કોમ્યુનિટી હોલ, ઓડિટોરિયમ, સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, આરોગ્ય કેન્દ્ર, પુસ્તકાલય જેવા પ્રોજેક્ટમાં લોકોના અભિપ્રાય લેવા ફરજિયાત; મહાનગરપાલિકાનો પરિપત્ર
રાજકોટ શહેરના સર્વાંગી, સુવ્યવસ્થિત અને દીર્ઘકાલીન વિકાસને ધ્યાનમાં રાખીને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જાહેર હેતુપયોગી પ્રોજેક્ટોના આયોજન માટે એક મહત્વપૂર્ણ પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. આ પરિપત્ર મુજબ, નાગરિકલક્ષી સુવિધાઓના કોઈપણ નવા પ્રોજેક્ટનું આયોજન કરતા પહેલાં સંબંધિત ક્ષેત્રના સ્ટેકહોલ્ડર (જે-તે પ્રોજેક્ટના લાભાર્થીઓ/અન્ય સંબંધિત લોકો/અનુભવી નિષ્ણાતો)નો અભિપ્રાય લેવો ફરજિયાત બનાવવામાં આવ્યો છે. આ નવી પહેલ વિશે માહિતી આપતા મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાએ જણાવ્યું હતું કે, દરેક નવા પ્રોજેક્ટની લોકઉપયોગીતા મહત્તમ સ્તરે રહે તેવા આશય સાથે જે-તે પ્રોજેક્ટના આયોજનમાં સ્ટેકહોલ્ડર્સનો અભિપ્રાય લેવામાં આવશે. તાજેતરમાં જ રાજકોટ મહાનગરપાલિકાએ બે પ્રોજેક્ટમાં આ નવી પહેલનો સફળ અમલ કરેલ છે.
સ્ટેકહોલ્ડર ક્ધસલ્ટેશનના સકારાત્મક પરિણામોને ધ્યાનમાં રાખીને મ્યુનિસિપલ કમિશનર દ્વારા આવનાર સમયમાં પ્રજાલક્ષી જાહેર વપરાશના તમામ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટમાં આ પ્રક્રિયા ફરજિયાત બનાવવામાં આવી છે. પરિપત્ર મુજબ, નિષ્ણાંતો સાથે મીટિંગ યોજીને તેમાં થયેલી ચર્ચાની વિગતવાર નોંધ તૈયાર કરવી પડશે. નિષ્ણાંતોની સૂચનાઓના આધારે પ્રાથમિક પ્લાનિંગ સાથે માળખાકીય, તકનીકી અને નાણાકીય પાસાઓને ધ્યાનમાં રાખીને વિગતવાર એસ્ટીમેટ તૈયાર કરાશે.
કોમ્યુનિટી હોલ, ઓડિટોરિયમ, સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ, આરોગ્ય કેન્દ્ર, પુસ્તકાલય સહિતની વિવિધ જાહેર વપરાશની સુવિધાઓનું આયોજન હવે માત્ર ટેક્નિકલ દ્રષ્ટિકોણથી નહીં પરંતુ વપરાશકર્તાઓની જરૂૂરિયાતો અને નિષ્ણાંતોના માર્ગદર્શન હેઠળ કરવામાં આવશે. આ અભિગમથી નાગરિકોને વધુ ઉપયોગી, વ્યવહારુ અને ગુણવત્તાયુક્ત સુવિધાઓ ઉપલબ્ધ થાય તે હેતુ રાખવામાં આવ્યો છે.
વર્ષ 2025-26ના બજેટમાં જાહેર કરાયેલા વોર્ડ નં. 17 ખાતેના આંતરરાષ્ટ્રીય કક્ષાના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષના આયોજન દરમિયાન રાજકોટ મહાનગરપાલિકા દ્વારા નવીન અભિગમ અપનાવવામાં આવ્યો હતો. આ પ્રોજેક્ટની ડિઝાઇન અંતિમ કરતા પહેલાં 21 જેટલા રાષ્ટ્રીય અને રાજ્ય કક્ષાના ખેલાડીઓને આમંત્રિત કરીને તેમની સાથે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.
ખેલાડીઓના સૂચનોના આધારે મેઇન કોર્ટ સાથે જિમ, રેસ્ટ રૂૂમ, ચેન્જિંગ રૂૂમ સહિતની સુવિધાઓ આંતરરાષ્ટ્રીય ધોરણોને અનુરૂૂપ રીતે ડિઝાઇન કરવામાં આવી છે. તેમજ ઓલિમ્પિક, કોમનવેલ્થ ગેમ્સ, નેશનલ ગેમ્સ જેવી સ્પર્ધાઓમાં મેડલ લાવી શકાય તેવી સંભાવના ધરાવતી રમતોનો સમાવેશ કરવામાં આવ્યો છે.
સ્માર્ટ સિટી અંતર્ગત નિર્માણાધીન વર્કિંગ વુમન હોસ્ટેલના આયોજનમાં પણ સ્ટેકહોલ્ડર ક્ધસલ્ટેશનનો સફળ અમલ કરવામાં આવ્યો છે. હોસ્ટેલના નિર્માણકાર્ય શરૂૂ કરતાં પહેલાં રાજકોટ શહેરમાં રહેતી અંદાજે 100 જેટલી વર્કિંગ વુમનને આમંત્રિત કરીને પ્રોજેક્ટનું પ્રેઝન્ટેશન કરવામાં આવ્યું હતું અને તેમની સલાહ-સૂચનો લેવામાં આવ્યા હતા.
કોર્પોરેશનની તમામ શાખાઓ માટે આ પ્રક્રિયા ફરજિયાત
આ એસ્ટીમેટમાં પ્રોજેક્ટના લાભો, નાગરિકોને મળનારી સુવિધાઓ તથા શહેરના લાંબા ગાળાના વિકાસલક્ષી પરિણામો સ્પષ્ટ રીતે દર્શાવવાનું રહેશે. આ સમગ્ર પ્રક્રિયા મહાનગર પાલિકાની સંલગ્ન તમામ શાખાઓ માટે ફરજિયાત કરવામાં આવી છે. આ પરિપત્ર દ્વારા રાજકોટ મહાનગરપાલિકાએ નાગરિકોની અપેક્ષાઓને કેન્દ્રમાં રાખી પારદર્શક, વ્યવહારુ અને ગુણવત્તાયુક્ત જાહેર ઇન્ફ્રાસ્ટ્રક્ચર નિર્માણ માટે એક દ્રઢ અને દુરંદેશી પગલું ભર્યું છે.

