ક્રાઇમ
તહેવારમાં રાજસ્થાન ફરવા ગયેલા દેવનગરના પરિવારના મકાનમાંથી 1.13 લાખની ચોરી
શહેરના નાનામવા રોડ પર દેવનગરમાં રહેતો પરિવાર દિવાળીની રજાઓમાં રાજસ્થાન ફરવા જતા પાછળથી તેમના બંધ મકાનને નિશાન બનાવી અહીંથી રોકડ રકમ અને સોના ચાંદીના-દાગીના સહિત 1.13 લાખની મત્તા ચોરી કરી લીધી હતી.
મળતી વિગતો મુજબ,નાનામવા મેઈન રોડ પર વાત્સલ્ય હોસ્પિટલ પાસે દેવનગર શેરી નંબર છ માં રહેતા રાહુલ રમેશભાઈ દાફડા(ઉ.વ 26) નામના યુવાને માલવિયાનગર પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગત તા.4/11 ના બપોરના સમયે તે તથા તેમના પિતા તેમના માતા અને પત્ની સહિતનાઓ મીની બસમાં રાજસ્થાન ફરવા માટે ગયા હતા.દરમિયાન 7/11 ના તેઓ જેસલમેર હતા.ત્યારે સવારે પાડોશી અને સંબંધી અનિલભાઈ વાઘેલાનો ફોન આવ્યો હતો અને કહ્યું હતું કે, તારા ઘરમાં તાળા તૂટેલા છે અને ચોરી થઈ હોય તેવું લાગે છે. જેથી આ બાબતે યુવાને તેના ભાઈ લલિત દાફડા તથા મામા આદિત્ય પરમારને ફોન કરી જાણ કરી હતી. જેથી બંને પોલીસ સ્ટેશન ગયા હતા અને યુવાન તથા તેનો પરિવાર રાજકોટ આવવા માટે નીકળી ગયો હતો.
ગઈકાલે રાત્રિના અઢી વાગ્યે તેઓ ઘરે પરત આવ્યા બાદ અહીં આવી જોતા ઘરનો દરવાજો ખુલ્લો હોય હોલમાં પડેલ ફરિયાદીના માતાની પતરાની તિજોરી તથા રૂૂમમાં રહેલી તિજોરી તૂટેલી હાલતમાં હતી જેથી તપાસ કરતા માલુમ પડ્યું હતું કે, ફરીયાદીના પત્ની કોમલબેનએ તિજોરીમાં રાખેલ સોનાની વીંટી, ચાંદીનો કંદોરો તથા ગલ્લામાં રાખેલ રૂૂપિયા 40 હજાર રોકડ તેમજ તેમના માતાએ તિજોરીમાં તપાસ કરતા સોનાના જુના પાટલા તથા વીંટી અને ચાંદીની જૂની ઝાંઝરી જોવા મળી ન હતી. આમ કુલ રૂૂપિયા 1.13 લાખની મત્તાની ચોરી થઈ હોવાનું માલુમ પડ્યું હતું.
ત્યારબાદ પાડોશીના ઘરમાં લગાવેલા સીસીટીવી કેમેરા ચેક કરતા એક શખ્સ મોઢે રૂૂમાલ બાંધી અહીં ઘર પાસે પસાર થતો હોવાનું દેખાયું હતું અને તે રાજનગર ચોક તરફ ગયાનું માલુમ પડ્યું હતું. જેથી આ મામલે યુવાને ફરિયાદ નોંધાવતા માલવીયાનગર પોલીસે ગુનો નોંધી તપાસ શરૂૂ કરી છે.