ચાલુ જૂન મહિનો 126 વર્ષમાં બીજી વખત સૌથી કોરો

સામાન્ય કરતાં 42 ટકા ઓછો વરસાદ, અગાઉ 2009માં 47 ટકા ઘટ હતી ત્યારે દેશમાં ફકત 77 ટકા વરસાદ વરસ્યો હતો દેશભરમાં આ વર્ષે જૂન મહિનો…

સામાન્ય કરતાં 42 ટકા ઓછો વરસાદ, અગાઉ 2009માં 47 ટકા ઘટ હતી ત્યારે દેશમાં ફકત 77 ટકા વરસાદ વરસ્યો હતો

દેશભરમાં આ વર્ષે જૂન મહિનો ઇતિહાસનો બીજો સૌથી સૂકો મહિનો સાબિત થઈ રહ્યો છે. હવામાન વિભાગ (IMD) ના આંકડા પ્રમાણે 21 જૂન સુધીમાં દેશમાં માત્ર 57.4 મિમી વરસાદ પડ્યો છે, જે સામાન્ય કરતાં 42.2 ટકા ઓછો છે. આ પહેલાં 2009માં આખા જૂનમાં સામાન્ય કરતાં 47 ટકા (53% જ્ઞર LPA) ઓછો વરસાદ નોંધાયો હતો, જેણે મધ્ય અને ઉત્તર-પશ્ચિમ ભારતમાં ખેતીને ભારે અસર કરી હતી. 2009માં આખા મોન્સૂન સીઝન (જૂનથી સપ્ટેમ્બર)માં દેશને 77 ટકા (23 ટકા ખામી) વરસાદ મળ્યો હતો, જે તે સમયના ત્રીજા સૌથી વધુ ખામીવાળા વર્ષ તરીકે નોંધાયું હતું.

મોન્સૂનની પ્રગતિ ધીમી પડવાને કારણે મધ્ય અને ઉત્તર ભારતમાં ગરમી અને લૂનું પ્રમાણ વધ્યું છે. જો કે, આગામી બે અઠવાડિયામાં માનસૂન આગળ વધી શકે છે. બંગાળની ખાડીમાં એક સિસ્ટમ સક્રિય થયું છે, જે માનસૂનને છત્તીસગઢ સુધી લઈ જશે.

ઉત્તર પ્રદેશના 38 જિલ્લાઓમાં અને મધ્ય પ્રદેશના 5 જિલ્લાઓમાં હીટવેવનું એલર્ટ જારી કરવામાં આવ્યું છે. વિદર્ભના 8 જિલ્લાઓમાં રાત્રે પણ લૂ ચાલી રહી છે. બાંદા, પ્રયાગરાજ, વારાણસી જેવા વિસ્તારોમાં તાપમાન 42 ડિગ્રીથી વધુ નોંધાયું છે. 12 જૂન સુધીમાં ખરીફ પાકની વાવણી 3.9 ટકા ઘટીને 84.6 લાખ હેક્ટર થઈ છે. દાળ અને કપાસના વિસ્તારમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. જો કે, ધાનની વાવણીમાં 28.4 ટકાનો વધારો થયો છે. જળાશયોમાં પાણીનું સ્તર સારું છે, પરંતુ જુલાઈ-ઓગસ્ટની વરસાદ પર જ સમગ્ર સીઝનની સફળતા આધારિત છે.