ગુજરાત
રાજકોટ જિલ્લા બેંક સામે થયેલી રિટ અચાનક પાછી ખેંચાઈ
રાદડિયા સામે પડેલા ઢાંકેચા-સાવલિયા-જાડેજા જૂથની શરણાગતી કે સમાધાન?
રાજકોટ જિલ્લાના સહકારી ક્ષેત્રમાં અચાનક જ નવો વળાંક આવ્યો છે. રાજકોટ ડિસ્ટ્રીક્ટ બેંકના ચેરમેન જયેશ રાદડિયા સામે ભાજપના જ એક જૂથે હાઇકોર્ટમાં કરેલી ભ્રષ્ટાચારના આક્ષેપો સહિતની પિટિશન પાછી ખેંચી લેતા સહકારી ક્ષેત્રમાં નવાજ સમીકરણો સર્જાયા છે અને સહકારી ક્ષેત્ર ઉપર વધુ એક વખત જયેશ રાદડિયા નું પ્રભુત્વ જોવા મળ્યું છે.
રાજકોટ જિલ્લા ભાજપના જ સહકારી નેતાઓ હરદેવસિંહ જાડેજા, નિતીન ઢાકેચા અને પરસોતમ સાવલિયા તેમજ વિજય સખીયાએ રાજકોટ ડિસ્ટ્રીકટ બેંકની ભરતી સહિતની બાબતોમાં ગોટાળા થયા ના આક્ષેપો સાથે હાઇકોર્ટમાં રીટ કરી હતી પરંતુ ગઈકાલે હાઇકોર્ટમાં આ આ રીટની સુનાવણી હતી તે દરમિયાન ઢાકેચા, સાવલિયા અને હરદેવસિંહ જૂથે અચાનક જ પાછી ખેંચી લેતા જયેશ રાદડિયા ની શરણાગતિ સ્વીકારી હોય તેવી પરિસ્થિતિ સર્જાયેલ છે.
રાજકોટ લોધીકા ખરીદ વેચાણ સંઘ અને રાજકોટ માર્કેટિંગ યાર્ડ ની ચૂંટણી દરમિયાન ભાજપના જ સહકારી નેતા જયેશ રાદડિયા સામે ભાજપના જ નીતિન ઢાકેચા, પરસોતમ સાવલિયા, હરદેવસિંહ જાડેજા અને વિજય સખીયાએ તલવાર તાણી હતી અને આ બંને સહકારી સંસ્થામાંથી કાંકરો નીકળી જતા ત્રણ મંડળીઓ મારફત રાજકોટ જિલ્લા સહકારી બેંકમાં ભ્રષ્ટાચાર અને ગોટાળા થયાના આક્ષેપો સાથે હાઇકોર્ટમાં રીટ કરી હતી. લગભગ છેલ્લા ત્રણ વર્ષથી હાઇકોર્ટમાં આ કાનૂની લડાઈ ચાલી રહી હતી પરંતુ ગઈકાલે તેમાં અચાનક જ નવો વળાંક આવ્યો હતો અને જિલ્લા સહકારી બેંક બાબતે હાઇકોર્ટમાં થયેલી રીટ પાછી ખેંચી લેવામાં આવી હતી.
ઉલ્લેખની છે કે છેલ્લા બે વર્ષથી આ રીટ પાછી ખેંચી લેવા બાબતે સમાધાનની વાતો ચાલી રહી હતી પરંતુ રાજકોટ માર્કેટયાર્ડ અને રાજકોટ લોધીકા સંઘમાં ભાગ માંગવાની શરતોના કારણે સમાધાન પડી ભાંગ્યું હતું, છેલ્લે આ બંને સંસ્થાઓના નવા સુકાનીઓને પણ રીપીટ કરવામાં આવ્યા હતા અને ભાજપના હરીફ જૂથના ભાગે એક પણ હોદ્દો આવ્યો ન હતો, જેના કારણે રાજકોટ ડિસ્ટ્રિક્ટ બેંક સામે શરૂૂ થયેલી કાનૂની લડાઈ લાંબી ચાલશે તેવું લાગતું હતું પરંતુ સહકારી ક્ષેત્રમાં જબરદસ્ત વર્ચસ્વ ધરાવતા જયેશ રાદડિયા સામે અંતે હરીફ જૂથે શરણાગતિ સ્વીકારી હોય તેમ ગઈકાલે અચાનક જ આ રીટ પાછી ખેંચી લેવામાં આવી છે.
સહકારી ક્ષેત્રમાં રાજકોટ તાલુકામાં જયેશ રાદડિયા સામે લડી રહેલા જૂથે અચાનક જ તલવાર મ્યાન કરી દેતા આગામી દિવસોમાં સહકારી ક્ષેત્રમાં નવા સમીકરણો રચાય તેવા નિર્દેશો મળી રહ્યા છે. હાઇકોર્ટમાં ચાલી રહેલી રીટ પાછી ખેંચી લેવા બાબતે બંને જૂથો વચ્ચે સમાધાન થયું છે કે પછી લડાઈ છેડનાર જૂથે પીછે હટ કરી છે તે અંગે કોઈ વિગતો બહાર આવી નથી અને બંને જૂથમાંથી કોઈ પણ નેતા અંગે બોલવા તૈયાર નથી.