેણા, અન્ય રૂ. 4,17,690 ના ઘરેણા, ગુનામાં વપરાયેલી રૂ. 7 લાખની બોલેરો કાર, હથિયારો, લૂંટેલી બંદૂક, મોબાઇલ અને ચોરાઉ બાઇક મળી કુલ રૂપિયા 76,86,270 નો મુદ્દામાલ કબજે કર્યો છે.
તપાસ દરમિયાન જાણવા મળ્યું કે, આ ઘાડ ગુનામાં સંડોવાયેલા અન્ય પાંચ ફરાર આરોપીઓના નામ ખુલ્ય હતા જેમાં ઘાડનું કાવતરું રચનાર મુખ્ય સુત્રધાર કમલસીંગ સીંગાડ, કરણસીંગ સીંગાડ તેમજ મહોબત, સુલસુલા બામણીયા અને વિઝન માવી સંડોવાયેલા હોય અને જે હાલ ફરાર હોય તમામને પકડી પાડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.
ટીપ આપનાર સ્થાનિક ભેજાબાજની શોધ: આંતરરાજ્ય ગેંગને ઘરની વિગતો આપનાર ઓળખાયા
શાપર-વેરાવળમાં રાજવીના બંગલામાં થયેલી અઢી કરોડની ધાડ પાછળ મધ્યપ્રદેશ અને દાહોદની રીઢી ગેંગ હોવાનું સામે આવ્યું છે, પરંતુ આ આંતરરાજ્ય લૂંટારુઓને આટલી મોટી રોકડ રકમ અને ઘરની ભૌગોલિક પરિસ્થિતિ વિશે સચોટ ’ટીપ’ આપનાર કોઈ સ્થાનિક ભેજાબાજ હોવાની પ્રબળ આશંકા સેવાઈ રહી છે. બુકાનીધારીઓ જે રીતે સીધા જ કબાટ સુધી પહોંચ્યા અને લૂંટ આચરી, તે સ્પષ્ટ કરે છે કે રેકી ખૂબ જ આયોજનબદ્ધ રીતે કરવામાં આવી હતી. રાજકોટ ગ્રામ્ય એલ.સી.બી. અને સાયબર ક્રાઇમની ટીમો હાલ પકડાયેલા ત્રણ આરોપીઓની આકરી પૂછપરછ કરી રહી છે. સ્થાનિક કનેક્શન અને આંતરિક બાતમીદારને શોધવા માટે શાપર વિસ્તારના શંકાસ્પદ શ્રમિકો અને ભૂતકાળમાં ઘરમાં કામ કરી ચૂકેલા લોકોના મોબાઈલ લોકેશન તેમજ કોલ ડિટેઈલ્સ ની ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરવામાં આવી છે. પોલીસના મતે, મુખ્ય સૂત્રધાર ટૂંક સમયમાં જ ઝડપાઈ જશે.
કામગીરી કરનાર પોલીસ ટીમને રેન્જ આઈજીએ રૂબરૂ મળી બિરદાવ્યા
પડકારરૂપ ધાડના ગુનાનો ભેદ ઉકેલવામાં કામગીરી કરનાર રાજકોટ જીલ્લા પોલીસની ટીમને રેન્જ આઈજી નિર્લિપ્ત રાયે એસપી કચેરી બહાર રૂબરૂ મળી બિરદાવ્યા હતા. આ બનાવમાં સમગ્ર સફળ કામગીરી કરનાર રાજકોટ ગ્રામ્ય એલસીબી પી.આઈ જે.પી.રાવ સાથે પીએસઆઈ કે.એમ.ચાવડા, પીએસઆઈ એચ.સી.ગોહીલ, પીએસઆઈ આર.વી. ભીમાણી,પીએસઆઈ પી.એન.ભરવાડ તથા એલસીબી અને પેરોલ ફર્લો શાખાનો સ્ટાફ તેમજ સાયબર ક્રાઇમ સેલ રાજકોટ વિભાગના અધિકારીઓ સહીતનો સ્ટાફ, ગ્રામ્ય એસઓજીના પી.આઈ એફ.એ.પારગી, પીએસઆઈ જી.જે.ઝાલા સાથે એસઓજી શાખાનો સ્ટાફ ઉપરાંત શાપર વેરાવળના પી.આઈ આર.બી. રાણા, પીએસઆઈ આર.ડી. સોલંકી, પીએસઆઈ વી.જી. જેઠવા, પીએસઆઈ એસ.આર.પંડ્યા તથા શાપર વેરાવળ પોલીસ મથકનો સ્ટાફ તેમજ લીવ રીઝર્વ પીએસઆઈ એ.બી.જાડેજા તથા એલ.આઇ.બી.શાખા તેમજ ભાયાવદર, જસદણ, ગોંડલ સીટી એ ડીવી, ગોંડલ સીટી બી ડીવી પોલીસ મથકનો સ્ટાફ અને સાયબર ક્રાઇમના પીએસઆઈ સી.બી. વાંક સહિતનો સ્ટાફે કામગીરી કરી હતી.
