અયોધ્યામાં ચોરી ફકત આર્થિક ગુનો નહીં, શ્રીરામ અને ભક્તો સાથે વિશ્ર્વાસઘાત : શંકરાચાર્યજી

સરકાર પાસે ન તો શાસ્ત્રોનું જ્ઞાન છે ન તો અનુભવી અધિકારીઓ, મંદિરોને તપસ્યાભૂમિ નહીં પણ પર્યટન કેન્દ્રો સમજે છે સમગ્ર દાનના હિસાબ સાથે શ્વેતપત્ર બહાર…

સરકાર પાસે ન તો શાસ્ત્રોનું જ્ઞાન છે ન તો અનુભવી અધિકારીઓ, મંદિરોને તપસ્યાભૂમિ નહીં પણ પર્યટન કેન્દ્રો સમજે છે

સમગ્ર દાનના હિસાબ સાથે શ્વેતપત્ર બહાર પાડવા અને સનાતન બોર્ડની રચના કરવા માગણી

અયોધ્યાના રામ મંદિરમાં દાન ચોરી મામલે ભક્તોમાં તો રોષ અને નારાજગી છે જ. હવે દ્વારકા શારદાપીઠના શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતીએ પણ આ મુદ્દે આપેલા ઇન્ટરવ્યૂમાં ગંભીર આરોપ લગાવ્યા છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે, પ્રભુ રામના ચરણોમાં ચઢાવાયેલા દાનમાં હેરાફેરી એ માત્ર આર્થિક ગુનો નથી પણ કરોડો ભક્તોની આસ્થા સાથે વિશ્વાસઘાત છે. ધર્મ અને શાસ્ત્રોના જ્ઞાનથી વંચિત સરકારો ક્યારેય મંદિરોનું યોગ્ય સંચાલન ન કરી શકે. સરકારો મંદિરોને તપસ્યા ભૂમિ નહીં પણ પર્યટન કેન્દ્રો સમજે છે, જે સ્વીકારી ન શકાય.

નાના કર્મચારીઓને બલીનો બકરો બનાવી મોટા માથાઓને બચાવવાના પ્રયાસો સામે તેમણે ચેતવણી આપી. શંકરાચાર્યએ સમગ્ર દાનનો હિસાબ આપતું શ્વેતપત્ર બહાર પાડવાની અને સરકારી દખલ રોકીને મંદિરોના સંચાલન માટે સનાતન બોર્ડની રચના કરવાની માગ કરી છે.

ભગવાનને આપેલું દાન દૈવી સંપત્તિ બની જાય છે. જો ખરેખર ચોરી થઇ હોય તો આ ફક્ત આર્થિક ગુનો નથી પણ ભગવાન શ્રી રામ અને લાખો ભક્તોની શ્રદ્ધા સાથે વિશ્વાસઘાત છે. નિષ્પક્ષ અને નિર્ભયતાથી તપાસ થવી જોઇએ. અયોધ્યામાં જે થયું છે તેનાથી લોકો દુ:ખી છે. આ ઘટનાનો અર્થ એ છે કે સરકાર પાસે ન તો શાસ્ત્રોનું જ્ઞાન છે કે ન તો અનુભવી અધિકારીઓ છે. સરકારનું કામ લોકોને સુવિધાઓ પૂરી પાડવાનું છે, ધાર્મિક વિધિઓ કરવાનું નથી.

સનાતન ધર્મમાં મંદિરને ભગવાનનું સ્વરૂૂપ માનવામાં આવે છે. તેના પર કોઈ વ્યક્તિનો કોઈ અધિકાર નથી. તેથી દેવ ધામમાં જે થયું તે ચોરી જ નહીં પણ એક ગંભીર ધાર્મિક ગુનો પણ છે. પ્રશ્ન એ ઊભો થાય છે અયોધ્યા જેવી ધાર્મિક નગરીમાં ભગવાન શ્રી રામના પવિત્ર જન્મસ્થળે આવું કેવી રીતે શક્ય થયું? આ તો ચંદનના જંગલમાં રહેતા ઝેરી સાપ જેવું છે. શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે જે વ્યક્તિ લોભથી દેવતાઓની સંપત્તિ ચોરી કરે છે તે ગંભીર પાપનો દોષી છે. તેથી જો ભગવાન રામના ચરણોમાં ચઢાવવામાં આવતા દાનમાં છેતરપિંડી કરવામાં આવી હોય તો તે લાખો ભક્તોની શ્રદ્ધા પર પણ હુમલો છે.

કોઈ પણ વ્યક્તિ કે સંગઠન પર પુરાવા વિના આરોપ લગાવવો અયોગ્ય છે. જો કે ફક્ત નીચલા સ્તરના વ્યક્તિઓ સામે જ કાર્યવાહી થાય અને મોટા લોકોને સવાલ ન પૂછાય તો સ્વાભાવિક રીતે જ ન્યાય વ્યવસ્થામાં સમાજનો વિશ્વાસ ડગમગવા લાગે છે. મહાભારતમાં કહેવામાં આવ્યું છે કે જ્યાં સત્ય નથી ત્યાં કોઈ ધર્મ નથી એટલે મારી એકમાત્ર અપેક્ષા એ છે કે આ મામલાની તપાસ કોઇ પદ, પ્રભાવ, પ્રતિષ્ઠા અથવા રાજકીય દબાણથી પ્રભાવિત ન હોવી જોઇએ. નિર્દોષનું રક્ષણ થવું જોઈએ અને દોષિત ભલે ગમે તેટલો પ્રભાવશાળી હોય તેને કોર્ટ સમક્ષ જવાબદાર ઠેરવવો જોઈએ. આ ભગવાન શ્રીરામની ગરિમાને અનુરૂૂપ પણ છે.

અયોગ્ય લોકોને કામ સોંપાયુ એટલે અયોધ્યામાં ચોરી થઇ
આ અંગે શંકારાચાર્યએ જણાવ્યું છે કે, લોકો અયોધ્યા, દ્વારકા, બદ્રીનાથ, તિરૂૂપતિ જેવા ધર્મસ્થળોને ઋષિ મુનિઓની તપોભૂમિ માને છે. સરકાર, નેતાઓ અને તંત્ર આને પર્યટન સ્થળ માને છે. જેથી તેમનામાં ધાર્મિક ભાવના જાગતી નથી. અયોગ્ય લોકોને કામ સોંપવાથી એ જ પરિણામ મળે છે જે અયોધ્યામાં મળ્યું, આ વાત સમજી લેવી જોઇએ. સરકાર પાસે મંદિર સંચાલનનો નૈતિક અધિકાર નથી. કોઇ મસ્જિદ, ચર્ચ કે ગુરૂૂદ્વારામાં સરકારનો હસ્તક્ષેપ નથી. ફક્ત હિન્દુઓના ધર્મસ્થાનોમાં જ સરકારનો હસ્તક્ષેપ છે. મંદિર આવા શાસનથી મુક્ત હોવા જોઇએ.

સત્યને છૂપાવવાથી નહીં પણ જાહેર કરવાથી પ્રતિષ્ઠા વધે
શંકરાચાર્યે જણાવ્યું હતું કે, હું ટ્રસ્ટને કહીશ કે પારદર્શિતાને તમારી તાકાત બનાવો, બોજ નહીં. સત્યને છુપાવવાથી નહીં પરંતુ તેને જાહેર કરવાથી પ્રતિષ્ઠા વધે છે. હું સરકારને કહીશ કે આ ફક્ત કાયદાનો વિષય નથી, પરંતુ લાખો લોકો માટે શ્રદ્ધાનો વિષય પણ છે. તેથી ન્યાય સંપૂર્ણપણે નિષ્પક્ષ, ઝડપી અને નિર્ભય હોવો જોઈએ અને રામ ભક્તોને મારી વિનંતી છે કે ભગવાન શ્રી રામમાં શ્રદ્ધા રાખો, કોઈ વ્યક્તિમાં નહીં. વ્યક્તિઓ ભૂલ કરી શકે છે, પરંતુ ભગવાનનો મહિમા, રામ જન્મભૂમિની પવિત્રતા અને સનાતન ધર્મની ગરિમા ક્યારેય ઓછી થતી નથી.